- Gujarat
- ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં ખામી, એક્સ્પાન્શન જોઈન્ટ ખુલતા સલામતી મુદ્દે વિવાદ
ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં ખામી, એક્સ્પાન્શન જોઈન્ટ ખુલતા સલામતી મુદ્દે વિવાદ
શહેરમાં એક પછી એક બ્રિજને લઈને વિવાદો સામે આવી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ અને સુભાષ બ્રિજ બાદ હવે આશ્રમ રોડ પર આવેલ ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે. ઇન્કમટેક્સ બ્રિજના ફિંગર ટાઇપ એક્સ્પાન્શન જોઈન્ટમાં ખામી સામે આવી હતી, જેમાં જોઈન્ટમાં વપરાયેલી લોખંડની પ્લેટના બોલ્ટ બહાર નીકળી ગયા હતા. આ કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે જોખમની સ્થિતિ ઊભી થઈ હતી. મામલો એએમસીના ધ્યાન પર આવતા જ તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બ્રિજ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ખામી ફક્ત ફિંગર ટાઇપ એક્સ્પાન્શન જોઈન્ટ સુધી મર્યાદિત છે. બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ ખામી નથી. નિરીક્ષણ દરમિયાન જોવા મળ્યું હતું કે એક્સ્પાન્શન જોઈન્ટના બોલ્ટ લૂઝ થવાથી જોઈન્ટ ખુલ્લું પડી ગયું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ખામીના કારણે ફ્લાયઓવર બ્રિજની કુલ સલામતી અથવા માળખાગત મજબૂતી પર કોઈ અસર થતી નથી.
ફિંગર ટાઇપ એક્સ્પાન્શન જોઈન્ટના રિપેરિંગ માટે લૂઝ થયેલા બોલ્ટની બદલી કરવામાં આવી હતી અને એપોક્સી તથા માઇક્રો કોંક્રીટનો ઉપયોગ કરીને જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજ હજુ પણ બ્રિજ નિર્માતા કંપની રણજીત બિલ્ડકોન લિમિટેડની ગેરંટી પિરિયડ હેઠળ હોવાથી સમગ્ર રિપેર કામગીરી કંપની દ્વારા પોતાની જવાબદારી હેઠળ અને પોતાના ખર્ચે કરવામાં આવી હોવાનું પણ એએમસીએ જણાવ્યું હતું.
બીજી તરફ, વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે શહેરના તમામ બ્રિજના ઇન્સ્પેક્શન માટે એએમસીએ બે ખાનગી કંપનીઓને કુલ 99 બ્રિજની તપાસનું કામ સોંપ્યું હતું. જેમાં ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજના ઇન્સ્પેક્શનની જવાબદારી જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રા. લિ. ને આપવામાં આવી હતી. અંદાજિત રૂ. 59.59 કરોડ સામે રૂ. 65.51 કરોડના ખર્ચે બનેલા, પાંચ વર્ષ જૂના આ બ્રિજનું ઇન્સ્પેક્શન રિપોર્ટ 9 જુલાઈ 2025ના રોજ આપવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં બ્રિજની સ્થિતિ ‘ઓવર ઓલ ગુડ’ એટલે કે ખૂબ સારી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ માત્ર પાંચ મહિનામાં જ એક્સ્પાન્શન જોઈન્ટ ખુલી જવું ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો બ્રિજની સ્થિતિ સારી હતી તો આ ખામી અચાનક કેવી રીતે ઊભી થઈ? શું ઇન્સ્પેક્શન દરમિયાન એક્સ્પાન્શન જોઈન્ટની તપાસ કરવામાં આવી નહોતી?
શહેજાદ ખાન પઠાણે વધુમાં જણાવ્યું હતું કે, યોગ્ય અને ઝીણવટભર્યા ઇન્સ્પેક્શન વિના અપાયેલો આ રિપોર્ટ અવાસ્તવિક અને પ્રજાને ગેરમાર્ગે દોરનારો જણાય છે. પ્રજાની સલામતી સાથે સીધો સંબંધ ધરાવતા આ મહત્વના કાર્યમાં બેદરકારી રાખવામાં આવી હોવાનો આરોપ લગાવી તેમણે જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રા. લિ. ને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી છે.

