- Gujarat
- સુરતની કેએસ ચારકોલ રેસ્ટોરાંના વૉશરૂમમાં મોબાઇલથી રેકોર્ડિંગ કરનારો ઝડપાયો, મોટા ખુલાસા થયા
સુરતની કેએસ ચારકોલ રેસ્ટોરાંના વૉશરૂમમાં મોબાઇલથી રેકોર્ડિંગ કરનારો ઝડપાયો, મોટા ખુલાસા થયા
ઘણી વખત એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે, જ્યારે હૉટેલ રૂમમાં અથવા ગર્લ્સ હૉસ્ટેલના વૉશરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હોય છે. અને લૂખ્ખાતત્વો મહિલાઓના વીડિયો બનાવતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે, જ્યારે એક રેસ્ટોરાંના મહિલા વૉશરૂમની વેન્ટિલેશનની જાળીમાં મોબાઈલ છુપાવેલો હતો. ચાલો તો જાણીએ શું છે આખો મામલો.
સુરતના પિપલોદમાં કેએસ ચારકોલ નામની રેસ્ટોરાંમાં આવેલું છે, જ્યાં એક અત્યંત શરમજનક અને હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરાંના મહિલા વૉશરૂમના વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન રાખીને રેકોર્ડિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે એક સફાઇ કર્મચારીની પણ ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે સામે આવી, જ્યારે રેસ્ટોરાંમાં આવેલી એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા આ સંતાડેલો મોબાઈલ કેમેરો જોઇ કાઢ્યો હતો. ઉમરા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા સુરેન્દ્ર રાણા નામના સફાઈકર્મીની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને તેના ઘરેથી સ્પાય કેમેરાનો અડધો હિસ્સો પણ મળી આવ્યો છે.
આરોપીના મોબાઈલમાં ઘણા આપત્તિજનક વીડિયો અને ગૂગલ હિસ્ટ્રી સામે આવી છે. આ ઘટનાક્રમ ત્યારે સામે આવી જ્યારે કેએસ ચારકોલ રેસ્ટોરાંમાં આવેલી એક મહિલા ગ્રાહક મહિલા વૉશરૂમનો ઉપયોગ કરવા ગઈ હતી. વૉશરૂમમાં દાખલ થતા જ તેની નજર વેન્ટિલેશનની જાળી પર પડી હતી. સામાન્ય રીતે કોઈપણ વૉશરૂમમાં આ પ્રકારની વસ્તુઓ ન હોવાથી તેને શંકા ઊપજી હતી. સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ પર ચડીને જોયું તો મહિલા હેરાન રહી ગઈ. વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન છુપાવીને મૂકવામાં આવ્યો હતો અને તેમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ દૃશ્ય જોતા જ મહિલાએ બૂમાબૂમ કરી હતી, જેના કારણે રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.
મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલાની જાણકારી રેસ્ટોરાંના મેનેજમેન્ટને આપી હતી. મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઉમરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે રેસ્ટોરાંના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી, આ દરમિયાન પુરુષ સફાઈકર્મીઓએ મહિલા વૉશરૂમની સફાઈ કરી હોવાની માહિતી સામે આવતા પોલીસે તમામ સફાઈકર્મીઓની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન એક કર્મચારી પોલીસને જોઈને ત્યાંથી ભાગી ગયો હતો. આ શંકાસ્પદ વ્યવહાર પરથી પોલીસની તેના પર શંકા વધુ ગઈ હતી.
પોલીસે તરત રેસ્ટોરાંના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી. પોલીસને મોબાઈલ ફોનમાં ચાલુ વીડિયો રેકોર્ડિંગની સમય લેન્થના આધારે CCTV ફૂટેજમાં તપાસ કરવામાં સરળતા રહી. રેકોર્ડિંગની લેન્થ પ્રમાણે જે વ્યક્તિ છેલ્લે મહિલા વૉશરૂમમાંથી બહાર નીકળી હતી તે 30 વર્ષીય સફાઈકર્મી સુરેન્દ્ર રાણા હતો. જે મૂળરૂપે ઝારખંડનો રહેવાસી છે CCTV ફૂટેજમાં તે શંકાસ્પદ રીતે હિલચાલ કરતો જોવા મળ્યો. આ પુરાવાના આધારે પોલીસે ભાગી ગયેલા સફાઈકર્મચારી સુરેન્દ્ર રાણાને પકડી પાડ્યો હતો. સુરેન્દ્ર રાણા છેલ્લાં 2 વર્ષથી આ રેસ્ટોરાંમાં સફાઈકર્મી તરીકે નોકરી કરે છે અને તેનો નાનો ભાઈ પણ આજ રેસ્ટોરાંમાં કામ કરે છે.
