- Gujarat
- હવે ખાનગી શાળાઓ એક પણ રૂપિયો વધારે નહીં લઇ શકે! FRCએ જાહેર કરી ઓનલાઈન ફી; તમે પણ આ ચેક કરી શકો છો
હવે ખાનગી શાળાઓ એક પણ રૂપિયો વધારે નહીં લઇ શકે! FRCએ જાહેર કરી ઓનલાઈન ફી; તમે પણ આ ચેક કરી શકો છો
ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાઓ FRCએ નક્કી કરેલી ફીને બદલે વાલીઓ પાસેથી વધારે ફી ઉઘરાવવાની ફરિયાદો ઘણી વખત સામે આવતી રહે છે ત્યારે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે સમગ્ર ગુજરાતની 5780 ખાનગી શાળાઓની સત્તાવાર રીતે નક્કી કરવામાં આવેલી ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી શાળા ફીનો આદેશ છુપાવી નહીં શકે અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે.
આ રીતે ચેક કરો ફીની વિગત:
કોઈ પણ ખાનગી શાળાની ફી જોવા માટે સૌપ્રથમ FRCની સત્તાવાર વેબસાઇટ https://www.frcgujarat.org/ પર જાવ.
ત્યારબાદ તેમાં Know Fee Structure પેજ ખુલશે તેમાં જિલ્લો, મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ અને મીડિયમ સિલેક્ટ કરો અને એન્ટર કરશો એટલે સ્કૂલના નામ અને ફીની વિગતનું પેજ ખુલશે.
તમે સીધુંશાળાનું નામ લખીને પણ સર્ચ કરી શકો છો.
નવા આદેશમાં ટર્મ ફી કે એડમિશન ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી. તાજેતરના સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ નિયમો વધુ કડક બન્યા છે અને હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદેસર ગણાશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે નવા આદેશ મુજબ નિયત ફી સિવાય એક પણ રૂપિયા વસૂલવાની મંજૂરી નથી. જેના કારણે વધારાની ફી લેવાના તમામ રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે.
અમદાવાદ ઝોનની વાત કરીએ તો શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં FRC અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.
અગાઉ શાળાને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના આપવામાં આવી હોવા છતા ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું. પરિણામે વાલીઓ અજાણ રહેતા. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતા વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ શાળા નિયત ફી કરતા વધારે રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.

