- Gujarat
- દુબઈમાં AP પ્રોડક્શનની સ્થાપના, રિયાલિટી શોનું નિર્માણ કરાશે
દુબઈમાં AP પ્રોડક્શનની સ્થાપના, રિયાલિટી શોનું નિર્માણ કરાશે
દુબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગુજરાતનું નામ ઉજાગર કરનાર પ્રીતેશ પટેલ હવે મનોરંજન જગતમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવવા જઈ રહ્યા છે. પોતાના મિત્ર અલ્પેશ પટેલ સાથે મળીને તેમણે AP પ્રોડક્શનની સ્થાપના કરી છે, જે હેઠળ ફીચર ફિલ્મો, મ્યુઝિક વીડિયો તેમજ ડાન્સ અને સિંગિંગ આધારિત રિયાલિટી શોઝનું નિર્માણ કરવામાં આવશે.
દુબઈને સિનિમા હબ બનાવવાની મહત્ત્વાકાંક્ષા: AP પ્રોડક્શન પાછળનું મુખ્ય સ્વપ્ન દુબઈને વૈશ્વિક સ્તરે સિનિમા નિર્માણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનું છે. પ્રીતેશ પટેલનું માનવું છે કે દુબઈમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વૈવિધ્યપૂર્ણ લોકેશન અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાનો ભરપૂર ખજાનો છે, જે સિનિમા ઉદ્યોગ માટે અપરંપાર તકો સર્જે છે.
ભવ્ય રિયાલિટી શોથી થશે શરૂઆત: AP પ્રોડક્શન પોતાના પ્રથમ પ્રોજેક્ટ તરીકે એક વિશાળ ડાન્સ અને મ્યુઝિક આધારિત રિયાલિટી શોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ઉદ્યોગના જાણકારો અનુસાર, આ શો અત્યાર સુધીનો દુબઈનો સૌથી મોટો રિયાલિટી શો સાબિત થઈ શકે છે, જે સ્થાનિક સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિભાને એક જ મંચ પર લાવશે.
આ ભવ્ય રિયાલિટી શોની કમાન સંભાળશે બોલિવૂડના જાણીતા દિગ્દર્શક દુષ્યંત પ્રતિાપ સિંહ, જેમણે 2001થી લઈને આજ સુધી અનેક સફળ રિયાલિટી શોઝનું દિગ્દર્શન કર્યું છે. “કંઈક કરી બતાવો”, “ધમાલ બેમિસાલ”, “ધૂમ” અને “આવાઝ હિંદુસ્તાન કી” જેવા લોકપ્રિય શોઝ તેમના અનુભવનો સાક્ષી છે. રિયાલિટી શોઝના નિષ્ણાત તરીકે તેમની ઓળખ આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવે છે.
સ્ટાર જજ અને નિષ્ણાતોની ટીમ: પ્રીતેશ પટેલે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે તેઓ સિનિમા જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ચહેરાઓ સાથે કામ કરી રહ્યા છે. કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા પંકજ બેરી, રાજુ ખેર, સાઉથ ઈન્ડિયન અભિનેતા અમિત તિવારી, પ્રખ્યાત કોરિયોગ્રાફર સંદીપ સોપરકર અને ઝીનત કપાડિયા જેવા નામચીન કલાકારો અને નિષ્ણાતો જોડાવાના છે, જે શોની ગુણવત્તા અને વિશ્વસનીયતા બંનેને નવી ઊંચાઈ આપશે.
ગુજરાતી ફિલ્મની પણ તૈયારી: અલ્પેશ પટેલે ખુલાસો કર્યો કે AP પ્રોડક્શન ખૂબ જ ટૂંક સમયમાં આ રિયાલિટી શો ઉપરાંત એક ગુજરાતી ફિલ્મની પણ જાહેરાત કરશે. આ ફિલ્મ દ્વારા તેઓ ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર વધુ ઓળખ અપાવવાનો પ્રયાસ કરશે.
ગુજરાતથી દુબઈ સુધીનો સર્જનાત્મક સફર: AP પ્રોડક્શનનું આ પગલું માત્ર એક પ્રોડક્શન હાઉસની શરૂઆત નથી, પરંતુ તે ગુજરાતની પ્રતિભા અને સર્જનાત્મકતાને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો પ્રયાસ છે. આવનારા સમયમાં દુબઈથી નીકળતી આ સિનેમેટિક યાત્રા કેટલાય નવા ચહેરાઓ અને અનોખી કહાણીઓ સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

