- Gujarat
- કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પહેલા પત્નીને ગોળી ધરબી દીધી અને પછી પોતે પણ જીવન ટૂંકાવ્યુ...
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પહેલા પત્નીને ગોળી ધરબી દીધી અને પછી પોતે પણ જીવન ટૂંકાવ્યું
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલ NRI ટાવરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નના માત્ર 2 જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી ધરબી દીધી હતી, જેના કારણે તેનો જીવ જતો રહ્યો અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. યશરાજસિંહ કોંગ્રેસનાં નેતાનો સગો ભત્રીજો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડીવારમાં શકિતસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અસારવા સિવિલ પહોંચશે.
મળતી મહિતી મુજબ, મૂળ ભાવનગરનો યશરાજ ગોહિલ તેની પત્ની રાજેશ્વરી ગોહિલ સાથે NRI ટાવરમાં રહેતો હતો. ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલી બંદૂક વડે પત્નીને ગોળી ધરબી દીધી હતી. ગોળી વાગતા જ રાજેશ્વરી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી હતી.
પત્નીને જમીન પર ઢળેલી જોઈ ગભરાયેલા યશરાજે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ડૉક્ટરોએ તપાસ રાજેશ્વરીને મૃત જાહેર કરી દીધી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પણ પોતાના માથે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, દંપતી કાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયું હતું, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ ઘટના બની હતી. ઘટના સામે આવતા જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા.
આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા ઝોન-1 DCP, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ અકબંધ છે, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે વધુ માહિતી બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવરાજ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા ક્લાસ-2માંથી વર્ગ-1 અધિકારી બન્યો હતો.

