- Business
- RBIએ બે મહિનાથી સોનું ખરીદ્યું જ નથી, શું ભારત અમેરિકાની રમત સમજી ગયું છે?
RBIએ બે મહિનાથી સોનું ખરીદ્યું જ નથી, શું ભારત અમેરિકાની રમત સમજી ગયું છે?
સોનાના ભાવમાં હાલમાં ખુબ જ વધારો થતો રહ્યો છે. આ માટે વિવિધ કારણો આપવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ એક અલગ જ માહિતી ફરતી થઇ છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે અમેરિકા એક મોટી રમત રમી રહ્યું છે. અમેરિકાએ 1970ના દાયકાથી તેના સોનાના ભંડારના મૂલ્યમાં કોઈ ફેરફાર કર્યો નથી.
સોનાના ભાવમાં હાલના દિવસોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. આ વર્ષે, સોનું 40થી પણ વધુ વખત સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,20,000ને વટાવી ગયો છે. આ રેકોર્ડ વધારા પાછળનું કારણ શું છે? આ અંગે વિવિધ અટકળો થઈ રહી છે. કેટલાક કહે છે કે, વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીને કારણે સોનું મૂલ્ય વધી રહ્યું છે. અન્ય લોકો દલીલ કરે છે કે, ઘણા દેશોમાં ચાલી રહેલી અશાંતિને કારણે સોનાની ચમકમાં વધારો થઇ રહ્યો છે. બીજી એક માહિતી એ પણ આવી છે કે, અમેરિકા તેના મોટા દેવાને ચૂકવવા માટે એક મોટી રમત રમી રહ્યું છે.

ભારતીય નાણાકીય ક્ષેત્રમાં પણ આ મુદ્દાની વ્યાપક ચર્ચા થઈ રહી છે. લિંક્ડઇનની એક પોસ્ટમાં જણાવાયું છે કે, 1970થી અત્યાર સુધીમાં સોનામાં 649 વખત વધારો થયો છે. આના કારણે લોકો એ વિચારવા પર મજબુર થઇ રહ્યા છે કે સોનાના ભાવ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક થિયરી એમ પણ કહે છે કે, અમેરિકા કદાચ તેના સોનાના ભંડારનું પુનર્મૂલ્યાંકન કરવાનું વિચારી રહ્યું છે. આમ કરીને, તે તેના વધતા દેવાને ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા 25 વર્ષથી USના સોનાના ભંડારમા કોઈ ખાસ બદલાવ આવ્યો નથી.
સિનિયર વેલ્થ એડવાઇઝર આશિષ સેનગુપ્તાએ કહ્યું, 'તમને સોનાની આ તેજી પાછળનું વાસ્તવિક કારણ શું છે તેની ખબર નથી.' અમેરિકા હજુ પણ તેના સોનાનો ભાવ ફેડરલ રિઝર્વ રેકોર્ડમાં માત્ર 42.22 ડૉલર પ્રતિ ઔંસ દર્શાવે છે. આ કિંમત 1970ના દાયકાની શરૂઆતમાં નક્કી કરવામાં આવી હતી. અમેરિકા વિશ્વમાં સૌથી વધુ 8,133 ટન સોનાનો જથ્થો ધરાવે છે, જેનું સત્તાવાર રીતે મૂલ્ય આશરે 11 બિલિયન ડૉલર છે. આજે, સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,000 ડૉલરને વટાવી ગયો છે. જો આજના બજાર ભાવે મૂલ્યાંકન કરવામાં આવે તો, અમેરિકાના સોનાના ભંડારનું મૂલ્ય 1 ટ્રિલિયન ડૉલરથી પણ વધારે થઇ જશે.

જો અમેરિકા તેના સોનાના ભંડારનું મૂલ્ય ફરીથી સેટ કરે છે, તો તેના પરિણામે તાત્કાલિક નફો થશે. સોના અને ચાંદીની ગતિવિધિઓ પર નજર રાખનારા આશિષ U.એ જણાવ્યું હતું કે, જો આ ભાવમાં 10 ગણો પણ વધારો કરવામાં આવે તો અમેરિકાનું 1 ટ્રિલિયન ડૉલરનું દેવું દૂર થઈ શકે છે. જોકે, આનાથી ડૉલર તૂટી શકે છે અને ફુગાવો આસમાને પહોંચી શકે છે. જ્યારે, સેનગુપ્તાએ આનો વિરોધ કરતા કહ્યું, 'આ 10 ગણો નથી...પણ આ 100 ગણો છે.' તેમનું માનવું છે કે, સોનાનો ભાવ વધવાથી જરૂરી નથી કે ડૉલર નબળો પડે. ડૉલરની રમત પણ અલગ હોય છે. જો સોનું મજબૂત થાય છે, તો ડૉલર પણ મજબૂત રહેશે.
એવું લાગે છે કે ભારત અમેરિકાની આ રમતને જાણી ગયું છે. ભારતની સેન્ટ્રલ બેંકે છેલ્લા બે મહિનાથી તેના સોનાના ભંડારમાં કોઈ પણ વધારો કર્યો નથી. RBI પાસે હવે 880 ટન સોનું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ ભારતના કુલ વિદેશી વિનિમય ભંડારના 12.5 ટકા દર્શાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ પછી, જર્મની બીજા ક્રમે સૌથી વધુ સોનાનો ભંડાર (3,350 ટન) ધરાવે છે. તેના પછી ઇટાલી (2,452 ટન), ફ્રાન્સ (2,437 ટન), રશિયા (2,330 ટન), ચીન (2,301 ટન), સ્વિટ્ઝર્લૅન્ડ (1,040 ટન) અને પછી ભારતનો નંબર આવે છે. જાપાન પાસે 846 ટન છે, જ્યારે તુર્કી પાસે 837 ટન સોનુ છે.

