- Education
- આ પહેલા પણ શું દિવાળી પર ફટાકડા ફોડવામાં આવતા હતા? જાણો તે પ્રથા ક્યારે શરુ થઇ અને કોણે શરૂઆત કરી
આ પહેલા પણ શું દિવાળી પર ફટાકડા ફોડવામાં આવતા હતા? જાણો તે પ્રથા ક્યારે શરુ થઇ અને કોણે શરૂઆત કરી
દિવાળીનો તહેવાર પુરા ભારત દેશમાં મુખ્ય તહેવારોમાંનો એક છે. તે સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રકાશ અને ફટાકડા દિવાળીની મુખ્ય ઓળખ છે. ફટાકડા અને દીવા વિના દિવાળીની કલ્પના પણ કરી શકાતી નથી. પૌરાણિક કથાઓ પણ દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણીની સાક્ષી આપે છે, પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે, તેની સાથે ફટાકડા ફોડવાનું ક્યારે અને કેવી રીતે જોડાયું. ફટાકડા ફોડવા એ દિવાળીનો મહત્વપૂર્ણ ભાગ કેવી રીતે બની ગયો?
ભારતમાં ફટાકડા ફોડવાના સૌથી જૂના પુરાવા મુઘલ કાળથી છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે, ફટાકડા બનાવવા માટે વપરાતી સામગ્રીનું જ્ઞાન ભારતમાં 300 BCની શરૂઆતમાં જ અસ્તિત્વમાં હતું. ધ હેરિટેજ લેબના અહેવાલ મુજબ, ફટાકડાની શરૂઆત સૌપ્રથમ ચીનમાં થઇ હતી.
ચીનમાં, ફટાકડા માટે ગનપાઉડર, સોલ્ટપીટર, સલ્ફર અને કોલસાનો ઉપયોગ થતો હતો. આ ઘટકોને ભેળવીને ફટાકડા બનાવવામાં આવતા હતા. આવા પદાર્થનો ઉલ્લેખ બીજી સદીમાં હાન રાજવંશના વેઈ બોયાંગ દ્વારા લખાયેલા ઐતિહાસિક દસ્તાવેજ 'બુક ઓફ ધ કિનશિપ ઓફ ધ થ્રી'માં પણ છે. પહેલી સદીની શરૂઆતમાં જ ચીની ગ્રંથોમાં સોલ્ટપીટર અને સલ્ફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ભારતમાં ગનપાઉડરના ઉપયોગ અંગે, ઇતિહાસકારો માને છે કે, આઠમી સદીની શરૂઆતમાં જ ગનપાઉડરનું જ્ઞાન અસ્તિત્વમાં હતું. આઠમી સદીમાં સંકલિત વૈશમ્પાયનના નીતિપ્રકાશિકા જેવા સંસ્કૃત ગ્રંથોમાં પણ આ જ પ્રકારના પદાર્થનો ઉલ્લેખ છે. જો કે, તે સમય સુધી ફટાકડામાં ગનપાઉડરનો ઉપયોગ કરવાની કોઈ પહેલ થઈ ન હતી.
જોકે, ઇતિહાસકાર કૌશિક રોય માને છે કે, પ્રાચીન ભારતમાં સોલ્ટપીટરનું અસ્તિત્વ હતું, તેનાથી 'અગ્નિચૂર્ણ' અથવા અગ્નિ ઉત્પન્ન કરનાર પાવડર તરીકે ઓળખાતું હતું. કૌટિલ્યના અર્થશાસ્ત્ર (ઈ.સ. પૂર્વે 300 અને 300 AD વચ્ચે સંકલિત)માં સોલ્ટપીટરનો ઉલ્લેખ જોવા મળે છે.
