- Business
- અનિલ અંબાણીની કંપની પર EDનો પ્રહાર, 54 કરોડ રૂપિયા જપ્ત, 13 બેન્ક ખાતા સીઝ
અનિલ અંબાણીની કંપની પર EDનો પ્રહાર, 54 કરોડ રૂપિયા જપ્ત, 13 બેન્ક ખાતા સીઝ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કંપનીના એક ડઝનથી વધુ બેન્ક ખાતા સીઝ કર્યા છે. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, તેમાં જનતાના પૈસાની હેરાફેરી કરવામાં આવી છે, જે દેશમાં રસ્તાઓ અને હાઇવેના નિર્માણ માટે જાહેર કરવામાં આવ્યા હતા.
EDની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પોતાની તપાસમાં, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખાતાઓમાં મોટા પ્રમાણમાં પડેલા પૈસા શંકાસ્પદ લાગ્યા. કાર્યવાહી કરતા એજન્સીએ કંપનીના 13 બેન્ક ખાતા સીઝ કર્યા છે, જેમાં કુલ 54.82 કરોડ રૂપિયા હતા. આ કાર્યવાહી FEMA, 1999ની કલમ 37A હેઠળ કરવામાં આવી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે આ કેસ સીધો કલમ 4ના ઉલ્લંઘન સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, જે પૈસા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા હાઇવે પ્રોજેક્ટ્સના નિર્માણ માટે આપવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ દૂર કરવામાં આવ્યો હતો.
https://twitter.com/dir_ed/status/1998749714880336035?s=20
EDના જણાવ્યા મુજબ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે NHAI પાસેથી મેળવેલા ભંડોળને તેના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ (SPV)નો ઉપયોગ કરીને ડાયવર્ટ કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ નાણાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા નહોતા, પરંતુ ફેરવી-ફેરવીને કાઢવામાં આવ્યા હતા. એજન્સીનો આરોપ છે કે કંપનીએ મુંબઈ સ્થિત ઘણી શેલ કંપનીઓ (એવી કંપનીઓ જે ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવે છે) સાથે પેટા કોન્ટ્રાક્ટિંગ કરારો રજૂ કર્યા હતા. હકીકતમાં, આ કરારો નકલી અથવા બનાવટી હતા. આ પેટા કોન્ટ્રાક્ટ્સની આડમાં સાર્વજનિક ભંડોળને પહેલા આ શેલ કંપનીઓમાં મોકલવામાં આવ્યું હતું અને પછી ગેરકાયદેસર રીતે વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. મતલબ કે જે ભંડોળ ભારતીય રસ્તાઓના નિર્માણમાં રોકાણ કરવાના હતા તે શંકાસ્પદ માધ્યમો દ્વારા દેશની બહાર જતું રહ્યું.
આ તપાસ માત્ર કંપની પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના તાર ટોચના મેનેજમેન્ટ સુધી પણ પહોંચી રહ્યા છે. EDએ ગયા મહિને આ કેસમાં પૂછપરછ માટે અનિલ અંબાણીને સમન્સ પાઠવ્યું હતું. જોકે, તેઓ પોતાનું નિવેદન નોંધાવવા માટે એજન્સી સમક્ષ હાજર થયા નહોતા. હાલમાં આ જપ્તી અને EDના ગંભીર આરોપો અંગે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા આવી નથી.

