- World
- શું છે જિનપિંગનો પ્રોજેક્ટ 'સિનિકાઇઝેશન'? લોકોના ધાર્મિક વિશ્વાસને કંઈ રીતે બદલી રહ્યો છે?
શું છે જિનપિંગનો પ્રોજેક્ટ 'સિનિકાઇઝેશન'? લોકોના ધાર્મિક વિશ્વાસને કંઈ રીતે બદલી રહ્યો છે?
ધર્મ અને તે ધર્મને માનવાની સ્વતંત્રતા હંમેશા ચીની સામ્યવાદી સરકાર માટે એક અસ્વસ્થતાનો વિષય લાગી રહ્યો છે. ચીન પોતાના નાગરિકોની શ્રદ્ધા જેવી અંગત બાબતોમાં દખલ દેવાનું ચાલુ રાખે છે અને ઇચ્છે છે કે નાગરિકો એવા ધર્મનું પાલન કરે જે ચીની સંસ્કૃતિ, સામ્યવાદ અને ચીની સંદર્ભ સાથે સુસંગત હોય.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સોમવારે કહ્યું કે, સામ્યવાદી રાષ્ટ્રમાં તમામ ધર્મ સમાજવાદી સમાજ સાથે 'સૌથી વધુ સુસંગત' હોવા જોઈએ. તેમણે ચીનમાં ધર્મના સિનિકાઇઝેશનના તેમના પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ત્યાંની સ્થાનિક સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, તેમણે ભાર મૂક્યો કે ચીનમાં ધર્મો દેશના મૂલ્યો સાથે સુસંગત હોવા જોઈએ.
કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જૂથ અભ્યાસ સત્રની અધ્યક્ષતા કરતા, શી જિનપિંગે કહ્યું કે, તમામ ધર્મો અને સંપ્રદાયોને સક્રિયપણે માર્ગદર્શન આપવું જોઈએ કે જેથી કરીને તે ચીનની સમાજવાદી વ્યવસ્થાને અનુકૂળ થઇ શકે.
2012માં સત્તામાં આવ્યા પછી, 72 વર્ષીય શી જિનપિંગ શાસક સામ્યવાદી પાર્ટીની ધાર્મિક નીતિઓને માર્ક્સવાદી વિચારધારા સાથે જોડી રહ્યા છે.
ચીનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અભાવ હોવાને કારણે ત્યાંના નાગરિકોને ધર્મ જેવા મુદ્દાઓમાં સરકારી દખગીરીનો વિરોધ કરતા અટકાવે છે.
ચીનનું કહેવું છે કે નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા છે, પરંતુ તેમણે પક્ષ દ્વારા નિર્ધારિત માપદંડોની અંદર રહીને કાર્ય કરવું જોઈએ.
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ધર્મોએ ચીની પરિસ્થિતિઓને અનુકૂળ કેવી રીતે કામ કરવું જોઈએ.
2012થી હાથ ધરવામાં આવેલા સુધારાઓનો ઉલ્લેખ કરતા, શી જિનપિંગે જણાવ્યું હતું કે, પાર્ટીએ ઘણા નવા વિચારો અને પગલાં રજૂ કર્યા છે, જેમાં ચીનમાં ધર્મોનો ચીની સાર હોવો જોઈએ તે સિદ્ધાંતનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, ધર્મોને ચીની સંદર્ભના અનુસાર ઢાળવું, ધાર્મિક સંવાદિતા, વંશીય એકતા, સામાજિક સંવાદિતા અને દેશની લાંબા ગાળાની સ્થિરતા માટે જરૂરી છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, ધર્મોનું ચીનીકરણ શું છે? શી જિનપિંગ અને તેમની કમ્યુનિસ્ટ પાર્ટી ધર્મ અંગે તેમના નાગરિકો પાસેથી શું અપેક્ષા રાખે છે?
ચીનીકરણ, અથવા ધર્મોનું ચીનીકરણ, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) દ્વારા લાગુ કરાયેલી નીતિ છે જેનો હેતુ દેશના તમામ ધાર્મિક, સાંસ્કૃતિક અને વંશીય સમુદાયોને ચીની રાષ્ટ્રીય ઓળખ અને સંસ્કૃતિ સાથે એકરૂપ કરવાનો છે.

દેખીતી રીતે આ પ્રક્રિયા ધર્મોનું ચીનીકરણ કહેવાય છે, પરંતુ તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે, ચીનમાં તમામ ધર્મોના લોકોએ પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિઓનો ત્યાગ કરવો જોઈએ અને ચીની પ્રતીકો અને પ્રથાઓ અપનાવવી જોઈએ.
આ નીતિ ખાસ કરીને ધાર્મિક પ્રથાઓ, પરંપરાઓ અને પ્રતીકોને ચીની લાક્ષણિકતાઓ સાથે એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2018ના ભાષણમાં આ પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, દેશમાં રહેલા તમામ ધર્મોએ ચીની પ્રતીકો અને પ્રથાઓ અપનાવીને ચીની રાષ્ટ્રીય ઓળખ સાથે એકીકૃત થવું જોઈએ.