તેરમી સદી સુધીમાં, ચીનમાં મિંગ રાજવંશના લશ્કરી અભિયાનોએ દક્ષિણપૂર્વ એશિયા, પૂર્વ ભારત અને આરબ જગતમાં ગનપાઉડરનો પ્રવેશ કરાવ્યો. ગનપાઉડરને લગતી લશ્કરી વ્યૂહરચનાઓ પૂર્વ ભારતીય જનજાતિઓ દ્વારા દિલ્હી સલ્તનતને આપવામાં આવી. આવી રીતે, ભારતમાં પણ યુદ્ધમાં ગનપાઉડરનો ઉપયોગ થવા લાગ્યો. જ્યારે આ પદાર્થનો ઉપયોગ મુખ્યત્વે યુદ્ધ માટે થતો હતો, પરંતુ ફટાકડા ફોડવા માટે તેનો ઉપયોગ પણ ચીન પાસેથી જ શીખવામાં આવ્યો હતો.
15મી સદીથી, દિવાળી અને અન્ય તહેવારો અને લગ્નોમાં ફટાકડાનો ઉપયોગ શરૂ થયો. મોટી સંખ્યામાં મુઘલ ચિત્રોમાં ભવ્ય ઉજવણીમાં ફટાકડાનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. આવું જ એક ઉદાહરણ 1633માં મુઘલ રાજકુમાર દારા શિકોહ (શાહજહાંના પુત્ર)ના લગ્નનું ચિત્ર છે.
1953માં, ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ ક્યુરેટર, ઇતિહાસકાર P.K. ગોડેએ 1400 અને 1900 AD વચ્ચે ભારતમાં ફટાકડા ફોડવાનો ઇતિહાસ લખ્યો હતો. તેમણે 1518માં ગુજરાતમાં એક બ્રાહ્મણ દંપતીના લગ્નમાં ફટાકડાના ઉપયોગ અંગે પોર્ટુગીઝ પ્રવાસી ડુઆર્ટે બાર્બોસાના અહેવાલને ઉમેર્યો હતો. તેનાથી તે સમયે ફટાકડાની વ્યાપક ઉપલબ્ધતાનો સંકેત મળે છે.
ઇતિહાસકારો માને છે કે, આ તે સમય હતો જ્યારે દિવાળી જેવા ઉજવણીમાં ફટાકડા ફોડવાનો ઉપયોગ શરૂ થયો હતો. કારણકે તે ઉજવણી વ્યક્ત કરવાનો એક પ્રકાશનો તહેવાર હતો અને લોકો ફટાકડા ફોડીને અને આતશબાજી કરીને પોતાનો આનંદ વ્યક્ત કરવા લાગ્યા હતા.
મધ્યયુગીન ભારત પરના તેમના પ્રખ્યાત પુસ્તકમાં, ઇતિહાસકાર સતીશ ચંદ્રાએ આદિલ શાહના લગ્ન સમારોહનું વર્ણન કર્યું છે. 17મી સદીમાં બીજાપુરના શાસક આદિલ શાહે ફટાકડા પર 80,000 રૂપિયા ખર્ચ્યા હતા.
1675-1700ની આસપાસના બીજા એક ચિત્રમાં રાધા અને કૃષ્ણને દિવાળીની ઉજવણી કરતા દર્શાવવામાં આવ્યા છે, જોકે તેઓ ફક્ત તેલના દીવા પ્રગટાવી રહ્યા છે. તેમ છતાં, એવું માનવામાં આવે છે કે, દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાનો ઉપયોગ આ સમય સુધીમાં શરૂ થઈ ગયો હતો. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન પણ ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવાનો ઉપયોગ લોકપ્રિય રહ્યો.
18મી સદી સુધીમાં, દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાનો ઉપયોગ સામાન્ય બની ગયો હતો. 19મી સદી સુધીમાં, ફટાકડાની વધતી માંગને કારણે કારખાનાઓની સ્થાપના થઈ. ભારતમાં પ્રથમ ફટાકડાની ફેક્ટરી 19મી સદીમાં કોલકાતામાં સ્થપાઈ હતી. ત્યાર પછી તેને તમિલનાડુના શિવકાશીમાં ખસેડવામાં આવી હતી.

