- Business
- ગુજરાતમાં મારુતિ 35,000 કરોડનું રોકાણ કરશે, 12 હજાર નોકરીઓ મળશે
ગુજરાતમાં મારુતિ 35,000 કરોડનું રોકાણ કરશે, 12 હજાર નોકરીઓ મળશે
ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) ફરી એકવાર ગુજરાતમાં ઇતિહાસ રચવા જઈ રહી છે. કંપનીએ ગુજરાતમાં 35,000 કરોડ રૂપિયાના તોતિંગ રોકાણ સાથે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માત્ર કારના ઉત્પાદનમાં જ વધારો નહીં કરે, પરંતુ હજારો પરિવારો માટે રોજગારીના નવા દ્વાર પણ ખોલશે.
મારુતિ સુઝુકીનો લક્ષ્ય આ નવા પ્લાન્ટ દ્વારા દર વર્ષે 10 લાખ નવી ગાડીઓ બનાવવાનો છે. હાલમાં કંપનીની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા આશરે 23.5 લાખ કાર છે, જે આ નવા પ્લાન્ટના કાર્યરત થયા પછી વર્ષ 2029 સુધીમાં વધીને 34 લાખ સુધી પહોંચવાની આશા છે. આ પ્લાન્ટનો હેતુ માત્ર ભારતની વધતી જતી માંગને પહોંચી વળવાનો જ નથી, પરંતુ વિદેશી બજારોમાં નિકાસ (Export) વધારવાનો પણ છે.

રોજગારીની નવી તકો
આ મેગા પ્રોજેક્ટ ગુજરાતમાં આર્થિક ક્રાંતિ લાવશે તેવું માનવામાં આવે છે:
- સીધી રોજગારી: નવા પ્લાન્ટથી અંદાજે 12,000 થી વધુ લોકોને પ્રત્યક્ષ નોકરી મળશે.
- પરોક્ષ રોજગારી: આ પ્લાન્ટની આસપાસ નાના અને મધ્યમ કદના અનેક ઉદ્યોગો (MSMEs) વિકસશે, જેનાથી અંદાજે 75 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારીની તકો પ્રાપ્ત થવાની સંભાવના છે.
ખૌરજમાં સ્થપાશે પ્લાન્ટ: 1750 એકર જમીન
મારુતિ સુઝુકીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જમીન ખરીદી માટે પ્રારંભિક ₹4,960 કરોડ મંજૂર કરી દીધા છે. કંપની ગુજરાતના ખૌરજ ખાતે 1750 એકર જમીન પર આ વિશાળ પ્લાન્ટ સ્થાપશે. આ માટે કંપનીએ ગુજરાત સરકારને રોકાણ પત્ર (Letter of Intent) પણ સોંપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, 2024ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આ અંગેના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વેઇટિંગ પિરિયડમાંથી મળશે મુક્તિ?
હાલમાં મારુતિના એન્ટ્રી લેવલના મોડલ્સની માંગ એટલી વધારે છે કે ગ્રાહકોને દોઢ મહિના જેટલો વેઇટિંગ પિરિયડ વેઠવો પડે છે. આ નવા પ્લાન્ટમાં વર્ષ 2029 સુધીમાં ઉત્પાદન શરૂ થવાની ધારણા છે, જેનાથી ગ્રાહકોને તેમની મનપસંદ કાર ઝડપથી મળી શકશે.

ગુજરાત સાથે મારુતિનો અતૂટ નાતો
વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ બાદ સુઝુકી મોટર્સે ગુજરાતમાં પ્રથમ રોકાણ કર્યું હતું.
- હંસલપુર પ્લાન્ટ: હાલમાં અહીં વાર્ષિક 7.50 લાખ કાર બને છે, જેને વધારીને 10 લાખ કરવાનો પ્લાન છે.
- નવો પ્લાન્ટ: ખૌરજમાં આવનારો આ નવો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ મારુતિની બાદશાહતને વધુ મજબૂત બનાવશે.
હાલમાં મારુતિ પાસે હરિયાણામાં બે (ગુરુગ્રામ અને માનેસર) અને ગુજરાતમાં એક પ્લાન્ટ છે. હરિયાણાના ખરખોડામાં પણ નવા પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે. આ તમામ વિસ્તરણ સાથે મારુતિ સુઝુકી ગ્લોબલ ઓટોમોબાઇલ માર્કેટમાં ભારતનું કદ વધારવા તરફ મક્કમ ડગલાં ભરી રહી છે.

