- Entertainment
- લાંબા સમય બાદ સારી ફિલ્મ આવી છે, 'અસ્સી' જોવાનો પ્લાન હોય તો વાંચી લેજો આ રિવ્યૂ
લાંબા સમય બાદ સારી ફિલ્મ આવી છે, 'અસ્સી' જોવાનો પ્લાન હોય તો વાંચી લેજો આ રિવ્યૂ
'મેડમ, આ ગુનાના દિવસે, દેશભરમાંથી શારીરિક જબરજસ્તીની 80 ફરિયાદો આવી હતી, જેમાંથી 76 ફરિયાદો પર હજુ સુધી સુનાવણી પણ શરૂ થઈ નથી.' ફિલ્મ 'અસ્સી'નો આ સંવાદ દર્શકને ઘણી બાબતો પર ચિંતન કરવા મજબૂર કરે છે, ઉપરાંત આપણી સામાજિક અને કાનૂની વ્યવસ્થાની નિષ્ફળતાઓ પર પણ હુમલો કરે છે. દિગ્દર્શક અનુભવ સિંહા, જે સામાજિક મુદ્દાઓને ગંભીરતાથી રજૂ કરવાના માસ્ટર તરીકે જાણીતા છે, 'અસ્સી' ફક્ત શારીરિક જબરજસ્તીની પીડિતાને ન્યાય મેળવવા પર કેન્દ્રિત કોર્ટરૂમ ડ્રામા નથી બનતું, આ ફિલ્મ તે સામાજિક ચેતનાના સ્તરોને ઉજાગર કરે છે જે શારીરિક જબરજસ્તી જેવા જઘન્ય ગુનાઓને સામાન્ય બનાવે છે. એક મહિલા શિક્ષક પર સામૂહિક શારીરિક જબરજસ્તી થયા પછી, તેનો એક વિદ્યાર્થી વોટ્સએપ ગ્રુપમાં લખે છે, 'મને કેમ આમંત્રણ આપવામાં ન આવ્યું?' ત્યારે એ સવાલ ઊભો થાય છે કે, આપણે સમાજ, નૈતિક મૂલ્યો અને ઉછેરની દ્રષ્ટિએ ક્યાં ખોટું કર્યું?
વાર્તા દિલને હચમચાવી નાખનારા એક સંવેદનશીલ દ્રશ્યથી શરૂ થાય છે, એક સ્ત્રી અર્ધ નગ્ન, વિકૃત અવસ્થામાં, રેલ્વે ટ્રેક પર ફેંકી દીધેલી હાલતમાં મળે છે. તે પરિમા (કાની કુશ્રુતિ) છે, જે વ્યવસાયે શિક્ષિકા છે, અને તેના પતિ વિનય (મોહમ્મદ ઝીશાન અયુબ) અને પુત્ર સાથે સામાન્ય અને સુખી જીવન જીવી રહી હોય છે. એક રાત્રે, મિત્રની વિદાય પાર્ટીમાંથી પરત ફરતી વખતે, પાંચ જુવાન છોકરાઓ તેનું મેટ્રો સ્ટેશન પરથી બળજબરીથી ગાડીમાં નાખીને અપહરણ કરે છે, ચાલતી કારમાં એક પછી એક તેના પર શારીરિક જબરજસ્તી કરે છે, અને પછી તેને બેભાન અવસ્થામાં રેલવેના પાટા પર ફેંકી દે છે. એક અજાણી વ્યક્તિ તેને હોસ્પિટલ લઈ જાય છે. પોલીસ શરૂઆતમાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરે છે, અને વિનયનો મિત્ર, કાર્તિક (કુમુદ મિશ્રા) થકી આ કેસ વકીલ રાવી (તાપસી પન્નુ) સુધી પહોંચાડે છે. આ દરમિયાન, આરોપીના પિતા, દીપરાજ (મનોજ પાહવા), તેના પુત્રને બચાવવા માટે પુરાવાને પોતાની રીતે ગોઠવવામાં સફળ થાય છે. આ બાજુ કાર્તિક પોતે તેની પત્નીના આકસ્મિક મૃત્યુના આઘાતથી પીડાય છે. જ્યારે તે જુએ છે કે પરિમાને ન્યાય મળવાને બદલે મજાક ઉડાવવામાં આવી રહી છે, ત્યારે તે કાયદો પોતાના હાથમાં લે છે, અને પોતે 'છત્રી માણસ' બની જાય છે, અને ગુનેગારોને ખતમ કરવા માટે નીકળી પડે છે.
