- Business
- વધતી માંગથી સરકાર ચિંતિત, શું સોના-ચાંદીને લઈને બજેટમાં ખેલ થવાનો છે?
વધતી માંગથી સરકાર ચિંતિત, શું સોના-ચાંદીને લઈને બજેટમાં ખેલ થવાનો છે?
ભાવ વધી રહ્યા છે, છતા લોકો તેમની ખરીદી રહ્યા છે. સોના અને ચાંદીની વાત થઈ રહી છે, અને હવે સરકાર આ વધતી કિંમતોને કાબૂમાં લેવા માંગે છે. જોકે, ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો છે. પરંતુ, ભારતમાં સોના અને ચાંદીમાં ઝડપથી થઈ રહેલું રોકાણ સરકાર માટે ચિંતાનો વિષય છે. બજેટ આવી રહ્યું છે, જે થોડા દિવસોમાં રજૂ કરવામાં આવશે, જેમાં સરકાર સોના અને ચાંદી અંગે મોટા નિર્ણયો લઈ શકે છે.
એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી વધારવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આનું મોટું કારણ એ છે કે ભાવમાં ઝડપી વધારા છતા સોના અને ચાંદીની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે અને વેપાર નુકસાનમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઊંચા ભાવ હોવા છતા ભારતમાં સોના અને ચાંદીની માંગ ઘટી રહી નથી.
વર્ષ 2025માં ભારતની સોનાની આયાત લગભગ 59 અબજ ડોલર સુધી પહોંચી ગઈ, જ્યારે ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 44 ટકા વધીને લગભગ 9 અબજ ડોલર થઈ ગઈ. આટલી મોટી માત્રામાં આયાતથી વિદેશી હૂંડિયામણ પર દબાણ આવ્યું છે અને રૂપિયાનું મૂલ્ય નબળું પડ્યું છે. ભારતના કુલ 750 અબજ ડોલરના આયાત બિલમાં બંને કિંમતી ધાતુઓનો હિસ્સો લગભગ 9% છે. હાલમાં, દેશમાં સોના અને ચાંદી પર 6 ટકા આયાત ડ્યૂટી લાગૂ છે. અગાઉ, આ દર 15 ટકા સુધીનો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને શેરબજારની અસ્થિરતાને કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સેફ હેવન એસેટ્સ તરફ વળ્યા છે. આ ઉપરાંત સોના અને ચાંદીના ETFમાં રેકોર્ડ રોકાણોએ માંગને વધુ મજબૂત બનાવી છે.
સરકાર હવે આયાતને નિયંત્રિત કરવાના પડકારનો સામનો કરી રહી છે. એટલે, આયાત ડ્યૂટી વધારવાને એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે જેથી બિન જરૂરી આયાતને કાબુમાં લઈ શકાય અને ચાલુ ખાતાનું નુકસાન થોડું ઓછું કરી શકાય. જો કે, ડ્યૂટી વધારવાથી તસ્કરીનું જોખમ પણ વધે છે.
ઘણા અહેવાલો અનુસાર, બજેટ 2026 અગાઉ આ મુદ્દા પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. જો સરકાર ડ્યૂટી વધારવાનો નિર્ણય લે છે, તો તે સ્થાનિક સોના અને ચાંદીના ભાવ, જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ અને રોકાણકારોને અસર કરી શકે છે. હાલમાં, બજાર અને ઉદ્યોગની નજર સરકારના આગામી પગલા પર છે.
28 જાન્યુઆરી, 2026ના રોજ સોનાનો ભાવ વધીને 1,64,000 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો, જ્યારે ચાંદીનો ભાવ રેકોર્ડ 3,84,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. જોકે, ઇતિહાસ બતાવે છે કે આયાત ડ્યૂટીમાં વધારો કરવાથી સોનાની માંગ પર અંકુશ લગાવવામાં કોઈ ખાસ સફળતા મળી નથી. ઓગસ્ટ 2013માં, સોના પરની આયાત ડ્યૂટી 2% થી વધારીને 10% કરવામાં આવી હતી, છતા પણ માંગ યથાવત રહી.

