- Business
- વ્હાઇટ હાઉસથી આવ્યું ચોંકાવનારું નિવેદન! શું રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારત પર 50 ટકા ટેરિફ નંખ...
વ્હાઇટ હાઉસથી આવ્યું ચોંકાવનારું નિવેદન! શું રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારત પર 50 ટકા ટેરિફ નંખાયો?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલ વધારાનો ટેરિફ ખરેખર રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ) ને સમાપ્ત કરવા માટે લાદવામાં આવ્યો હતો. આ અમે આ કહી રહ્યા નથી, પરંતુ ટ્રમ્પના આ પગલાથી થઇ રહેલી આલોચનાઓને કારણે તેના જવાબમાં વ્હાઇટ હાઉસ દ્વારા આ મોટો દાવો કરવામાં આવ્યો છે. પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતની પુષ્ટિ કરી છે અને સ્પષ્ટતા કરી છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ યુદ્ધનો અંત જોવા માંગે છે અને તેથી ભારત પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
USએ ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના રશિયા-યુક્રેન યુદ્ધ જોડાણ વિશે વાત કરતા, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું, 'જેમ કે તમને ખબર છે તેમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર વધારાના ટેરિફ સહિત અન્ય ઘણા પગલાં પણ લીધા છે અને તેમણે પોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ યુદ્ધનો અંત જોવા માંગે છે.' કેરોલિને વધુમાં કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે ભારત પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેમણે આ પગલાને યુક્રેન પર હુમલો રોકવા માટે રશિયા પર દબાણ લાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો.
કેરોલિન લેવિટે આ મોટો દાવો કર્યો અને કહ્યું કે ભારત પર અમેરિકાનો ટેરિફ હવે બમણો થઈને 50 ટકા થઈ ગયો છે. આ ટેરિફ રશિયાના ક્રૂડ ઓઇલના મુખ્ય ખરીદદાર ભારત દ્વારા રશિયા પર બેવડું દબાણ લાવવા માટે ઇરાદાપૂર્વક કરવામાં આવેલો પ્રયાસ હતો. તેમણે કહ્યું કે આ 50 ટકા ટેરિફમાં 25 ટકા આયાત કરમાં વધારાની 25 ટકા ડ્યુટી (રશિયન તેલ ખરીદવા માટે) શામેલ છે. જે મોસ્કો સાથે ભારતના ઉર્જા સંબંધોના જવાબમાં ભારતીય માલ પર સીધી રીતે લાદવામાં આવે છે.
વ્હાઇટ હાઉસ સેક્રેટરી લેવિટે વધુમાં કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા અને યુક્રેન બંને સાથે સીધી વાતચીત ગોઠવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના જૂના દાવાને પણ સમર્થન આપ્યું કે, જો તેઓ પદ પર રહ્યા હોત, તો આ યુદ્ધ શરૂ જ થયું ન હોત. લેવિટના મતે, ટ્રમ્પ હવે આ યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માંગે છે અને તેમણે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે અવિશ્વસનીય સમય, શક્તિ અને પ્રયત્નો કર્યા છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મંગળવારે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી લેવિટે એવો પણ દાવો કર્યો હતો કે, 22 એપ્રિલ 2025ના રોજ શ્રીનગરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સંઘર્ષને સમાપ્ત કરવા માટે વેપારનો ઉપયોગ પણ કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, લેવિટે કહ્યું કે, પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર શરૂ કરવા અને પડોશી દેશો વચ્ચે પરમાણુ સંઘર્ષનો ખતરો વધ્યા પછી શાંતિ સ્થાપિત કરવા પર ટ્રમ્પ ખૂબ ગર્વ અનુભવે છે. જો કે, અમે તમને અહીં જણાવી દઈએ કે, ભારતે યુદ્ધવિરામમાં કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થીને વારંવાર નકારી કાઢી છે.

