- Gujarat
- સુરતના પરિવારે સ્પાઇડર પ્લાન્ટના કુંડા પર બનાવડાવી આમંત્રણ પત્રિકા
સુરતના પરિવારે સ્પાઇડર પ્લાન્ટના કુંડા પર બનાવડાવી આમંત્રણ પત્રિકા
તમે લગ્નની ભાત-ભાતની કંકોત્રીઓ જોઈ હશે, કંકોત્રીઓ લખેલા કેટલાક લખાણો પણ લોકોના ધ્યાન ખેંચી જતાં હોય છે. કેટલાક લોકો ઘટનાઓથી પ્રેરાઇને એ રીતે પ્રિંટિંગ કરાવતા હોય છે. ત્યારે સુરતના એક પરિવારે અનોખી કંકોત્રી બનાવડાવી ચર્ચા મેળવી છે. સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરી વંશિકાના લગ્ન માટે એક અનોખી પહેલ કરી છે. મિતુલ લંકાપતિને મનમાં વિચાર આવ્યો કે લગ્નની કંકોત્રી દ્વારા દરેક સગાં-સંબંધી સુધી પર્યાવરણની જાગૃતિનો સંદેશો પહોંચાડવો.
તેમની પુત્રી વંશિકાના લગ્ન 6 ફેબ્રુઆરી, 2026ના રોજ નિર્ધારિત થયા છે. અને તેમની નિમંત્રણ પત્રિકા કોઈ કાગળ કે કાર્ડ પર નહીં, પરંતુ ઓક્સિજન આપનાર ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છાપવામાં આવ્યો. આ નિર્ણયથી ન માત્ર સમાજ, પરંતુ સમગ્ર સુરતમાં ચર્ચા થઈ રહી છે. જેના લગ્ન થવાના છે અને નવી જિંદગીની શરૂઆત કરવા જઇ રહી છે એવી વંશિકા લંકાપતિએ આ અનોખા વિચાર પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે મારા પિતાએ આ આઈડિયા આપ્યો ત્યારે એ ખૂબ જ યુનિક અને ગમી ગયો હતો. મેં પિતાને કહ્યું કે આપણે કંઈક આવું જ કરવાનું છે. લોકોને પણ ખબર પડે કે ઇકોફ્રેન્ડલી કંકોત્રીની જરૂર છે. આ એન્વાયર્નમેન્ટલ પોર્ટ્સ છે, જે લોકો ઘરે પણ રાખી શકે છે.
તો વંશિકાની માતા પૂનમ લંકાપતિએ અંગે કહ્યું કે જ્યારે તમે ઈકો-ફ્રેન્ડલી ઇન્વિટેશન કોઈને આપો છો, તો લોકોને એક સંદેશ જાય છે કે આવી રીતે તમે પણ કોઈને આમંત્રણ આપી શકો છો. આ આમંત્રણ દ્વારા તેઓ માત્ર દીકરીના લગ્નનો આનંદ જ નથી વહેંચી રહ્યા, પર્તું એક મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપી રહ્યા છે કે ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ અપનાવીને આપણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેની કાળજી લઈ શકીએ છીએ.
મોટા ભાગનાં લગ્નોમાં હજારો કે લાખો રૂપિયા કંકોત્રી પાછળ ખર્ચવામાં આવે છે, જેનો અંતિમ મુકામ કચરો કે પસ્તી હોય છે. લંકાપતિ પરિવારની આ પહેલ આર્થિક વ્યય અને પર્યાવરણનાં નુકસાન સામે એક મજબૂત સંદેશ છે. પર્યાવરણની જાગૃતિ માટે આ પ્રકારની કંકોત્રી દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
આ આમંત્રણ માટે સ્પાઇડર પ્લાન્ટને પસંદ કરવામાં આવ્યો છે, જે એક લોકપ્રિય, સરળતાથી ઊગતો અને ઘરમાં રાખવા માટે ઉત્તમ ઇન્ડોર પ્લાન્ટ છે. આ છોડની ગણતરી હવા શુદ્ધ કરવામાં સૌથી અસરકારક પ્લાન્ટોમાં થાય છે. એ ઘરના વાતાવરણમાં રહેલાં ઝેરી કેમિકલ્સ, જેવાં કે કાર્બન મોનોક્સાઇડ, ઝાઈલિન અને ફોર્માલ્ડિહાઇડને દૂર કરીને ચોખ્ખી હવા પૂરી પાડે છે. આ પ્લાન્ટ મહેમાનોને એક જીવંત ભેટ તરીકે મળશે, જે ઘરમાં ઓક્સિજનનું સ્તર વધારશે, સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે અને સકારાત્મકતા ફેલાવશે. આ રીતે લંકાપતિ પરિવારે આમંત્રણની સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણની કાળજીનો સંદેશ પણ આપ્યો છે.

