- Gujarat
- બોલો હવે સુરતમાં રજનીગંધા અને તુલસી કંપનીના તંબાકુ-પાનમસાલાનું નકલી કારખાનું ઝડપાયું
બોલો હવે સુરતમાં રજનીગંધા અને તુલસી કંપનીના તંબાકુ-પાનમસાલાનું નકલી કારખાનું ઝડપાયું
સુરતમાં સતત નકલી વસ્તુઓની બનાવટ ઝડપાઇ રહી છે. ક્યારેક નકલી અધિકારી ઝડપાય છે, તો ક્યારેક નકલી ઘી. ક્યારેક નકલી સેમપુ બનાવવાની ફેક્ટરી ઝડપાય છે તો ક્યારેક અન્ય નકલી વસ્તુઓનું. હવે વધુ એક વખત આવી જ ઘટના સામે આવી છે, જ્યાં નકલી તંબાકુ-પાનમસાલા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી અને એ પણ પ્રખ્યાત કંપનીઓના નામે. ચાલો તો આગળ જાણીએ કે શું છે આખો મામલો.
સુરતમાં નકલી પાન-મસાલા બનાવવાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન-મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લીકેટ પાઉચ બનાવી બજારમાં બેચવામાં આવતા હતા. હેરાનીની વાત તો એ છે કે આ ફેક્ટરી માત્ર રાત્રિના સમયે જ ધમધમતી હતી. પોલીસે એક યુવકને કસ્ટડીમાં લીધો છે. સાથે જ પાન-મસાલા બનાવવા માટેના 10 લાખના કાચામાલ પણ જપ્ત કર્યો છે. નકલી પાન-મસાલામાં બ્રાન્ડેડ પાનમસાલા જેવી જ સ્મેલ આવે તે માટે એસેન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ડાયમંડનગરમાં કળથીયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં લસકાણા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિ.ના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા. આ કંપનીને તુલસી, રજનીગંધા કંપની દ્વારા ઈન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી. જેનું કામ તુલસી, રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશનને પકડવાનું હતું. આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી.
ડાયમંડનગરમાં તેમની કંપનીના બનાવટી પાન-મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતા પોલીસના કાન ઊભા થઈ ગયા હતા અને તે દોડતી થઈ હતી. પોલીસની મહેનત પણ રંગ લાવી અને અંતે આ નકલી પાન-મસાલા બનાવતુ કારખાનું પકડાઈ ગયું. પોલીસે અહીં રેડ કરીને 5.4 કિલોગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગોવેશિયમ કાર્બોનેટ પાઉડર, 215 કીલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો મોટો જપ્ત કર્યો હતો. આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન-મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરી ભેસરફાલ (હાલ રહે. રાજહંસ વિંગ, પાલનપોર કેનાલર રોડ, મૂળ રહે. ઘરાણાગામ, ભચાઉ)ની ધરપકડ કરી હતી. પોલીસે રમેશની પુછપરછ કરતા તેણે કહ્યું હતું કે, આ કારખાનું જયેશ પડસાળાનું છે અને તે તેમના માટે માલ સપ્લાય કરવાનું કામ કરે છે. ત્યારબાદ જયેશ પડસાળા (રહે. મોટા વરાછા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કંપનીના ધ્યાને આવ્યું હતું કે તેમની પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચાઇ રહી છે. પોતાની જાણબહાર જ આ બંને ગુટખા પ્રોડક્ટ વેચનાર શખ્સો ઠગ હતા, પરંતુ તેમને શોધવા મુશ્કેલ હતા. એવામાં કંપનીના માણસોએ મોટા પાયે ઓનલાઇન ઓર્ડર મગાવ્યો હતો. પેમેન્ટ ગેટવે અને બીજી વિગતોને આધારે મહામહેનતથી સુરતનું સરનામું શોધી કાઢ્યું હતું.
દરેક કંપની પોત-પોતાના પાન-મસાલા માટે અલગ-અલગ ફલેવરનો એસેન્સ સામેલ કરે છે. જયેશ પડસાળા પણ આ વાતો ધ્યાનમાં રાખતો હતો. જે કંપનીના બનાવટી પાનમસાલા બનાવવા હોય તેમાં વપરાતા એસેન્સની પણ ખબર હતી. પોલીસે 6 કિલોથી વધુનો ફલેવર એસેન્સ કબજે કર્યો હતો. પોલીસની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ પડસાળાએ પોતાની પાન મસાલાની બ્રાન્ડ નાઇન્થ રોકને રજીસ્ટર્ડ કરાવી આ નાનકડી દુકાન 6 મહિના અગાઉ તેના ઉત્પાદન માટે ભાડે રાખી હતી. જોકે, તે પોતાની બ્રાન્ડના ઉત્પાદનની આડમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલા બનાવતો હતો. કોઈને શંકા ન જાય તે માટે તે રાત્રે જ કારખાનું ચલાવતો હતો.
આ અગાઉ જુલાઈમાં પણ સુરતમાં તંબાકુ બનાવવાનું નકલી કારખાનું ઝડપાયું હતું. વરાછાના લંબે હનુમાન રોડ તિરુપતીનગર સોસાયટીના એક મકાનમાં જાણીતી બ્રાન્ડનું ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું હતું. અહીથી 15,100 પેકેટ, 61 કિલો તમાકુ સહિત મુદ્દામાલ સાથે સાવરકુંડલાના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી.

