- World
- ટ્રુડો અને કેટી પેરીના ખુલ્લેઆમ રોમાંસ પર પૂર્વ પત્નીએ દુઃખ છુપાવતા કહ્યું, 'હું પણ માણસ છું, તેની મ...
ટ્રુડો અને કેટી પેરીના ખુલ્લેઆમ રોમાંસ પર પૂર્વ પત્નીએ દુઃખ છુપાવતા કહ્યું, 'હું પણ માણસ છું, તેની મારા પર અસર થાય છે...'
કેનેડાના ભૂતપૂર્વ PM જસ્ટિન ટ્રુડો તાજેતરમાં તેમના અંગત જીવનને કારણે સમાચારમાં છવાયેલા રહ્યા છે. અમેરિકન પોપ સેન્સેશન કેટી પેરી સાથેના તેમના રોમેન્ટિક ફોટા વાયરલ થયા હતા, જેમાં તેઓ કેલિફોર્નિયામાં એક યાટ પર કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યાર પછી પણ તેઓ ઘણી વખત હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા હતા. ટ્રુડોની ભૂતપૂર્વ પત્ની, સોફી ગ્રેગોઇરે, હવે તેમના જાહેર જીવન અને ટ્રુડો સાથેના તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.
સોફી તાજેતરમાં 'આર્લીન ઇઝ અલોન' પોડકાસ્ટ પર દેખાઈ હતી. આ દરમિયાન પોગ્રામના હોસ્ટ આર્લીન ડિકિન્સને ટ્રુડો અને કેટી પેરીના ડેટિંગની અફવાઓનો ઉલ્લેખ કર્યો હતો.
હોસ્ટે ગ્રેગોઇરની પ્રશંસા કરતા કહ્યું કે, 50 વર્ષની ઉંમરે પણ તે હજુ ઘણી શાંત છે, કારણ કે તે ટ્રુડો અને કેટી પેરીના સંબંધો પર સકારાત્મક પ્રતિક્રિયા આપી રહી છે.
જવાબમાં, ગ્રેગોઇરે કહ્યું, 'જુઓ, અમે માણસ છીએ, અને આ પ્રકારની વસ્તુઓની અમારા પર અસર થાય છે. તે બિલકુલ સામાન્ય છે. તમે તેની કેવી રીતે પ્રતિક્રિયા આપો છો તે તમારો નિર્ણય છે. તેથી હું અવાજ કરવા કરતાં સંગીત પસંદ કરી રહી છું.'
ગ્રેગોઇર અને ટ્રુડોએ ઓગસ્ટ 2023માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. તેઓએ 2005માં લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો છે, ઝેવિયર, એલા-ગ્રેસ અને હેડ્રિયન.
સપ્ટેમ્બરમાં, ટ્રુડો અને પેરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે એક યાટ પર ગળે લગાવતા જોવા મળ્યા. તેમના ઘણા ફોટા વાયરલ થયા, જેમાં એકમાં તેઓ કિસ કરતા જોવા મળ્યા. ત્યાર પછી, ઓક્ટોબરમાં, પેરીના જન્મદિવસ દરમિયાન, તેઓ પેરિસમાં ક્રેઝી હોર્સ કેબરેની બહાર હાથમાં હાથ પકડીને ચાલતા જોવા મળ્યા.
ગ્રેગોઇરે કહ્યું કે તે, 'તે ખૂબ જ સારી રીતે જાણે છે કે જાહેરમાં ફેલાયેલી ઘણી બાબતો ભડકાઉ બની શકે છે. હું તેની સાથે શું કરું છું, તે મારો નિર્ણય છે. આ સમગ્ર મામલા દરમિયાન હું કેવા પ્રકારની સ્ત્રી બનવા માંગુ છું તે પણ મારો નિર્ણય છે.'
જોકે, આનો અર્થ એ નથી કે ટ્રુડોની ભૂતપૂર્વ પત્નીને પેરી અને ટ્રુડોને એકસાથે જોવાથી કંઈ થતું ન હોય.
ગ્રેગોઇર કહે છે, 'હું મારી જાતને આ આખી પરિસ્થિતિથી નિરાશ થવા દઈશ, ગુસ્સે થવા દઈશ અને ઉદાસ થવા દઈશ. અને માનસિક સ્વાસ્થ્યના હિમાયતી તરીકે, હું સંપૂર્ણપણે વાકેફ છું કે આ લાગણીઓ અનુભવવી કેટલી મહત્વપૂર્ણ છે.'
પોડકાસ્ટ દરમિયાન જ્યારે હોસ્ટે તેને 'સિંગલ મોમ' તરીકે ઓળખાવી, ત્યારે ગ્રેગોઇરે વાંધો ઉઠાવતા કહ્યું, 'હું બિલકુલ સિંગલ મધર નથી. મારા બાળકોના પિતા એવા છે જે તેમને ખૂબ પ્રેમ કરે છે અને તેમના માટે સમય કાઢે છે.'

