- Gujarat
- ‘કોમી-એકતા જાળવવી હોય તો સલમાન..’, નવરાત્રિ માટે હિન્દુ સંગઠનોએ જાહેર કર્યા નિયમો
‘કોમી-એકતા જાળવવી હોય તો સલમાન..’, નવરાત્રિ માટે હિન્દુ સંગઠનોએ જાહેર કર્યા નિયમો
ગણેશ ચતુર્થી બાદ આગામી મહિને નવરાત્રીનો પર્વ પણ આવી રહ્યો છે. ત્યારે અલગ-અલગ હિન્દુ સંગઠનો હિન્દુ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક્ટિવ થઇ ગયા છે. સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ખાસ પગલાં ઉઠાવવાની જાહેરાત કરી છે, જેમાં ગરબા ગ્રાઉન્ડમાં ‘સરપ્રાઈઝ ચેકિંગ’ અને હેલ્પલાઈન નંબરની શરૂઆત સામેલ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે હેલ્પલાઈન નંબર પર ફોન કરવામાં આવશે તો પોલીસ પહેલા સંગઠનના કાર્યકર્તા પહોંચી જશે.
સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલે કહ્યું કે, નવરાત્રી માતાજીની આરાધનાનો પર્વ છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો અને નોન-હિન્દુઓ હિન્દુ બહેન-દીકરીઓને લવ-જિહાદમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. તેને રોકવા માટે, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા આ વર્ષે અલગ રીતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. લગભગ 100 જેટલા પુરુષ અને મહિલા કાર્યકર્તા પરંપરાગત પોશાક પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં જઈને દેખરેખ રાખશે. જો કોઈ અસામાજિક તત્વ કે નોન-હિન્દુ, દીકરીઓની છેડતી કરતો દેખાશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
VHP અને બજરંગ દળે હિન્દુ દીકરીઓની સુરક્ષા માટે એક હેલ્પલાઈન નંબર 9023015790 જાહેર કર્યો છે, જે 24X7 કાર્યરત રહેશે. જય પટેલે કહ્યું કે, જો કોઈ બહેન-દીકરીને કોઈ વિધર્મી હેરાન કરતો હોય તો તેઓ આ નંબર પર ફોન કરીને જાણ કરી શકે છે. તેમણે ખાતરી આપી કે પોલીસ કરતા પહેલા તેમના કાર્યકર્તા ઘટનાસ્થળે પહોંચી જશે અને કાયદો-વ્યવસ્થા જાળવીને એ વ્યક્તિને પાઠ ભણાવી પોલીસને સોંપવામાં આવશે. અમે નથી ઈચ્છતા કે અમારી બહેન-દીકરીઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને, જેમ કે બળાત્કાર થાય અથવા તેમના શરીરના 35 ટુકડા મળી આવે.
સંગઠનોએ ગરબાના આયોજકોને પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. સાથે જ તેમને નોન હિન્દૂ બાઉન્સર્સ કે સંગીતકારોને બૂક ન કરવા અપીલ કરી છે. જય પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત, આયોજકોને ગરબા ગ્રાઉન્ડમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવા, પ્રવેશ કરનાર ખેલૈયાઓના કપાળ પર તિલક કરવા, ગૌમૂત્રનો છંટકાવ કરવા અને આધારકાર્ડ ચેક કરવા જેવી સલાહ પણ આપવામાં આવી છે. કલાકારોને પણ ટૂંકા વસ્ત્રો ન પહેરીને ભારતીય સંસ્કૃતિનું સન્માન જાળવવા વિનંતી કરવામાં આવી છે.
જય પટેલે કહ્યું કે અમને સર અબ્દુલ કલામ જેવા લોકોથી કોઈ આપત્તિ નથી, પરંતુ કસાબ જેવી વિચારધારા ધરાવતા લોકોથી આપત્તિ છે. જો ખરેખર કોમી એકતા જાળવવી હોય તો સલમાન પોતાની પત્ની સલમાને સાથે લઈને ગરબા રમવા આવે, તો અમે તેમનું સ્વાગત કરીશું. જો નોન-હિન્દુઓને કોમી એકતામાં રસ હોય તો તેઓ તેમના ધર્મસ્થાને ગરબાનું આયોજન કરે.

