ભાવનગરમાં એવું શું થયું કે સુરતના પાટીદારો 30 કારોના કાફલા સાથે દેવળિયા રવાના થયા?
ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાના પડઘા દૂર-દૂર સુધી પડ્યા છે, જેના પરિણામે ખેડૂત પરિવારને નૈતિક ટેકો આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સુરતમાં રહેતા અને સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદાર સહિતના લોકોમાં આ ઘટનાને કારણે દુઃખની લાગણી ફેલાઈ છે. પરિણામે, ખેડૂત દંપતિને અને સમગ્ર ગામને હૂંફ અને આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરતના પાટીદારો મેદાનમાં આવ્યા છે.
આ મામલે ફરી એક વખત સુરતમાં પાટીદારો ભેગા થયા હતા અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતથી 30 કારનો કાફલો લઈને પાટીદારોનું એક મોટું જૂથ મોડી રાત્રે દેવળીયા ખાતે રવાના થયું હતું. સવારે દેવળિયા ગામ પહોંચીને પીડિત પરિવારને સાંત્વના આપશે અને બપોર બાદ લોક સંવાદ યોજાશે. જેમાં પોલીસ અધિકારી પણ ખેડૂતોને મળશે.
આ ગંભીર પરિસ્થિતિ અને ખેડૂતોની સુરક્ષાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આગામી આજે બપોરે 3:30 કલાકે દેવળીયા ગામમાં એક વિશેષ ‘લોક સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં સમરસતાની ભાવના જળવાઈ રહે અને ગ્રામીણ જીવન જીવંત રહે તેવા ઉમદા હેતુથી આ ‘ખેડૂત લોક સંવાદ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંવાદ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે, જેઓ હુમલાનો ભોગ બનેલા ખેડૂત પરિવારને અને ગામના લોકોને કાયદાકીય સુરક્ષા અને વહીવટી તંત્ર તરફથી સાંત્વના અને ખાતરી આપશે.
દેવળીયા ગામની આજુબાજુના ગામના લોકો પણ આ સંવાદમાં મોટી સંખ્યામાં હાજરી આપવાના છે, આ ‘લોક સંવાદ’ દ્વારા ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરીને ખેડૂત સુરક્ષા અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, અનેક વખત આવી ઘટનાઓ દિવાળી પછી છેલ્લા એક મહિનાની અંદર બની છે. ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓને જીવંત કરવાના પ્રયાસના ભાગરૂપે જનક્રાંતિ માટે અને ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે અમે અહીંયાથી 30 જેટલી ગાડીઓ જે દેવળીયા ગામની અંદર ઘટના બની છે એની અંદર લોકોને આજુબાજુના લોકોને હૂંફ પૂરી પાડવા અને પોલીસ પ્રશાસન પણ આટલો અમને સહયોગ આપી રહી છે.
સવારમાં ત્યાં દેવળીયા ગામની અંદર પરિવારને મળી અને પરિવારને હૂંફ પૂરી પાડશું અને બપોર બાદ 3:30 ના સમયે આજુબાજુના ગામના, તાલુકાના લોકો અને ખેડૂતો એક સાથે ભેગા મળે અને ખેડૂતોને જે પજવણી કરતા લોકો છે, જે લુખ્ખાઓ છે, જે ગામની જે વ્યવસ્થા બગાડી રહ્યા છે એવા લોકોને ડામવા માટે અને ગામડાઓની અંદર સમરસતા જળવાઈ રહે, ગામડાના લોકોમાં એક ભાવ પ્રગટ થાય એવી વાત કરવા માટે અને ગામના લોકોને હૂંફ પૂરી પાડીશું.
શું છે આખો મામલો?
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવાર સાથે ઘરે હતા. ત્યારે તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવ્યા અને અડધા પ્લોટની માગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી. જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી રાખી છે, એટલે અડધા પ્લોટની માગણી ન સ્વીકારી, જેના કારણે ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાય ગયા અને લાફો મારી દીધો અને ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો ભાંડી હતી.
તેની સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઇ ગમારા, માતર રામાભાઇ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઇ ગમારાનો મોટો દીકરો, વિરમભાઈ ખેંગાભાઇ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ઘણ વડે દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ સાથે જઈને ફરિયાદ નોંધાવી હતી.