હવે પ્રશ્ન એ છે કે, શું રાવી પરિમાને તેના કાનૂની લડાઈ દ્વારા ન્યાય અપાવી શકશે, કે પછી કાર્તિકનો આ બદલો લેવાનો (ખૂની) માર્ગ પહેલા તેના મુકામ સુધી પહોંચશે? તે જાણવા માટે, તમારે ફિલ્મ જોવી પડશે.
દિગ્દર્શક અનુભવ સિંહા અગાઉ 'મુલ્ક', 'થપ્પડ', 'આર્ટિકલ 15', 'અનેક', અને 'ભિડ' જેવી સામાજિક પ્રશ્નોને રજુ કરતી ફિલ્મો બનાવી ચૂક્યા છે. 'અસ્સી'માં તેઓ શારીરિક જબરજ્સ્તીના જઘન્ય ગુના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એક એવો વિષય જેના આંકડા જ રુંવાટા ઉભા કરી દેવા માટે પૂરતા છે. ફિલ્મ ખૂબ ઊંડે સુધી હચમચાવી નાખે છે. શારીરિક જબરજ્સ્તી જેવા વિષયનું પ્રામાણિક ચિત્રણ, કોઈપણ સિનેમેટિક ઝગમગાટ અથવા શૈલીકરણ વિના, દર્શકને એક સહભાગીમાં રૂપાંતરિત કરે છે, મૂક સાક્ષીમાં નહીં.
દેશમાં દર વીસ મિનિટે એક બળાત્કાર થાય છે, જેનો અર્થ દરરોજ લગભગ 80 કેસ થાય છે. સમગ્ર ફિલ્મ દરમિયાન પણ, દર વીસ મિનિટે સ્ક્રીન પર એક સ્લેટ દેખાય છે, જે આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણે બે કલાકની ફિલ્મ જોઈ રહ્યા છીએ, ત્યારે દેશમાં દસ નવા કેસ નોંધાઈ ચૂક્યા હોય છે. આ સાધન આપણને આઘાત આપે છે અને આંકડાઓને સહાનુભૂતિમાં પરિવર્તિત કરે છે.
વાર્તા વિડંબનાથી ભરેલી છે. પરિમા રાત્રે એકલી ઘરે પરત ફરી રહી હોવાથી ક્રૂરતાનો ભોગ બને છે. તેનો માસૂમ પુત્ર તેના પિતા (ઝીશાન અયુબ)ને પૂછે છે, 'તેઓએ મારી મા સાથે આવું કેમ કર્યું?' જ્યારે, પત્નીને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરી રહેલા પતિ પર તેના પરિવાર દ્વારા 'ઈજ્જત'નો હવાલો આપીને કેસ દબાવવા માટે દબાણ કરવામાં આવે છે. ઝીશાન દર વખતે તેના પુત્રને કોર્ટમાં લાવે છે, એમ કહીને કે, 'આ તો ઘર સુધી આવવાનો છે.' શાળાના આચાર્ય (સીમા પાહવા)નો પ્રશ્ન ચોંકાવનારો છે, 'આપણે અભ્યાસમાં આગળ નીકળી ગયા, પરંતુ નૈતિકતામાં નિષ્ફળ ગયા.'
ફિલ્મ સમાજમાં શારીરિક જબરજ્સ્તીના સામાન્યીકરણની તીવ્ર ટીકા કરે છે. ગુનો કર્યા પછી લગ્નમાં હાજરી આપે છે, જ્યાં તેમની માતા, બહેન અને પરિવાર હાજર હોય છે, આ હકીકત ઘણું બધું કહી જાય છે. ભ્રષ્ટાચારનું પ્રણાલિકાગ્રસ્ત હોવું આક્રોશ ઉભો કરે છે. આ બધું હોવા છતાં, અનુભવ સિંહા ક્યારેય વાર્તાને અતિશયોક્તિપૂર્ણ બનવા દેતા નથી. છત્રી માણસનું પાત્ર પણ ન્યાય વ્યવસ્થાની નિષ્ફળતા તરફ નિર્દેશ કરે છે. પાત્રોના પોશાક, મેકઅપ અને સ્થાનો બધું વાસ્તવિકતાની નજીક છે.
