- Entertainment
- ઓન સ્ક્રીન ‘સાઈ બાબા’ સુધીર દલવીની સારવારમાં મદદ કરશે શિરડી ટ્રસ્ટ, કોર્ટે આપી મંજૂરી
ઓન સ્ક્રીન ‘સાઈ બાબા’ સુધીર દલવીની સારવારમાં મદદ કરશે શિરડી ટ્રસ્ટ, કોર્ટે આપી મંજૂરી
શિરડી સાંઈ બાબાનું પાત્ર ભજવનાર અભિનેતા સુધીર દલવીની હાલત ખૂબ જ નાજુક છે. અભિનેતાને લગભગ 2 મહિનાથી મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 86 વર્ષીય સુધીર સેપ્સિસ ઇન્ફેક્શન નામની બીમારીથી ઝઝૂમી રહ્યા છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ એવી નથી નથી કે તેઓ અભિનેતાની સારવારનો ખર્ચ ઉઠાવી શકે. એવામાં પરિવારે, લોકો પાસે મદદ માટે અપીલ કરી. હવે, શિરડી સાંઈ બાબા ટ્રસ્ટ તેમને મદદ કરવા આગળ આવ્યું છે.
30 ઓક્ટોબર 2025ના રોજ, શિરડી સાંઈ બાબા ટ્રસ્ટ પાસે અભિનેતાની સારવાર માટે 15 લાખ રૂપિયાની મદદ માગવામાં આવી હતી. એવામાં ટ્રસ્ટે હાઇકોર્ટમાં મદદ માટે અરજી દાખલ કરી હતી. તેના પર બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચે શિરડી સાંઈ બાબા ટ્રસ્ટને સુધીર દલવીને મદદ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ટ્રસ્ટ અભિનેતાની સારવાર માટે 11 લાખ રૂપિયાની સહાયતા આપશે. ટ્રસ્ટ કોર્ટની મંજૂરી વિના ભંડોળનો ઉપયોગ કરી શકતું નથી, એટલે આ મામલે કોર્ટની મંજૂરીની જરૂર હતી. ટ્રસ્ટના વકીલ અનિલ એસ. બજાજે જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા રચાયેલી એક એડ-હોક સમિતિએ અભિનેતાને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે.
આ અગાઉ ઓક્ટોબરની શરૂઆતમાં સુધીર દલવીના પરિવારે તેમની સારવાર માટે સહાય માટે અપીલ કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે તેમની સારવારનો ખર્ચ 10 લાખ રૂપિયા થઇ ગયો હતો અને તે વધીને 15 લાખ રૂપિયા થવાની ધારણા હતી. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરને સુધીરની સ્થિતિ બાબતે જાણ થતા જ તેમણે પોતે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પણ તેમની મદદ કરવાની જાણકારી આપી હતી.
સુધીર દલવી શિરડીના સાંઈ બાબાના પાત્ર માટે દેશભરમાં જાણીતા છે, આ પાત્ર તેમની ઓળખ બની ગયું. સુધીરે 1977માં આવેલી ‘શિરડી કે સાંઈ બાબા’ ફિલ્મ સાંઈ બાબાની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમને ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ભૂમિકાથી તેમને મોટી અને ખાસ ઓળખ મળી. સંયોગ તો જુઓ, હવે શિરડી સાંઈ બાબા ટ્રસ્ટ હવે તેમની સારવાર માટે 11 લાખ રૂપિયાની મદદ કરી રહ્યું છે.
સુધીર દલવીનો જન્મ 20 માર્ચ 1939ના રોજ મહારાષ્ટ્રના થાણેમાં થયો હતો. તેમણે રામાનંદ સાગરની ધારાવાહિક ‘રામાયણ’માં ઋષિ વશિષ્ઠની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમને ‘વો હુએ ના હમારે’, ‘જય હનુમાન’, ‘જુનૂન’, ‘વિષ્ણુ પુરણ’, ‘બુનિયાદ’, અને ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ જેવા TV શૉમાં પણ જોવા મળ્યા હતા.

