- Business
- 3 કંપનીઓએ ટેન્ડર માટે લગાવી બોલી, હવે ખબર પડી બધામાં રામદેવના નજીકના બાળકૃષ્ણનો હિસ્સો છે
3 કંપનીઓએ ટેન્ડર માટે લગાવી બોલી, હવે ખબર પડી બધામાં રામદેવના નજીકના બાળકૃષ્ણનો હિસ્સો છે
ઉત્તરાખંડ સરકારના ટૂરિઝ્મ બોર્ડે થોડા વર્ષો અગાઉ મસૂરી નજીક જ્યોર્જ એવરેસ્ટ એસ્ટેટમાં એડવેન્ચર ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. ટેન્ડર મેળવવા માટે 3 કંપનીઓએ બોલી લગાવી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ 3 કંપનીઓ બાબા રામદેવના જૂના અને વિશ્વાસુ સહયોગી આચાર્ય બાલકૃષ્ણના નિયંત્રણમાં છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, ઉત્તરાખંડ સરકારના ટૂરિઝ્મ બોર્ડે ડિસેમ્બર 2022માં આ ટેન્ડર બહાર પાડ્યું હતું. આ હેઠળ 142 એકર જમીન, પાર્કિંગ, રસ્તાઓ, હેલિપેડ, વુડન હટ્સ, કાફે, 2 સંગ્રહાલય અને એક ઓબ્ઝર્વેટરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બધું સરકારે પહેલાથી જ બનાવ્યું હતું, કંપનીઓએ માત્ર તેમની જાળવણી કરવાની હતી. તેના માટે, કંપનીએ સરકારને વાર્ષિક માત્ર 1 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.
ટેન્ડર માટે 3 કંપનીઓએ બોલી લગાવી હતી. આ 3 કંપનીઓના નામ પ્રકૃતિ ઓર્ગેનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભારુવા એગ્રી સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અને રાજસ એરોસ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ છે. કંપનીના રેકોર્ડ્સનો સંદર્ભ આપતા દાવો કરવામાં આવ્યો છે કે રામદેવના નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ પ્રકૃતિ ઓર્ગેનિક્સ અને ભારુવા એગ્રી સાયન્સ, બંને કંપનીઓમાં 99%થી વધુ હિસ્સો ધરાવે છે.
ત્યારબાદ ટેન્ડર માટે બોલી 1 ફેબ્રુઆરી 2023ના રોજ લાગવાઈ હતી. રાજસ એરોસ્પોર્ટ્સે 1 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે ભારુવા એગ્રી સાયન્સે 65 લાખ રૂપિયાની બોલી લગાવી હતી અને પ્રકૃતિ ઓર્ગેનિક્સે 51 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. સ્પષ્ટ છે કે સૌથી વધુ બોલી રાજસ તરફથી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અન્ય 2 કંપનીઓ પણ બાલકૃષ્ણની હોવાથી બોલી લગાવતી વખતે જે સ્પર્ધા થવી જોઈતી હતી તે ન થઈ.
જે કંપનીને ટેન્ડર મળ્યું, તેમાં બાલકૃષ્ણની પણ હિસ્સેદારી હતી. ટેન્ડર મળવા અગાઉ, બાલકૃષ્ણનો તેમાં 25.01% હિસ્સો હતો. પરંતુ ટેન્ડર મેળવ્યા બાદ તેમનો હિસ્સો વધીને 69.43% થઈ ગયો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાજસ એરોસ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સને ટેન્ડર મળ્યા બાદ અન્ય બે બોલી લગાવતી કંપનીઓએ પણ રાજસમાં પોતાની ભાગીદારી વધારી.
આ ઉપરાંત, 4 કંપની ભારુવા એગ્રો સોલ્યુશન, ભારુવા સોલ્યુશન્સ, ફિટ ઇન્ડિયા ઓર્ગેનિક અને પતંજલિ રિવોલ્યૂશન, જે બધી બાલકૃષ્ણની માલિકીની છે, તેમણે બધાએ મળીને રાજસ એરોસ્પોર્ટ્સ અને એડવેન્ચર્સમાં 33.25% ભાગીદારી હાંસલ કરી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ટેન્ડર નિયમોનું ઉલ્લંઘન છે કારણ કે બોલી લગાવનારી કંપનીઓએ લેખિતમાં આપવાનું હોય છે કે તેઓ એકબીજા સાથે મળીને ટેન્ડર ભરી રહ્યા નથી.
પ્રવાસન વિભાગે શું કહ્યું?
જ્યારે આ અખબારે પ્રવાસન વિભાગને આ અંગે પૂછ્યું, ત્યારે એડવેન્ચર ટૂરિઝ્મ વિંગના ડેપ્યુટી ડિરેક્ટર અમિત લોહાનીએ કહ્યું કે આ એક ખુલ્લું ટેન્ડર હતું. કોઈપણ તેમાં બોલી લગાવી શકે છે. જો કોઈની પાસે 2-3 કંપનીઓમાં હિસ્સો છે, તો તે અસામાન્ય વાત નથી. તો ટેન્ડર જાહેર કરતી વખતે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડ (UTDB) ના CEO કર્નલ અશ્વિની પુંડિરનું કહેવું છે કે આ કોઈ મિલીભગત નથી, કારણ કે આ કંપનીઓ કાયદેસર રીતે અલગ છે. અમે કંપનીઓ અને તેમની પૃષ્ઠભૂમિના આધારે ભેદભાવ કરતા નથી. માત્ર ઊંચી બોલી લગાવનારી કંપનીને જ ટેન્ડર જાહેર કરવામાં આવે છે
કંપનીએ શું કહ્યું?
ટેન્ડરમાં મિલીભગત બાબતે પૂછવામાં આવતા રાજસ એરોસ્પોર્ટ્સના પ્રવક્તાએ અખબારને જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ રોકાણકારો પાસેથી મૂડી એકઠી કરી છે. કંપનીના તમામ નિર્ણયો મેનેજમેન્ટ ટીમ દ્વારા લેવામાં આવે છે. ટેન્ડર પૂરી રીતે પારદર્શક પ્રક્રિયા હેઠળ પ્રાપ્ત થયું હતું. કંપનીમાં રોકાણ કરનારા કોઈપણ રોકાણકારને મિલીભગત માનવું તથ્યાત્મક રીતે ખોટું અને ભ્રામક છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા રાજસને આપવામાં આવેલો આ પહેલો પ્રોજેક્ટ નથી. તાજેતરમાં જ, ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરિટી (UCADA)એ રાજસ એરોસ્પોર્ટ્સને બીજો પ્રોજેક્ટ આપ્યો હતો. આ હેઠળ કંપનીએ જોલીગ્રાન્ટથી મસૂરીમાં જ્યોર્જ એવરેસ્ટ એસ્ટેટ સુધી હેલી શટલ સેવા પૂરી પાડવાની હતી.

