- Gujarat
- સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું
સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું
થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ ગ્રુપ તરીકે ઓળખાતી હતી. આ મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર પર અચાનક ઇન્કમટેક્સની ડીડીઆઇ વિંગે સૂરતમાં દરોડો પાડતા સોપો પડી ગયો છે. સરકારે અગાઉ આ ગેંગના સાગરિતોને શાંત કરી દીધા હતા. જોકે, સવાલો ઊભા થઇ રહ્યા છે કે શું મહાકાલ ગેંગનું હજુ પણ અસ્તિત્વ છે કે પછી તેની ઉપર આ છેલ્લો ઘા છે. શું તમામ સભ્યોને હવે નેસ્તાનબૂદ કરી દેવાશે.
સૂરતમાં જમીનોના ભાવો આસમાને જતા સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ 5 વર્ષ પહેલા 30 લોકોની એક ગેંગ બનાવી હતી. દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવાયું હતું કે આ ગેંગમાં 10 ભૂમાફિયા, 4 પત્રકાર, 2 ગેંગસ્ટર ઉપરાંત રાજકારણીઓ, વકીલ અને સીએ પણ જોડાયેલા હતા. આ ગેંગનો સૂરતમાં મોટો ત્રાસ ઊભો થયો હતો. ઉદ્યોગપતિઓ ત્રાહિમામ થઇ ગયા હતા. ત્યારે આખી વાત છેક વડાપ્રધાન સુધી પહોંચી હતી. ત્યારબાદ પગલા લેવાયા હતા. જોકે, ગેંગ તો સમય જતા વિખેરાઇ ગઇ પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત ધોરણે કામ કરતા હતા. તેમને ઉપરથી સપોર્ટ પણ મળતો હતો. કહેવાય છે કે આ ગેંગેના કેટલાક સાગરિતોએ ફરી માથું ઉચકવાનો પ્રયાસ કર્યો. મુખ્ય સાગરિતે 6 તો લકઝરી કારો ખરીદી હતી. આઇટીના દરોડામાં લગભગ 1.3 કરોડની કેશ અને કારો ઉપરાંત ઘણા દસ્તાવેજો જપ્ત કરાયા છે. બુધવારે સવારથી જ આઇટીની ટીમે જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડા પછી મહાકાલ ગ્રુપના બીજા સાગરિતોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. ધીરે ધીરે તેમના વિશે ઘણી બધી માહિતીઓ બહાર આવી રહી છે. તેમના કૌભાંડો વિશેની માહિતી આગામી સમયમાં વધુમાં વધુ બહાર આવી રહી છે.

