- Gujarat
- ગંભીરા બ્રિજ: ટ્રક હજુ લટકે છે, ડ્રાઈવર-માલિકની વ્યથા, મહિને લાખનો હપ્તો છે, અધિકારીઓ ખો દીધા કરે છે...
ગંભીરા બ્રિજ: ટ્રક હજુ લટકે છે, ડ્રાઈવર-માલિકની વ્યથા, મહિને લાખનો હપ્તો છે, અધિકારીઓ ખો દીધા કરે છે
વડોદરા-આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ 9 જુલાઈએ તૂટી પડતાં ત્રણ ટ્રક સહિત અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 21 લોકોનાં મોત થયા હતા. આ ઘટના વચ્ચે જીવતા બચી ગયેલા એકમાત્ર ડ્રાઈવર રવિન્દ્રકુમાર અને ટેન્કરના માલિક રામાશંકર પાલ સાથે મીડિયાએ વાત કરી.
ટેન્કર ડ્રાઈવર રવિન્દ્રકુમારે જણાવ્યું કે, “હું અમદાવાદથી ટેન્કર ખાલી કરી દહેજ તરફ જઈ રહ્યો હતો. બ્રિજ પર ટ્રાફિક હતો. અચાનક બ્રિજ તૂટી પડ્યો અને સામેથી આવતા ટેન્કર સાથે ટક્કર બાદ મારી ગાડી પણ થોડાક ફૂટ નીચે ખસડી ગઈ. હું તરત કૂદીને બહાર આવ્યો.”
દૃશ્યનું વર્ણન કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, “બે સેકન્ડમાં બધું થઈ ગયું. ત્રણથી ચાર ગાડીઓ જોઈ શકાઈ જેમાંથી કેટલીક ઇકો અને મોટા વાહનો હતા. મેં લોકો પાસે ફોન માગ્યો, પણ કોઈએ ન આપ્યો. બધાં વીડિયો બનાવી રહ્યાં હતાં. આખરે મારી કંપનીના માલિકને મેં જાણ કરી.”
ચાલું ટેન્કરને અમે બંને જણા હિંમત રાખીને અડધો કલાક પછી બંધ કરવા નજીક ગયા. બે-ત્રણ કલાક પછી પરિવાર સાથે સંપર્ક થયો, પરિવારને ખબર પડી ગઈ હતી કે હું ગાડી ચલાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને સમાચારના માધ્યમથી થઈ હતી.મેં પરિવારને આ ઘટના વિશે પોલિસ ચોકી ગયા બાદ જાણ કરી.
શિવમ રોડલાઈન્સના માલિક રામાશંકર પાલે જણાવ્યું કે, દુર્ઘટનાના દસ દિવસ બાદ પણ તેમનું ટેન્કર બ્રિજ પર જોખમભરી સ્થિતિમાં લટકી રહ્યું છે. આણંદ સરકારી કચેરીના અધિકારીઓ વડોદરા પર ઢોળી રહ્યા છે અને વડોદરાના અધિકારીઓ આણંદ પર ઢોળી રહ્યા છે. ધક્કા ખાઈને અમે થાકી ગયા છીએ.
રામાશંકરે કહ્યું- એક અધિકારી કહે છે, હેલિકોપ્ટરથી ટ્રક ખસેડવામાં આવે તેવી રજૂઆત પણ આર્મીને કરી પરંતુ કોઈ શક્યતા નથી કે ટ્રક હમણાં ત્યાંથી ખસેડાય. તો બીજા અધિકારીએ કહ્યું કે તમારા ટ્રકના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે.
તેમણે ઉમેર્યું કે, “મારા પર 45 લાખની લોન છે અને દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો ભરવો પડે છે. ટ્રક ન ચાલે તો હપ્તા ક્યાંથી ભરાય? કચેરીઓમાં રજૂઆત કરી પણ જવાબ નથી મળ્યો. હવે કલેક્ટરે સોમવારે મળવાની આશા આપી છે.”
રામાશંકર કહે છે, “એક અધિકારીએ તો કહ્યું કે હવે નવો બ્રિજ બનશે ત્યારે જ તમારું ટેન્કર બહાર આવશે. બીજાએ તો કહ્યું કે આ દુર્ઘટનાનું કારણ તમારું જ ટ્રક છે. હેલિકોપ્ટર દ્વારા ખસેડવાની વાત પણ થઈ હતી, પણ અમલ થયો નહીં.”
ટ્રક ડ્રાઈવર રવિન્દ્રકુમાર અને માલિક બંનેએ તંત્રને વિનંતી કરી છે કે ટેન્કરને ઝડપથી બહાર કાઢવામાં આવે જેથી તેમનો ધંધો ફરી શરૂ થઈ શકે. “ભગવાનનો આભાર છે કે હું બચી ગયો, પણ હવે જીવન ફરી પાછું પામવા માટે અમારી ગાડી નીકળવી જોઈએ”.

