- Gujarat
- સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રાહક કમિશનના પ્રમુખો અને સભ્યોની નિમણૂક માટેના નવા નિયમો અંગે માર્ગદર્શિકા જા...
સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રાહક કમિશનના પ્રમુખો અને સભ્યોની નિમણૂક માટેના નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી

સુપ્રીમ કોર્ટે દેશભરના રાજ્ય ગ્રાહક કમિશનોના અને જીલ્લા ગ્રાહક કમિશનોના પ્રમુખો તેમજ સભ્યોની નિમણૂક માટેના નિયમો અને કાર્યવાહીઓ અંગે માર્ગદર્શક ગાઇડલાઇન એક ચુકાદામાં જાહેર કરી તે ગાઈડલાઈન્સના આધારે મે 2025 થી 4 મહિનાની સમયમર્યાદામાં રુલ્સ (નિયમો) ઘડી કાઢવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ આપતો હુકમ કર્યો હોવાની માહિતી એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ, ઈશાન દેસાઈ એ આપી છે.
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની જસ્ટીસ એમ. એમ. સુંદરેશ તથા જસ્ટીસ અભય ઓકાની બેન્ચે સિવિલ અપીલ નં. ૯૯૮૨/૨૪ વગેરેના કામોમાં આપેલ લગભગ ૯૭ પાનાનો વિસ્તૃત જજમેન્ટમાં ગ્રાહકોનું હિત સર્વોપરી હોવાના ગાંધીજીના શબ્દોને ટાંકીને ગ્રાહક સુરક્ષા ધારાની વિવિધ જોગવાઈઓ તેમજ અગાઉના અગત્યના ચુકાદાઓને ટાંકીને માર્ગદર્શીકા સૂચવી છે. તે તેનો મુખ્ય પાસાઓ ચર્ચા કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ, ઇશાન દેસાઈએ ચુકાદામાંથી ઉભરતા ગાઇડલાઇન્સના મુખ્ય મુદ્રાઓ નીચે મુજબ હોવાનું જણાવ્યું છેઃ-
1. રાજય અને જીલ્લા કમિશનોના પ્રમુખ અને ન્યાયીક સભ્યોની નિમણુંક માટે હવેથી લેખિત પરીક્ષા અને વાઇવા જરૂરી રહેશે નહી. અન્ય સભ્યો માટે લેખિત પરીક્ષા અને વાઇવા ફરિજયાત રહેશે. જે રાજય સેવા આયોગની સલાહથી યોજાશે.
2. રાજય કમિશનો અને જીલ્લા કમિશનોના પ્રમુખ અને સભ્યો માટે હાલના ૪ વર્ષને બદલે ૫ વર્ષનો કાર્યકાળ રહેશે. જેથી સ્થિરતા અને અનુભવ જળવાઈ રહે.
3. પસંદગી સમિતિમાં ન્યાયિક સભ્યોની બહુમતી રહેશે. એટલે કે પસંદગી સમિતિમાં બે ન્યાયીક સભ્યો, અને એક કાર્યકારી સભ્યને મતાધિકાર રહેશે. જયારે સંબંધિત ખાતાના સચિવ વોટ વિનાના એક્સ-ઑફિસરો સભ્ય હોઈ શકે.
4. જિલ્લા આયોગના અધ્યક્ષની લાયકાત માત્ર સેવારત અથવા નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ સુધી મર્યાદિત હશે.
5. સુપ્રિમ કોર્ટની માર્ગદશિકા પ્રમાણે મે-૨૦૨૫ થી ૪ મહિનામાં કેન્દ્ર સરકારે નવા નિયમો બનાવીને જાહેર કરવાના રહેશે.
6. કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોની જાહેરાત થયા બાદ તેના ચાર મહિનામાં તમામ રાજ્યોએ નવા નિયમો અનુસાર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
7. હાલના ગ્રાહક કમિશનના પ્રમુખો/સભ્યોને વચગાળાની રાહત આપવામાં આવી છે. જેથી નવા નિયમો બનતા સુધી સાતત્ય જળવાઈ રહે. અર્થાત હાલમાં સ્ટેટ કમિશનના જે પ્રમુખો અને સભ્યો છે તેમજ જીલ્લા કમિશનોમાં જે પ્રમુખો અને સભ્યો છે. તેમની મુદત સરકાર નવી નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરે તે પહેલા પૂરી થઈ જતી હોય તો તે તમામને તેમના જે તે હોદ્દા પર નવી નિમણૂક થાય ત્યાં સુધી એક્સટેશન રહેશે.
સુપ્રીમ કોર્ટના આ લેટેસ્ટ ચુકાદાથી ગ્રાહક કમિશનોનું ઈન્ફાસ્ટ્રક્ચર વધુ અસરકારક બનશે. તેમજ ગ્રાહક ફરિયાદોને નિવારણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે એવી આશા રખાય છે.