- Gujarat
- સફરજન ખાવાથી કેવું જોખમ? રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ શું કહી દીધું? ગાયનો કર્યો ઉલ્લેખ
સફરજન ખાવાથી કેવું જોખમ? રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ શું કહી દીધું? ગાયનો કર્યો ઉલ્લેખ
‘અન એપલ અ ડે કિપ્સ ધ ડૉક્ટર અવે..’, આ વાક્ય તમે કદાચ વારંવાર સાંભળ્યું હશે, કારણ કે સફરજન ફાઇબર, વિટામિન C અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે પાચન, રોગપ્રતિકારક શક્તિ અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. આટલું જ નહીં તે વજન નિયંત્રણ, બ્લડ સુગર મેનેજમેન્ટ, ડાયાબિટીસ અને જૂની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ, સફરજનના બગીચાઓમાં જંતુનાશકોના ઉપયોગથી ચિંતા વધી છે. તાજેતરમાં, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ એક અહેવાલ લખ્યો હતો કે, કાશ્મીરમાં સફરજનના બગીચામાં કામ કરનારા લોકો દ્વારા દિવસમાં ઘણી વખત સતત રાસાયણિક છંટકાવ કરવાથી ટ્યૂમર વધી રહી છે. શ્રીનગરના આ અહેવાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ ચોંકાવી દીધા છે.
આચાર્ય દેવવ્રતે ફેસબુક પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ શેર કરતા લખ્યું કે, ‘એક સફરજન રોજ સ્વાસ્થ્ય માટે, પરંતુ શું અખરેખર સાચું છે?’ તાજેતરમાં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલમાં કાશ્મીરના સફરજનના બગીચાઓમાં વધુ પડતા જંતુનાશકોના ઉપયોગના વિનાશક પરિણામોનો પર્દાફાશ કર્યો છે. આ સમાચાર આપણા બધા માટે એક ગંભીર ચેતવણી છે. અ અહેવાલમાં જણાવાયું છે કે રસાયણોના સતત સંપર્કમાં રહેવાથી ખેડૂતો અને શ્રમિકોમાં ટ્યૂમરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.’
આચાર્ય દેવવ્રતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘વધુ પડતા જંતુનાશકોના ઉપયોગથી ન માત્ર ફળો ઝેરી થઈ રહ્યા, પરંતુ માનવ રક્તમાં રાસાયણિક અવશેષ ભળી રહ્યા છે, જેના કારણે સ્થૂળતા, કિડનીને નુકસાન અને ચયાપચયની સમસ્યાઓ થાય છે. આ ઘાતક પરિણામોથી બચવાનો એકમાત્ર સુરક્ષિ રસ્તો ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’ છે. પ્રાકૃતિક ખેતી ન માત્ર આપણી ધરતી માતા અને પર્યાવરણને બચાવે છે, પરંતુ ખેડૂતોને ઝેરી રસાયણોના સંપર્કમાં આવવાથી પણ બચાવે છે. તે ગ્રાહકોને શુદ્ધ, પૌષ્ટિક અને રાસાયણિક મુક્ત આહાર સુનિશ્ચિત કરે છે. તે ખેતીનો ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવકમાં વધારો કરે છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લખ્યું છે કે, આજે સમયની માંગ છે કે આપણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ ફરીએ. સ્વસ્થ નાગરિક જ સ્વસ્થ અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. ચાલો આપણે ઝેરમુક્ત ખેતી અને રોગમુક્ત ભારત માટેના આ મહાન અભિયાનનો ભાગ બનીએ. ઉલ્લેખનીય છે કે આચાર્ય દેવવ્રત, જે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલની વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે, તેઓ મૂળ હરિયાણાના રહેવાસી છે. રાજ્યપાલ બનતા પહેલા, તેઓ કુરુક્ષેત્રમાં એક ગુરુકુળના આચાર્ય હતા. તાજેતરના વર્ષોમાં આચાર્ય દેવવ્રત ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે ગુજરાતના હજારો ખેડૂતોને કુદરતી ખેતી સાથે જોડ્યા છે. હવે, તેમણે જંતુનાશકોના ઉપયોગને કારણે સફરજનના ઉત્પાદનમાં ઘટાડો અને સફરજન ઉગાડનારાઓના સ્વાસ્થ્ય પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

