- Entertainment
- ફાટેલા કપડા પહેરેલી હાલતમાં મળ્યો લોકપ્રિય બાળ કલાકાર, રસ્તા પર રહેવા માટે કેમ મજબૂર બન્યો?
ફાટેલા કપડા પહેરેલી હાલતમાં મળ્યો લોકપ્રિય બાળ કલાકાર, રસ્તા પર રહેવા માટે કેમ મજબૂર બન્યો?
એક સમય હતો જ્યારે ભૂતપૂર્વ હોલીવુડ બાળ કલાકાર ટાયલર ચેઝે પોતાના નિર્દોષ સ્મિત અને રમૂજી વર્તનથી TV સ્ક્રીન પર દર્શકોના દિલ જીતી લીધા હતા. નિકલોડિયનના લોકપ્રિય શો 'નેડ્સ ડિક્લાસિફાઇડ સ્કૂલ સર્વાઇવલ ગાઇડ'માં માર્ટિનની ભૂમિકા ભજવીને તેમણે બાળકો અને યુવાનોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. પરંતુ કમનસીબે, આજે, તે જ ચહેરો અમેરિકાના રસ્તાઓ પર ખુબ ખરાબ હાલતમાં જીવી રહ્યો છે.
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થયો હતો, જેમાં ટાયલર ચેઝ અત્યંત ગંદી સ્થિતિમાં જોવા મળ્યો હતો. કોઈને એવો વિશ્વાસ જ નહોતો આવતો કે, આખરે તેની સાથે એવું તો શું થયું હશે જેના કારણે તે આવી પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર થઇ ગયો હશે?
વીડિયોમાં જોઈ શકાય છે કે, ટાયલરના કપડાં અનેક જગ્યાએથી ફાટેલા છે, અને તે પોતાનું પેન્ટ હાથથી પકડીને તેને સરખું કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જે ચહેરો એક સમયે ગ્લેમર અને કેમેરાથી ઘેરાયેલો હતો તે હવે કેલિફોર્નિયાની શેરીઓમાં ભીખ માંગવા માટે મજબૂર છે. વીડિયોમાં એક મહિલા તેની સાથે વાત કરતી જોવા મળી રહી છે.
https://twitter.com/FalconryFinance/status/2002553900122218600
વીડિયોમાં, જ્યારે મહિલાએ ટાઈલરને પૂછ્યું કે, શું તેણે ક્યારેય ડિઝનીના કોઈ પ્રોજેક્ટમાં કામ કર્યું છે, ત્યારે ચેઝે હસતાં હસતાં જવાબ આપ્યો, 'તે નિકલોડિયનની 'નેડ્સ ડિક્લાસિફાઇડ સ્કૂલ સર્વાઇવલ ગાઇડ'માં બાળ કલાકાર હતો.' આ વીડિયો સામે આવ્યા પછી, ટાયલરના સ્વાસ્થ્ય અંગે લોકોની ચિંતા વધી ગઈ.
ટાયલરની સ્થિતિ આટલી ગંભીર કેમ બની ગઈ તે અંગે કોઈને કંઈ ખબર નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2015માં તેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે તેના કાર્યક્રમોમાં લોકોના ન આવવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તે જ વીડિયોમાં, તેણે બાયપોલર ડિસઓર્ડર (BPD)થી પીડિત હોવાનું પણ સ્વીકાર્યું હતું.
ચેઝનો જન્મ 6 સપ્ટેમ્બર, 1989ના રોજ એરિઝોનામાં થયો હતો. IMDb અનુસાર, ચેઝે નેડની ડિક્લાસિફાઇડ સ્કૂલ સર્વાઇવલ ગાઇડમાં માર્ટિન તરીકેની પહેલી અભિનય ભૂમિકા ભજવી હતી. આ શો 2004થી 2007 સુધી ત્રણ સીઝન સુધી ચાલ્યો હતો, અને તેણે એક ટેલેન્ટ ડિસ્કવરી પ્લેટફોર્મ, પ્રોસ્કાઉટ દ્વારા મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હોવાના અહેવાલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાયલર ચેઝ છેલ્લે 2007માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. ત્યાર પછી, તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને તે ગુમનામીમાં અદ્રશ્ય થઈ ગયો. કેટલાક લોકો તો એવું પણ સૂચવે છે કે તે માનસિક રીતે અસ્થિર છે, જેના કારણે તે આવી રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે.

