- Entertainment
- 30000 કરોડની સંપત્તિમાં હિસ્સા માટે કરિશ્મા કપૂરના બાળકો કોર્ટ પહોંચ્યા
30000 કરોડની સંપત્તિમાં હિસ્સા માટે કરિશ્મા કપૂરના બાળકો કોર્ટ પહોંચ્યા
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને સ્વર્ગસ્થ સંજય કપૂરની સંપત્તિ વિવાદ કેસમાં દિલ્હી હાઈકોર્ટે વર્તમાન પત્ની પ્રિયા કપૂરને સમન્સ પાઠવ્યા છે. સુનાવણી દરમિયાન પ્રિયા કપૂરના વકીલે કરિશ્મા કપૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંજય કપૂરથી અલગ થયા બાદ તે છેલ્લા 15 વર્ષથી ક્યાંય જોવા મળી નથી. તો, દિલ્હી હાઈકોર્ટે સંજય કપૂરની પત્નીને સંપત્તિઓની એક લિસ્ટ દાખલ કરવા કહ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થશે. તમને જણાવી દઈએ કે બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકોએ પિતા સંજય કપૂરની સંપત્તિમાં હિસ્સો મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવા ખખડાવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટમાં બાળકો તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું કે, ‘કેસ હવે નોંધવામાં આવશે. તેમણે સંજય કપૂરની અંગત સંપત્તિઓ બાબતે કેટલીક વધુ માહિતી એકત્રિત કરવી પડશે. હવે કેસની આગામી સુનાવણી 9 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે.’ કોર્ટે પ્રિયા કપૂરને પણ પૂછ્યું કે, તે કરિશ્માના બાળકોને વસિયતનામાની નકલ આપવામાં કેમ આનાકાની કરી રહી છે. ન્યાયાધીશે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘મને સમજાતું નથી કે તમારે બાળકોને વસિયતનામાની નકલ કેમ ન આપવી જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે, તે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ હોઈ શકે છે. અમે એક ગોપનીયતા ક્લબ (કોન્ફિડેન્શિયાલિટી ક્લબ) પણ બનાવી શકીએ છીએ. અમે ઇન્ટેલેક્ચૂઅલ પ્રોપર્ટી કેસોમાં નિયમિતપણે આમ કરીએ છીએ.’
સંપત્તિ વિવાદ પરની સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટે પત્ની પ્રિયા કપૂરને સંજયની સંપત્તિઓની લિસ્ટ ફાઇલ કરવા કહ્યું છે. જોકે, ન્યાયાધીશ જ્યોતિ સિંહની બેન્ચે સંજયની સંપત્તિઓ પર તાત્કાલિક યથાસ્થિતિનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. પ્રિયા તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ નૈયરે તર્ક આપ્યો કે આ કેસ સુનાવણી યોગ્ય નથી અને વધુમાં કહ્યું હતું કે, દાવો દાખલ કરવાના 6 દિવસ અગાઉ બંને બાળકોને ટ્રસ્ટ તરફથી 1,900 કરોડ રૂપિયાની સંપત્તિ આપવામાં આવી હતી. સંજયની માતા રાની કપૂરે પણ વસિયતનામાની માન્યતા પર સવાલ ઉઠાવ્યો. રાનીના વકીલે કહ્યું કે, ‘આ કંઈક અવિશ્વસનીય રૂપે ખોટું છે. 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ મારી હોવી જોઈએ. હું 80 વર્ષની છું.’
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પ્રિયા કપૂરના વકીલ રાજીવ નૈયરે કહ્યું કે પોલો રમવા દરમિયાન સંજય કપૂરનું મોત થયું. પ્રિયા કપૂરનો પક્ષ રાખતા તેના વકીલ નૈયરે કોર્ટને કહ્યું, ‘એવું નથી કે આ લોકો રસ્તા પર આવી ગયા છે. હું એક વિધવા છું, જેનું 6 વર્ષનું બાળક છે. આ લોકો 15 વર્ષથી ક્યાંય ન દેખાયા. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, બે અઠવાડિયામાં લેખિત નિવેદનો દાખલ કરવામાં આવે અને ત્યારબાદ એક અઠવાડિયામાં જવાબ આપવામાં આવે. આ કેસમાં સમન્સ જાહેર કરવામાં આવ્યા છે અને વચગાળાની રાહત માટેની અરજી પર પણ નોટિસ આપવામાં આવી છે. કોર્ટે પ્રિયા સચદેવ કપૂરને તેની બધી જંગમ અને સ્થાવર સંપત્તિની આખી લિસ્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો.
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન જીવન વર્ષ 2003 થી વર્ષ 2016 સુધી, એટલે કે 13 વર્ષ સુધી પરિણીત જિંદગી વિતાવી, ત્યારબાદ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. બાળકોએ પોતાની માતાના માધ્યમથી એવો તર્ક આપ્યો છે કે આ વર્ષે જૂનમાં યુનાઇટેડ કિંગડમમાં તેમના પિતાના અચાનક મૃત્યુ બાદ પ્રિયા કપૂરે તેમને સંજય કપૂરની સંપત્તિથી ખોટી રીતે વંચિત રાખ્યા છે. આ કેસમાં પ્રિયા કપૂર, તેના સગીર પુત્ર, તેની માતા રાની કપૂર અને વસિયતનામાના કથિત અમલકર્તા શ્રદ્ધા સૂરી મારવાહને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર 21 માર્ચ, 2025ના રોજનું એક વસિયતનામું છે, જે કથિત રીતે સંજય કપૂરની સંપૂર્ણ અંગત સંપત્તિ પ્રિયા કપૂરને આપવામાં આવી છે.

