- Gujarat
- PM મોદીના રોડ શૉમાં હાથમાં આરતીની થાળી અને આંખમાં આંસુ સાથે વિલાસબાએ કહ્યું- 'ઘેરબેઠા ભગવાન આવ્યા'
PM મોદીના રોડ શૉમાં હાથમાં આરતીની થાળી અને આંખમાં આંસુ સાથે વિલાસબાએ કહ્યું- 'ઘેરબેઠા ભગવાન આવ્યા'
સોમવારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના નિકોલમાં પહેલા રસ્તા પર અને પછી સભામાં ભારે જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકોમાં ભારે તાલાવેલી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહનાની એક તસવીરે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક મહિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તેમની આરતી ઉતારતી-ઉતારતી ભાવુક થઈ ગઈ અને ત્યારબાદ રડી પડી હતી. આ હૃદયસ્પર્શી ઘટનાએ બધાના દિલ જીતી લીધા હતા.
વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ આ તસવીર શેર કરવામાં આવી છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ, આ મહિલાનું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે. અમદાવાદના નિકોલમાં પતિ અને પુત્ર-પુત્રી સાથે રહે છે. વિલાસબા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ફેન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નિકોલમાં રોડ શૉ કરી રહ્યા હતા, ત્યારે વિલાસબા આરતીની થાળી લઈ ગયા હતા અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી. આ જોઈને વડાપ્રધાન મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ, વિલાસબા સિસોદિયાએ જણાવ્યું હતું કે, ‘તેના માટે મોદીજી પોતાના માતા-પિતા બાદ સૌથી પૂજનીય છે. મારા ઈષ્ટદેવ ભોળાનાથ છે અને હું તેમને ખૂબ જ માનું છું. હું મારા ભોળાનાથની જગ્યાએ મોદી સાહેબને રાખું છું. મને આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, ઘરે બેઠાં ભગવાન આવ્યા છે. હું ખરેખર ખૂબ જ ખુશ છું. આ લાગણીને શબ્દોમાં વર્ણાવવી ખૂબ જ મુશ્કેલ છે. આ દરમિયાન વિલાસબાએ 1984ની રમખાણો અને કર્ફ્યુના સમયને યાદ કરતા કહ્યું કે, તે સમયે સ્વતંત્રતા નહોતી. તેના પિતા જ્યારે સાંજે ઘરે પાછા ફરતા, ત્યારે જ શાંતિ થતી હતી. પરંતુ, આજે મોદીજીના કારણે આપણે બધા સ્વતંત્રતાપૂર્વક ફરી શકીએ છીએ, આપણા બાળકો અને બહેન-દીકરીઓ રાત્રે પણ સુરક્ષિત રીતે બહાર ફરી શકે છે. વિલાસબાએ વધુમાં કહ્યું કે, ‘મારા માટે મોદી સાહેબ સૂર્યદેવતાની જેમ પ્રત્યક્ષ દેવતા છે. જ્યારે મોદીજીએ તેમની સામે જોઈને નમસ્કાર કર્યા, ત્યારે તેને લાગ્યું કે તેનું રોડ પર મકાન લેવાનું સાર્થક થઈ ગયું છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉમાં એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્કેચ લઈને પહોંચ્યો હતો. રોડ શૉ દરમિયાન નજરે પડતા વડાપ્રધાને યુવકની સ્કેચ લેવાનું કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમે યુવક પાસેથી સ્કેચ મેળવ્યો હતો. આ યુવકનું નામ સચિન વિશ્વકર્મા છે. તેણે કહ્યું હતું કે, હું સ્કેચ લઈને આવ્યો હતો. સરે મને બોલાવ્યો હતો. હું અંદરથી ખૂબ જ ખુશ છું. પહેલી વખત સરે મને બોલાવ્યો એ મને ખૂબ જ સારું લાગ્યું. મને એવું લાગતું નહોતું કે સ્કેચ લેશે, પરંતુ તેમણે સ્કેચ લીધી. આ સ્કેચ બનાવતા 4 કલાકનો સમય લાગ્યો હતો. આખી રાત જાગ્યો હતો. 12:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી આ સ્કેચ તૈયાર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ 25 ઓગસ્ટે નરોડા હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શૉ કર્યો હતો. રોડ શૉ પૂરો કરીને તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા અને 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા હતા. ત્યાર બાદ જાહેર સભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના ટેરિફનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું, ‘આજે આપણે દુનિયામાં આર્થિક સ્વાર્થવાળી નીતિઓ જોઈ રહ્યા છીએ. હું લઘુ ઉદ્યમીઓ અને ખેડૂતોને કહીશ કે હું તમને વચન આપું છુ કે, મોદી માટે તમારા હિત સૌથી ઉપર છે. મારી સરકાર લઘુ ઉદ્યમીઓ અને ખેડૂતો, પશુપાલકોને ક્યારેય દુઃખી નહીં થવા દે. દબાવ ભલે ગમે તેટલો આવે, અમે ઝીલવાની પોતાની તાકાત વધારતા જઈશું. આજે આત્મનિર્ભર ભારત અભિયાન ગુજરાતથી ખૂબ ઉર્જા મળી રહી છે.

