- Gujarat
- ગુજરાત માટે 72 કલાક ભારે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત માટે 72 કલાક ભારે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં વરસાદી માહોલ હવે વધુ તીવ્ર બનવા જઈ રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 7થી 9 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ પરિસ્થિતિને તેમણે “મેઘ તાંડવ” તરીકે સંબોધી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈને મજબૂત બની છે અને દક્ષિણ રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં સક્રિય છે. અરબ સાગર સુધી ફેલાયેલા શિયર ઝોનમાંથી પૂરતો ભેજ મળતા સિસ્ટમ વધુ પ્રબળ બની છે, જેના કારણે આવતા ત્રણ દિવસ વરસાદી માહોલ ચાલુ રહેશે.
કયા વિસ્તારોમાં કેટલો વરસાદ?
ઉત્તર ગુજરાત:
પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી (પશ્ચિમ), વાવ, થરાદ, દિયોદર, લાખણી, સમી જેવા વિસ્તારોમાં 5 થી 10 ઇંચ વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ 10 ઇંચથી વધુ વરસાદ પણ થઈ શકે છે.
કચ્છ:
આ સિઝનનો સૌથી ભારે વરસાદ કચ્છમાં નોંધાઈ શકે છે. 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થશે. ખાસ કરીને રાપર, ખડીર અને વાગડ વિસ્તારમાં 2 થી 5 ઇંચ, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્ર:
મોરબી અને સુરેન્દ્રનગર જેવા ઓછો વરસાદ મેળવનારા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે. દ્વારકા, જામનગર અને પોરબંદરમાં 10 થી 12 ઇંચ અથવા તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. રાજકોટ-બોટાદમાં 1 થી 3 ઇંચ, જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં 3 થી 5 ઇંચ વરસાદ થશે. અમુક સ્થળોએ 5 થી 10 ઇંચ સુધી પણ થઈ શકે છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત:
અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા અને કપડવંજમાં 2 થી 5 ઇંચ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા, ભરૂચ, નર્મદા અને તાપીમાં મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે.
સાવચેતીની અપીલ
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદ દરમિયાન ગાજવીજ અને તેજ પવનનું પ્રમાણ વધુ રહેશે. આવી સ્થિતિમાં લોકોને બહાર નીકળવાનું ટાળવા, અને વૃક્ષ, વીજપોલ નીચે ઊભા ન રહેવા અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસવા વિનંતી કરવામાં આવી છે. તેમણે માછીમારો અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા પણ ચેતવણી આપી છે, કારણ કે અરબ સાગરમાં કરંટ વધારે છે.

