- Business
- ભારત અને EU વચ્ચે થઈ ગઈ સુપર ડીલ, ટ્રમ્પના ઇરાદાઓને મોટો ઝટકો
ભારત અને EU વચ્ચે થઈ ગઈ સુપર ડીલ, ટ્રમ્પના ઇરાદાઓને મોટો ઝટકો
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-EU ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ડીલને ‘મધર ઓફ ડીલ’ કહેવામાં આવી છે. તે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોના સફળ પરિણામનું પ્રતિક છે. ભારત અને EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર વાટાઘાટો 2007માં શરૂ થઈ હતી અને 2022માં ફરી શરૂ કરવામાં આવી હતી. આ એગ્રીમેન્ટ દ્વિપક્ષીય ટ્રેડ અને રોકાણ સંબંધોને વેગ આપશે અને સહિયારી સમૃદ્ધિ લાવશે.
ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, EU અને ભારત વચ્ચે એક મોટી ડીલ થયો છે. આ ડીલ ભારત અને યુરોપના લોકો માટે મોટી તકો લાવશે. તે વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ ડીલ વૈશ્વિક GDPના 25 ટકા અને ગ્લોબલ ટ્રેડનો 1/3 હિસ્સો છે. આ ડીલ ભારત અને EU બંનેની વધતી જતી આર્થિક તાકાત અને વૈશ્વિક પ્રાસંગિકતાને દર્શાવે છે.’ તેમણે એમ પણ કહ્યું કે આ ડીલ સહિયારા લોકશાહી મૂલ્યોને મજબૂત કરે છે. વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આ ડીલ ઉદ્યોગ માટે ફાયદાકારક રહેશે.’ હું આ ક્ષેત્રમાં મારા સાથીદારોને પણ અભિનંદન આપું છું. આ ડીલ તમારા માટે ખૂબ મદદરૂપ થશે.’
https://twitter.com/ANI/status/2016017957252743613?s=20
ઉત્પાદન અને સેવા ક્ષેત્રો પર પડશે અસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ટ્રેડ ડીલની દેશમાં ઉત્પાદન અને સેવાઓ બંને પર સકારાત્મક અસર પડશે. મિત્રો, આ ટ્રેડ ડીલ ન માત્ર ભારતમાં ઉત્પાદનને મજબૂત બનાવશે, પરંતુ સેવા ક્ષેત્રના વધુ વિસ્તરણ માટે પણ માર્ગ મોકળો કરશે.’ વ્યાપક વૈશ્વિક અસર પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘FTA ભારતમાં વૈશ્વિક વિશ્વાસ વધારશે. આ ફ્રી ટ્રેડ ડીલ વિશ્વભરના વ્યવસાયો અને રોકાણકારો માટે ભારતમાં વૈશ્વિક વિશ્વાસને વધુ મજબૂત કરશે.’
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સેન્ટોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ત્રણેય નેતાઓની તસવીર ઘણું બધું કહી જાય છે. તસવીર બતાવી રહી છે કે આગામી સમયમાં યુરોપિયન દેશો અને ભારત વચ્ચેના સંબંધો કેટલા મજબૂત થવાના છે.
ભારત અને EUની વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ (FTA)ને ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ABC ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, અમેરિકન નાણામંત્રીએ સ્કોટ બેસન્ટે EU પર રશિયા-યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવી દીધો. બેસન્ટે કહ્યું હતું કે, યુરોપ ભારત પાસેથી રિફાઇન્ડ ઓઇલ પ્રોડક્ટ્સ ખરીદે છે, જે રશિયન તેલમાંથી બને છે, અને તેનો ઉપયોગ પોતાની વિરુદ્ધ યુદ્ધને ફાઇનાન્સ કરી કરી રહ્યું છે.

