- Gujarat
- દાઢી-મૂંછ અમારે ‘દરબારો’ને હોય, તમારે થોડી હોય કહી દલિત યુવકને મા*ર મરાયો, જાણો શું છે આખો મામલો
દાઢી-મૂંછ અમારે ‘દરબારો’ને હોય, તમારે થોડી હોય કહી દલિત યુવકને મા*ર મરાયો, જાણો શું છે આખો મામલો
થોડા દિવસ અગાઉ જ આપણે 79મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા, હાઇ ટેક્નોલોજીનો જમાનો આવી ગયો, છતા આજે પણ દલિતો પર અત્યાચાર અને જાતિવાદનું કલંક હજી પણ અકબંધ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ જૂનાગઢના ખંભાળિયા નજીકના ઓઝત ગામે એક દલિત યુવકને ઢોર માર મારવાનો અને અપમાનિત કરવાનો મામલો સામે આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ યુવકને 11 ઑગસ્ટેના રોજ જ્યારે આ દલિત યુવક પોતાના સાસરે ગયો હતો, ત્યારે તેને કથિત રીતે દાઢી-મૂંછ રાખવાના મામલે અપમાનિત કરીને માર મારવામાં આવ્યો હતો. હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં પીડિતોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને રજા આપી દેવામાં આવી છે. આ મામલે કુલ 5 લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ આરોપીઓ ફરાર છે. પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ ફરિયાદી યુવક સાગર મકવાણા મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તે પોતાના સાસરે ગયો હતો.

વીસાવદરના ASP રોહિતકુમારે આ ઘટનાને લઈને મીડિયાને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘11 તારીખે અમને એક ફરિયાદ મળી હતી. સાગરભાઈ તેમના સાસરે ગયા હતા. સાંજે 7:00 વાગ્યાની આસપાસ પોતાની મોટરસાઇકલ રીપેર કરાવવા માટે ઊભા હતા. ત્યાં એક શૈલેશ જબલિયા નામની વ્યક્તિએ સાગરભાઈની મૂછ-દાઢીને લઈને ટિપ્પણી કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલાબોલી થઈ ગઈ હતી. ત્યારબાદ સાગરભાઈએ ફોન કરીને સસરાને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તમારા ગામની કોઈ વ્યક્તિ મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરી રહી છે.
ત્યારબાદ આરોપી શૈલેશ જબલિયાએ પણ ફોન કરીને કેટલાક લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપી અને તેના સાથીઓએ સાગરભાઈ અને તેમના સસરા સાથે મારામારી કરી હતી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો. પીડિતોને આ ઘટના બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને રાજા આપી દેવામાં આવી છે. ASP રોહિતકુમારે કહ્યું હતું કે, ‘અમે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની SC/ST પ્રિવેન્શન ઍન્ડ ઍટ્રોસિટીઝ ઍક્ટ હેઠળ તેમની સામે ફરિયાદ નોંધી છે. હજુ 3 આરોપીઓની ઓળખ કરવાની બાકી છે. તેમની જલદીથી ઓળખ કરવામાં આવશે. હજુ તેઓ ફરાર છે. તેમને જલદી જ પકડી લેવામાં આવશે.’

ફરિયાદી સાગર મકવાણાએ કહ્યું હતું કે, ‘હું ખંભાળિયા તરફ જવા નીકળ્યો હતો અને પાનની દુકાને ઊભો હતો. મેં મારી મૂછ પર હાથ ફેરવ્યો હતો ત્યારે એક અજાણી વ્યક્તિએ મને કહ્યું કે, આ રીતે મૂછ પર હાથ કેમ ફેરવે છે? મેં એમને કહ્યું કે હું તમને ઓળખતો નથી. ત્યારબાદ એ લોકોએ મને કહ્યું હતું કે, હું તને ઓળખું છું એમ કહીને બીજા લોકોને બોલાવ્યા હતા. મેં સસરાને બોલાવ્યા પછી એક ગાડી આવી અને 5 લોકોએ ઊતરીને અમને માર માર્યો. જાતિસૂચક અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા.
આ ઘટનામાં પીડિત દલિત યુવકે એમ પણ કહ્યું હતું કે, તે લોકોએ મને પટ્ટાથી અને ઢીંકાપાટુથી ખૂબ જ ઢોરમાર માર્યો. માર મારીને નીચે પાડી દીધા બાદ મોબાઈલ પણ લૂંટી લીધો હતો અને જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આજે મારી સાથે થયું, કાલે બીજા કોઈ સાથે પણ થઈ શકે છે. મારી માગણી છે કે મને યોગ્ય ન્યાય મળવો જોઈએ.’
સાગરના સસરા જીવણભાઈએ કહ્યું હતું કે, ‘હું ત્યાં પહોંચ્યો અને એ લોકોને કહ્યું કે તમે મારા જમાઈને કેમ દબાવો છો? તો એ લોકોએ કહ્યું કે આ દાઢી-મૂછો કેમ રાખી છે? દાઢી-મૂછો અમારે ‘દરબારો’ને હોય. તમારે થોડી હોય? પછી અમને ઢીકા-પાટુનો માર માર્યો હતો. જાતિસૂચક અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા.’ ત્યારબાદ આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
જૂનાગઢમાં બનેલી આ ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી, પરંતુ દલિતો પર વધતા જતા અત્યાચારોની આ એક કડી છે. છેલ્લા 20 દિવસમાં દલિત સમાજ પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે.

