- Gujarat
- પ્રેમીએ પ્રેમિકાનો ફોન હેક કરીને કરી જાસૂસી: લગ્ન સંબંધો તોડાવતા કંટાળી યુવતીએ....
પ્રેમીએ પ્રેમિકાનો ફોન હેક કરીને કરી જાસૂસી: લગ્ન સંબંધો તોડાવતા કંટાળી યુવતીએ....
શહેરના બાપુનગર વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાની પૂર્વ પ્રેમિકાનો ફોન હેક કરીને જાસૂસી કરી હતી. સંબંધ તૂટી ગયા પછી પણ યુવકે યુવતીને સતત ધમકાવી, તેના ચારિત્ર્ય વિશે ખોટી વાતો ફેલાવી તેમજ તેના આવનારા લગ્ન સંબંધો તોડી નાખતા કંટાળીને યુવતીએ આખરે પૂર્વ પ્રેમી વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો:
બાપુનગરમાં રહેતી 37 વર્ષીય યુવતી થલતેજની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ફેબ્રુઆરીમાં તેને સોલાના દર્શિલ શાહ સાથે ઓનલાઈન સંપર્ક થયો હતો, જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેઓ લગ્ન કરવાના હતા.
જોકે, સંબંધ દરમિયાન દર્શિલને યુવતી પર શંકા જતાં તેણે ગુપ્ત રીતે યુવતીનો ફોન હેક કરાવી દીધો હતો. આના કારણે યુવતી કોઈની સાથે પણ વાત કરતી તો તેનો સંપૂર્ણ ડેટા દર્શિલ પાસે આવી જતો હતો અને તે તેની જાસૂસી કરતો હતો.
સંબંધ તોડ્યા બાદ ધમકીઓ અને પજવણી:
એક દિવસ પ્રેમિકાને આ વાતની જાણ થતાં બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને યુવતીએ તાત્કાલિક દર્શિલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. સંબંધ તૂટ્યા બાદ દર્શિલે યુવતીને વારંવાર ફોન કરીને સંબંધ રાખવા માટે દબાણ અને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું.
દર્શિલ યુવતીના સંબંધીઓ, પરિવારજનો અને મિત્રોને તેમના ભૂતકાળના સંબંધો વિશે જણાવી દેવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં, તેણે યુવતીના ભાઈને ફોન કરીને તેના ચારિત્ર્ય વિશે ખોટી અને ભ્રામક વાતો પણ કરી દીધી હતી.
લગ્ન સંબંધો તોડી નાખ્યા:
હદ તો ત્યારે થઈ જ્યારે યુવતીના પરિવારે તેના લગ્ન નક્કી કરવાનું શરૂ કર્યું. યુવતી માટે જ્યાં પણ લગ્નના સંબંધો અને માગાં આવતા, ત્યાં આરોપી દર્શિલ તે યુવક અને તેના પરિવારજનોને ફોન કરીને પૂર્વ પ્રેમિકા વિશે ખોટી વાતો ફેલાવતો હતો, જેના કારણે યુવતીના થતા સંબંધો તૂટી જતા હતા.
અનેક વખત યુવતી અને તેના પરિવારજનોએ આરોપી દર્શિલને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તે ન સમજતાં, આખરે કંટાળીને યુવતીએ દર્શિલ વિરુદ્ધ બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