તમે ઘણીવાર સમાચાર અહેવાલો વાંચ્યા હશે કે, ચીનમાં મસ્જિદો તોડી પાડવામાં આવી રહી છે અને તેના સ્થાને પેગોડા-શૈલીની રચનાઓ અને બૌદ્ધ મંદિરો જેવી ચીની સ્થાપત્ય શૈલીઓ લાગુ કરવામાં આવી રહી છે. ચીન ચીનમાં રહેતા મુસ્લિમોને અરબી અથવા ઇસ્લામિક મસ્જિદોને બદલે ચીની શૈલીની મસ્જિદોમાં ઈબાદત કરવા માટે કહે છે.
ચીનમાં ખ્રિસ્તી ચર્ચો અને બૌદ્ધ મંદિરોને પણ વિદેશી પ્રભાવોને બદલે ચીની સંસ્કૃતિની ઓળખ માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.
ચીન માને છે કે તેના નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા છે, પરંતુ પાર્ટી દ્વારા નિર્ધારિત કરેલા માપદંડોને અનુસાર તેમના વિશ્વાસનું પાલન કરવું જોઈએ.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) દેશમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ જાળવી રાખે છે. ધાર્મિક સ્થળો પર સરકારી દેખરેખ વધારવામાં આવી છે, અને ધાર્મિક નેતાઓને CCP નીતિઓનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉઇગુર મુસ્લિમો અને તિબેટી બૌદ્ધો જેવા લઘુમતી જૂથો ખાસ કરીને સિનિકાઇઝેશનથી પ્રભાવિત થયા છે. ઉઇગુરોને 'ખાસ શિબિરો'માં મોકલવામાં આવ્યા છે જ્યાં તેમને ચાઇનીઝ ભાષા, સંસ્કૃતિ અને CCPની વિચારધારા શીખવવામાં આવે છે. ચીનમાં પરંપરાગત ધાર્મિક વસ્ત્રો અને પ્રતીકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી આ સમુદાયોને ચીની રાષ્ટ્રીય ઓળખ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

CCP રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિને પ્રોત્સાહન આપીને લોકોની વ્યક્તિગત અને ધાર્મિક માન્યતાઓને ચીની રાષ્ટ્રીય ઓળખ સાથે જોડી રહ્યું છે.
શી જિનપિંગ માને છે કે, ચીનમાં ધર્મોનો સ્વસ્થ ફેલાવો ફક્ત ત્યારે જ થઈ શકે છે જો તે હંમેશા મુખ્યત્વે ચીની સંસ્કૃતિમાં હોય, અને આ માટે ઉત્તમ પરંપરાગત ચીની સંસ્કૃતિ સાથે ધર્મોના એકીકરણને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની જરૂર છે.
શી જિનપિંગે જણાવ્યું હતું કે, કાયદા અનુસાર ધાર્મિક બાબતોનું સંચાલન કરવું, ધર્મના ક્ષેત્રમાં વિરોધાભાસોને ઉકેલવા અને તેમને ચીની ઓળખ સાથે એકીકૃત કરવા જરૂરી છે.
શી જિનપિંગની તિબેટ અને શિનજિયાંગની તાજેતરની મુલાકાતની પૃષ્ઠભૂમિમાં ધર્મ પરની ટિપ્પણીઓ આવી છે. આ બે વિશાળ પ્રાંતોએ સાત દાયકાથી વધુ સમયથી CPC શાસન અને તેમની સામે દમન હોવા છતાં તેમની ધાર્મિક ઓળખ જાળવી રાખી છે.
તિબેટ બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જોકે તેના બૌદ્ધ આધ્યાત્મિક નેતા, દલાઈ લામાને લાંબા સમયથી ભારતના ધર્મશાળામાં દેશનિકાલ કરવામાં આવ્યા છે.
ચીન તિબેટમાં મઠો અને ધાર્મિક સ્થળો પર કડક સરકારી નિયંત્રણ જાળવી રાખ્યું છે, મઠાધિપતિઓની નિમણૂકમાં પણ દખલ કરે છે અને બૌદ્ધ સાધુઓની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે.
ચીને દલાઈ લામા જેવા પ્રભાવશાળી નેતાઓની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરીને તેમની ભૂમિકાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં, દલાઈ લામાના જેવું જ અસ્તિત્વ તરીકે પંચેન લામાનું નિર્માણ કર્યું છે.
ચીની સરકાર, 'દેશભક્તિ શિક્ષણ'ના આડમાં, બૌદ્ધ ધર્મને ચીની સંસ્કૃતિ અને સામ્યવાદી વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરે છે. તે ધાર્મિક સ્વતંત્રતાને કંટ્રોલમાં રાખીને તિબેટીયન ઓળખને પણ નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
શિનજિયાંગમાં, ચીની સામ્યવાદી પાર્ટી સિનિકાઇઝેશન તરીકે ઓળખાતી નીતિ હેઠળ ઉઇગુર મુસ્લિમો સામે વ્યાપક દમન ચલાવી રહી છે. ઉઇગુરોને 'ખાસ શિબિરો'માં રાખવામાં આવે છે, જ્યાં તેમને ચીની ભાષા, સંસ્કૃતિ અને CCP વિચારધારા શીખવવામાં આવી છે. મસ્જિદો તોડી પાડવામાં આવી છે અથવા ચીની શૈલીમાં ફેરવવામાં આવી છે. નમાજ અને રમઝાન જેવી ધાર્મિક પ્રથાઓ પર પ્રતિબંધ છે. આ નીતિ ઉઇગુર સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખને ભૂંસી નાખવાનો પ્રયાસ કરે છે.

