કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી આ યાત્રા ગાંધીનગર તરફ આગળ વધવાની હતી, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ખેડૂતોના અધિકારો માટે આજે  કોંગ્રેસ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહી છે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશેજ્યારે કોંગ્રેસનો દાવો છે કે, કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપવામાં આવી રહી છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે.

શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી છે, જેમાં નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું છે, અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા તો પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડી નીકળ્યા છે. શાંતિપુરા સર્કલથી ઓગણજ તરફની રેલીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા નથી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરમગામથી રેલીમાં જોડાયા બાદ અડધેથી રેલી છોડી ક્યાંક નીકળી ગયા છે.

congress
divyabhaskar.co.in

તુષાર ચૌધરીએ જણાવ્યું કે અમારી ત્રણ માંગણીઓ છે કે સરકારે ખેડૂતોનું સંપૂર્ણ દેવું નાબૂદ કરવું જોઈએ. બીજી માંગ છે ખેડૂતોની જે પણ ઉપજ છે એ સરકારે પૂરેપૂરી ટેકાના ભાવે ખરીદવી જોઈએ અને જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા આડેધડ વીજપોલ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવે છે, ખેડૂતને વિશ્વાસમાં લેવામાં આવતો નથી અને એને કોઈ વળતર આપવામાં આવતું નથી અને પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી ખેડૂતને ધમકાવી ડરાવીને વીજપોલ નાખવામાં આવે છે. એના કારણે ખેડૂતોની જમીનનાં અડધા ભાવ થઈ જાય છે.

તેમણે જણાવ્યું કે, જમીન વેચવા લાયક પણ રહેતી નથી અને એના કારણે પરિવારોમાં પણ ઝઘડા ઉભા થાય છે. આવું વ્યાપક નુકસાન ખેડૂતોને થતું હોય અને સરકાર દ્વારા કોઈ પણ એની સુનાવણી ન થતી હોય એટલે ખેડૂતો થાકી અને હારીને આજે ગાંધીનગર સુધી રેલી કાઢીને નીકળ્યા છે. અમારી સરકાર સાથે વાટાઘાટો ચાલે છે કે 50-100 પ્રતિનિધિમંડળ ખેડૂતોનું ત્યાં આવે, એટલા લોકોને પરવાનગી સરકાર આપે અને સરકાર ખેડૂતો આગેવાનોની રજૂઆત સાંભળે એવી વિનંતી અમે સરકારને કરી છે. હવે સરકાર તરફથી શું પ્રતિભાવ આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા ડૉ. તુષાર ચૌધરી દ્વારા સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે. ગાંધીનગર સુધીની મંજૂરી આપવામાં ન આવતા 50 પ્રતિનિધિ સાથે ગાંધીનગર જવા દેવાની મંજૂરી આપવામાં આવે તે માટે ચર્ચા ચાલી રહી છે. 50 પ્રતિનિધિઓને બોલાવીને સરકાર રજૂઆત સાંભળે તે માટે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. 

ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ હવે હદ ઉપર જતી રહી છે. ત્યારે તમે જોયું છે કે મોરબીની અંદર મહિલાઓને બેફામ રીતે પોલીસે લાઠીચાર્જ કરી માર માર્યો. હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે, ત્યારે ખેડૂત કી હાય કભી ખાલી ના જાય. આવનાર સમયમાં ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે, ત્યારે એની જે માંગણી છે એ સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરી ખેડૂતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે. ભારતના બંધારણમાં કોઈપણ વ્યક્તિને અન્યાય થાય તો એને શાંતિપૂર્ણ વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે. તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરશો તો આવનાર સમયમાં નેપાળવાળી થતા હવે વાર નથી.

કરસન ભાદરકાએ જણાવ્યું હતું કે, રેલી જ્યારે નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે. રેલી યોજવાના છીએ જેથી ડર લાગે છે એટલે ગાંધીનગર જવાની મંજૂરી આપવામાં આવી નથી.

ઝોન 1 DCP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ઓગણજ પાસે આવેલા શતાબ્દી મેદાનમાં સભાને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેક્ટર રેલીને શાંતિપુરા સર્કલથી ઓગણજ સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી ત્યાંથી આગળ રેલી જશે નહીં.  કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ડુપ્લિકેટ દવા અને બિયારણનો માર પણ ખેડૂતો સહન કરી રહ્યા છે. જે રીતે ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની જમીન જબરદસ્તીથી જમીન સંપાદનમાં સરકાર પચાવી લે છે. એમાં પણ ભાજપના મળતીયા હોય તો એ જમીન રાતો રાત બિનખેતી જાહેરનામા પછી પણ કરી લે અને એને એક મીટરના 2,000 મળે આ ખેડૂતનું ખેતર એને 20 રૂપિયા પર મીટરના મળે. આ ખેડૂતનું ખેતર જે ભાજપનો મળતીયાઓને 2000 પર મીટરના મળે છે. આ રીતે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લે જે રીતે વીજ કંપનીઓ સરકારના ચાર હાથ માથે લઈને આવે છે. ખેડૂતોના ખેતરમાં તમામ નિયમો નેવે મૂકીને દાદાગીરીથી પોલીસ રક્ષણ સાથે ખેતરમાં ઘૂસી જાય છે.

congress
divyabhaskar.co.in

વધુમાં પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ લાઇનના પ્રશ્નો પણ હજુ શરૂ થયા છે. આખા ગુજરાતમાં ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી ગુજરાતના ખેડૂતો આ બધા પ્રશ્નોને લઈને આગામી સમયમાં આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ. ગુજરાત કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો અમદાવાદ પહોંચશે. ટ્રેક્ટર લઈને સરકારને અલ્ટીમેટમ આપવા માટે જઈશું. જો સરકાર નહીં સમજે તો આવનાર દિવસમાં ખેડૂતોને સાથે રાખીને ગુજરાતમાં ધામા નાખવામાં આવશે. જે બાદ સરકારને જવાબ આપવો અઘરો થઈ જશે.

સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મિનિસ્ટર IAS અને IPS ઓફિસરો બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે. ગુજરાતના 56 લાખ ખેડૂતોનું 96 હજાર કરોડનું દેવું માફ કરવામાં આવે, વ્યાજબી ભાવ માટે, મફત વીજળી આપવાની માગ સાથે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. 1111 ટ્રેક્ટર લઈને ગાંધીનગર જઈશું. વિધાનસભા ઘેરાવ કરવા નહીં પરંતુ સરકારને જગાડવા માટે આંદોલન કરી રહ્યા છીએ. જો છતાં સરકાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.

કોંગ્રેસની 5 માંગણી

જમીન માપણીના દોષ નિવારવા અને સસ્તા ભાવે થતું અધિગ્રહણ અટકાવવું.

ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ કરવા.

ખેત ઉત્પાદન અને દૂધ પેદાશોની MSP નક્કી કરી, ગેરંટી આપવી.

ખાતર-દવા અને બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા.

8 કલાક સળંગ વીજળી આપવી અને મીટર પ્રથા બંધ કરવી.

About The Author

Related Posts

Top News

સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ...
Gujarat 
સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં...
Gujarat 
કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

(ઉત્કર્ષ પટેલ) લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ...
Opinion 
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (TMPV)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી...
Tech and Auto 
1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.