આ ઉપરાંત પોલીસને સુરેન્દ્ર રાણાના ઘરથી સ્પાય કેમેરાનો અડધો હિસ્સો (પાછળનો હિસ્સો) પણ મળી આવ્યો છે, જોકે કેમેરાનો મુખ્ય ભાગ અત્યાર સુધી પોલીસને મળ્યો નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી ન માત્ર મોબાઈલ ફોનથી, પરંતુ સ્પાય કેમેરાનો પણ ઉપયોગ કરતો હતો. આ સમગ્ર મામલે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ‘આ રેસ્ટોરાંમાં 50થી વધુ કર્મચારીઓ નોકરી કરે છે, જેમાંથી 40 જેટલા પુરુષ કર્મચારીઓ છે. અમે તમામના મોબાઈલની તપાસ કરી છે અને કેટલાક લોકો ઉપર હજુ પણ શંકા છે.
આરોપી સુરેન્દ્ર રાણાના મોબાઈલની ગૂગલ હિસ્ટ્રી ચેક કરતા એમાં અસંખ્ય પોર્ન ફિલ્મો જોવાની વિગતો મળી આવી છે. આ દર્શાવે છે કે આરોપીની માનસિકતા વિકૃત છે અને આ પ્રકારના કૃત્યો તેણે ઇરાદાપૂર્વક કર્યા છે. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલને FSLમાં મોકલવામાં આવશે, જેથી ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે. આ સાથે જ સ્પાય કેમેરાના ગુમ થયેલા હિસ્સાને શોધવા અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલો છે કે કેમ, એ અંગેની પણ તપાસ ચાલુ છે.’
પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપીના મોબાઈલમાંથી 5 વીડિયો મળી આવ્યા છે. આરોપી સીમ કાર્ડ વિનાનો મોબાઈલ વૉશરૂમમાં ગોઠવતો હતો. વીડિયો રેકોર્ડ થયા બાદ અન્ય મોબાઈલમાં ટ્રાંસફર કરતો હતો. ઉમરા પોલીસે મોબાઈલ મુકનાર સફાઈકર્મીની ધરપકડ કરી હતી. પોલીસે વૉશરૂમમાંથી મળેલા મોબાઈલની તપાસ શરૂ કરી હતી. આ ઘટનાએ રેસ્ટોરાં અને અન્ય સાર્વજનિક સ્થળો પર મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે.
ઘટનાની નિંદા કરીએ છીએ અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું : કે ચારકોલ
K’s ચારકોલ માં સામે આવેલી ઘટના બાદ હોટલ પ્રબંધન દ્વારા આ અંગે નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ આ ઘટનાને ખુબજ દુઃખદ અને નિંદનીય ગણાવી છે. હોટલ સંચાલકોએ જણાવ્યું હતું કે જે ઘટના પ્રકાશમાં આવી છે તે અમારા સિધ્ધાંત અને મૂલ્યોની વિરુદ્ધ છે. મહત્વની બાબત એ છે કે મેનેજમેન્ટ, માલિકો અને અમારા પરિવારો પણ આ જ ટોયલેટનો ઉપયોગ કરે છે. અમે સુરત પોલીસને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને ધરપકડ કરાયેલા સ્ટાફ સભ્યની તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું મેનેજમેન્ટ દ્વારા બધા સ્ટાફ સભ્યોની પોલીસ verification કરવામાં આવે છે અને હવે ફરીથી દરેક વ્યક્તિની સંપૂર્ણ તપાસ શરૂ કરી રહ્યા છીએ. જેથી અમારા મહેમાનોને ખાતરી થાય કે અહીં તેઓની સલામતી માટે પૂરતા પગલા લેવામાં આવે છે. એટલું જ નહીં પણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે. અમારા મહેમાનોની પ્રાઇવેસી અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને અમે પહેલા કરતાં વધુ મજબૂત સુરક્ષા પગલાં સાથે તમારો વિશ્વાસ ફરીથી બનાવવાનું વચન આપીએ છીએ.