સામાન્ય ફિલ્મોના ચમકદાર કોર્ટરૂમને બદલે, અહીં એક સરળ, અસ્તવ્યસ્ત કોર્ટરૂમ દર્શાવવામાં આવ્યો છે, જેની અવ્યવસ્થા પોતે જ સિસ્ટમના સત્યને છતી કરે છે. બાળ પાત્રો દ્વારા આવનારી પેઢીને સંવેદનશીલ બનાવવાની જરૂરિયાત બતાવે છે.
રણજિત બારોટનો બેકગ્રાઉન્ડ સ્કોર પરેશાનીને વધુ ઊંડી બનાવે છે, જ્યારે સિનેમેટોગ્રાફર ઇવાન મુલિગન ટોપ-એંગલ શોટ્સ સાથે દ્રશ્યના અસરને વધુ અસરદાર બનાવે છે. એકંદરે, 'અસ્સી' ફક્ત કોર્ટરૂમ ડ્રામા નથી, પરંતુ માનસિકતા પર એક તીવ્ર હુમલો છે, જેણે ગુનાને આંકડાના ઘેરામાં લઇ લીધો છે. ફિલ્મ અભિનયની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. તાપસી પન્નુએ રાવિના પાત્રને સંપૂર્ણ ઇમાનદારીથી રજૂ કર્યું છે. મુદ્દા આધારિત ફિલ્મોની ચેમ્પિયન તરીકે જાણીતી, તાપસી તેના શક્તિશાળી અભિનયથી ફિલ્મના મુખ્ય પાત્ર તરીકે ઉભરી આવે છે. તે પીડા, ગુસ્સો અને લાચારી સહિત વિવિધ પ્રકારની લાગણીઓને જીવંત કરે છે.
કાની કુશ્રુતિ જે પીડા, આઘાત અને સરળતા સાથે પીડિતા પરિમાનું પાત્ર રજુ કરે છે તે તમને દિલના ઊંડાણ સુધી હચમચાવી નાખે છે. કોર્ટમાં નિવેદન આપવા માટે તે જ્યાં પોતાના કપડાં ઉતારે છે તે દ્રશ્ય તમને સ્તબ્ધ કરવા માટે પૂરતું છે.
મોહમ્મદ ઝીશાન અયુબ પતિ વિનયની ભૂમિકા સંયમ અને સમજણ સાથે ભજવે છે. પુત્ર ધ્રુવ સાથેનો તેમનો સંબંધ વાર્તાના ભાવનાત્મક સંબંધને વધુ ગાઢ બનાવે છે. ધ્રુવની ભૂમિકા ભજવતા અદ્વિત જયસ્વાલ દર્શાવે છે કે, પરિસ્થિતિઓ કેવી રીતે એક માસૂમ બાળકની માસૂમિયત છીનવી શકે છે. કુમુદ મિશ્રાએ તેની ભૂમિકાને ન્યાય આપ્યો છે. મનોજ પાહવા, સીમા પાહવા, સુપ્રિયા પાઠક અને નસીરુદ્દીન શાહ નાની ભૂમિકાઓમાં મજબૂત સાબિત થાય છે. રેવતી જજની ભૂમિકામાં શાનદાર લાગે છે. તેમના પોતાના પાત્રને તેના અભિવ્યક્તિઓથી જીવંત બનાવે છે. સહાયક કલાકારોએ પણ શાનદાર અભિનય આપ્યો છે.
તમારે આ ફિલ્મ કેમ જોવી જોઈએ, એ વિશે કહીએ તો આજના જમાના ને અનુરૂપ છે આ ફિલ્મ 'અસ્સી', મુદ્દા પર મજબૂતીથી હુમલો કરે છે પણ તમારા માટે આ જોવી જરૂરી છે.

