- Gujarat
- જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિ દીપક ઈજારદારને ધરપકડની ગણતરીની મિનિટમાં જામીન મળી ગયા
જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિ દીપક ઈજારદારને ધરપકડની ગણતરીની મિનિટમાં જામીન મળી ગયા
ડાયમંડ સિટીમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગો બતાવીને દીકરાના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સામે પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ તેને ગણતરીની મિનિટોમાં જ જામીન મળી જતા પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતના ડુમસ વિસ્તારમાં બિઝનેસમેન દીપક ઇજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેના કારણે રસ્તો રોકવામાં આવ્યો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે એક વાહનચાલકે રસ્તો રોકવા બાબતે રજૂઆત કરી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે દીપક ઈજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી, પરંતુ તેને ગણતરીની મિનિટોમાં જ તેને જામીન મળી ગયા હતા.
દીપક ઇજારદારીની ધરપકડ કર્યા બાદ તાત્કાલિક જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે સામાન્ય લોકોને આટલી કાર્યવાહીમાં મોટા કાયદાકીય પગલાનો સામનો કરવો પડતો હોય છે.
શું છે સમગ્ર ઘટના?
સુરતના ડુમસ વિસ્તારના ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાના પુત્રના જન્મદિન નિમિત્તે કથાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ, તેણે અને તેના બાઉન્સરોએ જાહેર માર્ગ પર ટ્રાફિક રોકી દીધું હતું અને રસ્તાની વચ્ચે ફટાકડા ફોડ્યા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જ્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર આ મુદ્દે સવાલો ઉઠ્યા ત્યારે દીપક ઇજારદારે બચાવમાં કહ્યું કે, હું એક સેલિબ્રિટી છું, એટલે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જો મેં 5 મિનિટ રસ્તો રોકીને ફટાકડા ફોડ્યા તો તેમાં કયો મોટો ગુનો કરી નાખ્યો?'
એટલું જ નહીં, જ્યારે એક કાર ચાલકે હોર્ન વગાડી રસ્તો માગ્યો ત્યારે ઉદ્યોગપતિએ તેની પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, 'મેં કાર ચાલકને એટલે રોક્યો હતો કારણ કે જો પેટ્રોલ આગ પકડી લેત તો કારમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા.
આ મામલે એવા પણ આક્ષેપો થયા છે કે જ્યારે લોકોએ રસ્તો ખોલવા વિનંતી કરી ત્યારે ઉદ્યોગપતિએ ધાક-ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે કાર સળગાવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જાહેર જનતામાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો.

