- Gujarat
- સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલની 32મી વાર્ષિક સાધારણ સભા
સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલની 32મી વાર્ષિક સાધારણ સભા
સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલની 32મી વાર્ષિક સાધારણ સભાની શરૂઆત સંસ્થાના પ્રમુખ નીરવ રાણાએ સર્વે હાજર સભ્યોને આવકારીને કરી હતી. પોતાના સ્વાગત પ્રવચનમાં સર્વે સભ્યોનો, કારોબારી સમિતિનો, અને વર્કિંગ કમિટીના સભ્યો પ્રત્યે સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને સરસાણા ખાતેની નવી ઓફિસના કામની પ્રગતિ વિશે પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિખિલ મદ્રાસીએ મુખ્ય અતિથિ તરીકે સ્થાન શોભાવ્યું હતું અને તેમની સાથે ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાળા પણ હાજર રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી, જેઓ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ટ્રસ્ટી પણ છે અને માનદ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, તેઓને સંસ્થાના પ્રમુખ નિરવ રાણા, ઉપપ્રમુખ દિલીપ ચશ્માવાળા અને વર્કિંગ કમિટીના સભ્યોએ સાથે મળી સ્મરણિકા દ્વારા સન્માન કર્યું હતું. અતિથિવિશેષ નિખીલ મદ્રાસી એ પોતાના ઉદબોધનમાં સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને જ્યારે સમય સતત બદલાવ લાવે છે ત્યારે નવો ચીલો પાડી કામગીરીમાં બદલાવ લાવીને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ સંસ્થાના માનદ્ મંત્રી સંજય પંજાબીએ ગત વાર્ષિક સાધારણ સભાની મિનિટનું વાંચન કર્યું હતું જેને હાજર સભ્યો બહાલી આપી હતી. ત્યારબાદ સંસ્થાના ખજાનચી દિપેશ શાકવાળાએ નાણાકીય વર્ષ 2024-2025 ના આવક જાવકનો હિસાબ રજૂ કર્યો હતો જેને સર્વે હાજર સભ્યોએ બહાલી આપી હતી. ત્યારબાદ માનદ મંત્રી સંજય પંજાબીએ ચેમ્બર અને યુનિયનો તરફથી નવી કારોબારી સમિતિ માટે પ્રતિનિધિઓના જે નામો મોકલવામાં આવ્યા હતા તે નામોની જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીથી વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલા કામોની સૂચિ આપી હતી જેને હાજર સભ્યોએ તાળીઓથી વધાવી હતી.
પ્રમુખ નીરવ રાણાએ નવી ઓફિસ કમિટીના ચેરમેન અરવિંદ કાપડિયાને નવી ઓફિસના કામની પ્રગતિ વિશે કહેવા વિનંતી કરીએ જેને યોગ્ય પ્રતિસાદ આપતા અરવિંદ કાપડીયાએ ઓફિસની કામગીરીની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો અને થોડા જ વખતમાં નવી ઓફિસમાં કામકાજ ચાલુ થઈ શકશે તેમ હાજર સભ્યોને જણાવ્યું હતું જેને દરેક સભ્યોએ બિરદાવ્યું હતું. અંતે ઉપપ્રમુખ દિલીપ ચશ્માવાળાએ સર્વે હાજર સભ્યો અને માનવંતા મહેમાનોનો આભાર માનતા સભાની પૂર્ણાહુતી જાહેર કરી હતી.

