- Gujarat
- AM/NS Indiaએ સુંવાલી બીચને 350 સોલાર લાઇટથી ઝળહળતું બનાવ્યું
AM/NS Indiaએ સુંવાલી બીચને 350 સોલાર લાઇટથી ઝળહળતું બનાવ્યું
સુરત, જાન્યુઆરી 09, 2026: દક્ષિણ ગુજરાતના મહત્ત્વપૂર્ણ અને વિકસતા પર્યટન સ્થળ એવા સુંવાલી બીચ ખાતે માળખાકીય સુવિધાઓ અને સુરક્ષા વધારવા માટે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા 350 સોલાર સ્ટ્રીટ લાઇટ્સ અને એક હાઈ-માસ્ટ લાઇટ ટાવર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સુવિધાઓનું ઉદ્ઘાટન સંદિપ દેસાઈ, ધારાસભ્ય, ચોર્યાસી વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું છે, જેની સાથે જ ત્રણ-દિવસીય સુંવાલી બીચ ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે.
આ સોલાર સ્ટ્રીટ લાઇટ્સ સુંવાલી બીચથી મોરા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર લગાડવામાં આવી છે, જ્યારે બીચના મધ્ય ભાગમાં સ્થાપિત હાઈ-માસ્ટ લાઇટ ટાવર સાંજના સમયે બીચ પર આવતા મુલાકાતીઓ માટે પૂરતો પ્રકાશ અને વધુ સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટ AM/NS India દ્વારા અગાઉ જૂન 2024માં આપવામાં આવેલા યોગદાન પ્રમાણે, બીચ સુધી પહોંચતા માર્ગો પર 125 સ્ટ્રીટ લાઇટ્સ લગાડવામાં આવી હતી, જેના કારણે માર્ગ સુરક્ષા અને સુવિધામાં નોંધપાત્ર સુધારો થયો હતો.
આ પ્રસંગે સંદિપ દેસાઈ, ધારાસભ્ય, ચોર્યાસી વિધાનસભાએ જણાવ્યું હતું કે, “સુંવાલી બીચને રાજ્યના અગ્રણી પર્યટન સ્થળ તરીકે વિકસાવવું રાજ્ય સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. 350 સોલાર લાઇટ્સ જેવી પર્યાવરણીય અનુકૂળ સુવિધાઓ દ્વારા નાગરિકોની સુરક્ષા અને અનુભવ બંનેમાં સુધારો થશે અને સાથે જ ગ્રીન ફ્યુચર તરફ આગળ વધવામાં મદદ મળશે. સુરત જિલ્લાના દરિયાકાંઠે પર્યટન વિકાસ માટે જિલ્લા વ્યવસ્થાની દ્રષ્ટિએ સહકાર આપતી AM/NS Indiaની સક્રિય ભૂમિકા પ્રશંસનીય છે.”
સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – પ્રોજેક્ટ્સ, હજીરા અને ડેપ્યુટી CTO, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS ઇન્ડિયામાં અમે સમુદાય સાથે મળીને વિકાસ કરવાની માન્યતા રાખીએ છીએ. હજીરા વિસ્તાર પ્રત્યે અમારી જવાબદારી માત્ર ઉદ્યોગ સુધી મર્યાદિત નથી, પરંતુ ટકાઉ સામાજિક વિકાસ સુધી વિસ્તરે છે. સુંવાલી બીચ તરફ જતો માર્ગ પ્રકાશિત કરીને અમે સ્થાનિક સુરક્ષા વધારવા, સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા ઈચ્છીએ છીએ. જિલ્લા પ્રશાસન સાથે મળીને અમે આ દરિયાકાંઠાની સુંદરતા અને સ્વચ્છતા જાળવવા માટે સતત પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ.”

