- Business
- GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય! હવે માત્ર 2 ટેક્સ સ્લેબ રહેશે, 5% અને 18%, ઇન્સ્યોરન્સ પર કોઈ ટેક્સ ન...
GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય! હવે માત્ર 2 ટેક્સ સ્લેબ રહેશે, 5% અને 18%, ઇન્સ્યોરન્સ પર કોઈ ટેક્સ નહીં
બુધવારે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક શરૂ થઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે માત્ર 2 GST સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. મતલબ કે હવે 12 અને 28%ના GST સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યા છે અને તેમાં સામેલ મોટાભાગની વસ્તુઓ માત્ર 2 મંજૂર કરવામાં આવેલા ટેક્સ સ્લેબ હેઠળ આવશે. જેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે એક અલગ સ્લેબને મંજૂરી મળી છે, જે 40% છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે GST બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાબતે જણાવતા કહ્યું હતું કે, અમારું ધ્યાન દેશના સામાન્ય માણસ પર છે. ખેડૂતોથી લઈને મજૂર સુધીના દરેકને ધ્યાનમાં રાખતા સ્લેબ ઘટાડવાની મંજૂરી આપવામાં આવી છે અને બેઠકમાં સામેલ તમામ રાજ્યોના નાણામંત્રીઓએ આ નિર્ણયને સમર્થન આપ્યું. સમયની માગને સમજતા બધાએ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં પૂરી સહમતિ વ્યક્ત કરી.
આ વસ્તુઓ સસ્તી થશે
UHT દૂધ, પનીર, પિત્ઝા બ્રેડ, રોટલી, પરાઠા, હવે શૂન્ય GST સ્લેબમાં મૂકવામાં આવ્યા છે અને તેના પર કોઈ GST નહીં લાગે. આ ઉપરાંત સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા નાણામંત્રીએ કહ્યું કે, શેમ્પૂ, સાબુ, તેલ અને રોજિંદા જીવનમાં વપરાતી અન્ય ઘરગથ્થુ વસ્તુઓ સિવાય નમકીન, પાસ્તા, કોફી, નૂડલ્સ પર હવે 5% GST લાગશે. આ ઉપરાંત કાર, બાઇક, સિમેન્ટ પર હવે 28%ની જગ્યાએ 18% ટેક્સ લાગૂ થશે. TV પરનો GST 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જ્યારે 33 જીવનરક્ષક દવાઓને GSTના દાયરામાંથી બાકાત રાખવામાં આવી છે. તેમાં 3 કેન્સરની દવાઓનો પણ સમાવેશ થાય છે. સુપર લક્ઝરી વસ્તુઓને 40%ના ખાસ દાયરામાં રાખવામાં આવી છે. પાન મસાલા, સિગારેટ, ગુટકા અને અન્ય તમાકુ ઉત્પાદનો, બીડીને આ શ્રેણીમાં રાખવામાં આવી છે. ફ્લેવર્ડ કાર્બોનેટેડ પીણાંને પણ આ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના નાણામંત્રીએ બિઝનેસ ટૂડે સાથે ખાસ વાતચીત દરમિયાન બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાબતે જણાવતા 5-18%ના GST સ્લેબને મંજૂરી આપવાની માહિતી આપી. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી કે કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયો 22 સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે, એટલે કે આ તારીખથી બધી વસ્તુઓ સસ્તી થઇ જશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના રોજ GST રીફોર્મની વાત કરી હતી, ત્યારબાદ કાઉન્સિલની આ પહેલી બેઠક હતી જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
આગામી પેઢીના GST સુધારા હેઠળ GST કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ પર નજર કરીએ તો GSTના વર્તમાન 4 સ્લેબ ઘટાડીને 2 કરી દેવામાં આવ્યા છે. 12% અને 28% કેટેગરીઓને નાબૂદ કરવામાં આવી છે. ત્યારબાદ 12% સ્લેબમાં સમાવિષ્ટ લગભગ 99 ટકા સામાનોને 5% સ્લેબમાં મૂકી શકાય છે, જ્યારે 28% સ્લેબના GST સ્લેબમાં સમાવિષ્ટ વસ્તુઓને 18% સ્લેબમાં લાવી શકાય છે.
કાઉન્સિલની બેઠક બાદ હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ તેમાં લેવાયેલા નિર્ણયો બાબતે જણાવ્યું હતું કે, ‘બધા સભ્યો તરફથી GST દરોને તર્કસંગત બનાવવાના પક્ષમાં સહમતિ વ્યક્ત કરી છે. પ્રભાવી રીતે 2 ટેક્સ સ્લેબ 5% અને 18% હશે, જ્યારે કેટલીક લક્ઝરી વસ્તુઓ પર 40% ટેક્સ લાગશે. તમાકુ, પાન મસાલા જેવી વસ્તુઓને આ સ્લેબમાં રાખવામાં આવશે.

