- Gujarat
- 16 વૃક્ષપ્રેમી મિત્રોની કહાની, જેમણે 40 કરોડનો પ્લોટ વૃક્ષો માટે આપી દીધો
16 વૃક્ષપ્રેમી મિત્રોની કહાની, જેમણે 40 કરોડનો પ્લોટ વૃક્ષો માટે આપી દીધો
તમે અત્યાર સુધીમાં ઘણા વૃક્ષ પ્રેમીઓની કહાની સાંભળી હશે અને વૃક્ષ પ્રેમી જોયા પણ હશે, પરંતુ અમદાવાદની આ કહાની જરા જુદી છે. કારણ કે એક વૃક્ષ પ્રેમીએ પોતાનો 40 કરોડ રૂપિયાની કિંમતનો 10 હજાર વારનો પ્લોટ વૃક્ષ વાવવા માટે આપી દીધો છે. આ પ્લોટ જે જગ્યાએ આવેલો છે તે જગ્યા સોનાની લગડી સમાન ગણાય છે. આજે અહીં વનસ્પતિથી માંડીને ફૂલ-છોડ સહિત વિવિધ જાતના 3,000 જેટલાં વૃક્ષો લહેરાઇ રહ્યાં છે અને આસપાસના વિસ્તારમાં ઠંડક ફેલાવી રહ્યા છે.
ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. શહેરીકરણની સાથોસાથ પ્રદૂષણ પણ વધી રહ્યું છે એટલે પ્રદૂષણ સામે ઢાળ બનીને ઊભા રહેતા વૃક્ષોની પણ વધુ જરૂરિયાત ઊભી થઇ છે. લોકોમાં પણ વૃક્ષારોપણ પ્રત્યે પહેલાં કરતા વધુ જાગૃતિ આવી છે. તેવામાં 16 મિત્રોના એક ગ્રુપે વૈષ્ણોદેવી સર્કલ પાસે ગ્રીન વૂડમાં 10,000 વારના ખાનગી પ્લોટમાં વન ચંદન ઉપવન નામથી જંગલ ઊભું કર્યું છે. જેમાં 3000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. 2 ફૂટના છોડને આજે 20 ફૂટ સુધી પહોંચાડ્યા છે. વૃક્ષોનું જતન કરવા માટે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર વિસ્તારના બાગાયત પ્રેમીઓને કામ સોંપ્યું છે.
એક સમયે જે જમીન પર એકપણ વૃક્ષ નહોતું ત્યાં આજે હજારોની સંખ્યામાં વૃક્ષો જોવા મળી રહ્યા છે અને આખા વિસ્તારમાં છાંયડો ફેલાવે છે. વર્ષોની મહેનત રંગ લાવી છે અને હવે આ સ્થળ એક પિકનિક સ્પોટ જેવું બની ગયું છે. અહીં વિવિધ પ્રકારની વનસ્પતિથી માંડીને અનેકવિધ છોડ હોવાથી વિદ્યાર્થીઓ માટે સ્ટડી સેન્ટર જેવું બની ગયું છે.
આ જંગલની મુલાકાત માટે કોઇ ચાર્જ નથી લેવાતો. અહીં આવનારી દરેક વ્યક્તિ વૃક્ષ વિશે વધુ સારી રીતે જાણી શકે તે માટે QR કોડ પણ લગાવવામાં આવશે. જેને સ્કેન કરતા જ વૃક્ષનો ઇતિહાસ, ઉપયોગિતા વગેરે સહિતની માહિતી મેળવી શકાશે.
16 મિત્રોમાંથી 10 મિત્રો અમદાવાદમાં રહે છે. જ્યારે 6 મિત્રો અમેરિકામાં રહે છે. આ ગ્રુપના કંચનભાઇ પટેલ નામના સભ્ય જ્વેલરી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેમણે વૃક્ષો વાવવા માટે 10 હજાર વાર જગ્યા આપી હતી અને મોટું જંગલ બનાવવા કહ્યું હતું. ગ્રુપના અન્ય સભ્યો સતીષ અગ્રવાલ, ડૉ. સતીષ પટેલ અને ચેતન કપાસી સહિતના મિત્રોએ આ ચેલેન્જ ઉપાડી લીધી હતી અને પછી શું હતું. એક સમજે જ્યાં એક પણ વૃક્ષ નહોતું ત્યાં આજે હજારો વૃક્ષોનું વન બની ગયું છે.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ વન ચંદન ઉપવનનો વિકાસ કરવામાં સક્રિય ભૂમિકા ભજવનારા સતીષ અગ્રવાલે જણાવ્યું કે, અમારા મિત્ર કંચનભાઇએ કહ્યું કે હું તમને 10 હજાર વાર જગ્યા આપું છું, જેમાં ખૂબ જ મોટું જંગલ બનાવો. આ કાર્ય માટે કોણ તૈયાર છે? તો મેં અને મિત્ર ચેતનભાઇએ આ ચેલેન્જ ઉપાડી લીધી હતી. શરૂઆતમાં અમે સપ્તાહમાં 2-3 દિવસ આપતા હતા.
'કંચનભાઇએ અમને ખાનગી પ્લોટ આપીને કહ્યું કે હવે તમે આને જંગલ બનાવો. જેથી અમે હાલ નરોડા એન્વાયર્મેન્ટ પ્રોજેક્ટ લિ.ના CEOનો સંપર્ક કર્યો. તેમને ઝાડ-પાન ઉગાડવાનો બહુ શોખ છે. આજ સુધીમાં તેમણે પોતે એકલાએ 65-70 હજાર ઝાડ ઉગાડ્યાં હશે. તેમના તેમજ ગાયત્રી પરિવારના સહકારથી ધીમે ધીમે ઉપવન ઊભું કર્યું છે.'
તેમણે વધુમાં કહ્યું કે, અમારા કોઇનો જન્મદિવસ હોય તો તે દિવસે અમે અહીં આવીને 8-10 ઝાડ વાવીએ છીએ. અહીં અમે મેડિશનલ પ્લાન્ટથી માંડીને અપ્રાપ્ય વનસ્પતિનું જતન કરીને મોટા કર્યાં છે. અમે 200 વૃક્ષોના વાવેતરથી શરૂઆત કરી હતી. અત્યારે અહીં લીલુંછમ વન લહેરાઇ રહ્યું છે.’

