- Gujarat
- રાજકોટને મળી બે નવી ફ્લાઇટ, મનસુખ માંડવિયાએ કહ્યું- ટુંક સમયમાં રાજકોટ-દુબઈની ફ્લાઇટ પણ મળશે
રાજકોટને મળી બે નવી ફ્લાઇટ, મનસુખ માંડવિયાએ કહ્યું- ટુંક સમયમાં રાજકોટ-દુબઈની ફ્લાઇટ પણ મળશે
પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિવાળીના પર્વ બાદ આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. લાભ પાંચમના દિવસે તેઓએ રાજકોટ અને પોરબંદર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
ડૉ. માંડવિયા આજે બપોરે રાજકોટના ઉપલેટા નજીક ગોરસ સ્થિત પોતાના સાંસદ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ સાંજે 6 વાગ્યે તેઓ પોરબંદરના ડૉ. વી. આર. ગોઢાણીયા કોલેજ ખાતે આયોજિત ભાજપના સ્નેહમિલન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને એક મહત્વની ભેટ પણ મળી હતી. ડૉ. માંડવિયાના સતત પ્રયત્નોથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે નવી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં છ દિવસ (બુધવાર સિવાય) સવારે ઉડાન ભરશે, જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉપલબ્ધ રહેશે.

આ નવી હવાઈ સેવાઓ શરૂ થવાથી સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રવાસન અને વેપાર ક્ષેત્રને મોટો વેગ મળશે. રાજકોટ અને દિલ્હીની સીધી હવાઈ કનેક્ટિવિટીથી ઉદ્યોગજગત, વેપારીઓ અને પ્રવાસીઓને વિશાળ રાહત મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રવાસન અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે. સોમનાથ, પોરબંદર અને દ્વારકા જેવા આસ્થાના કેન્દ્રો તથા રાજકોટ-જામનગર જેવા ઉદ્યોગ વિસ્તારો વચ્ચે નવી ફ્લાઇટ સેવાઓ સૌરાષ્ટ્રના આર્થિક વિકાસમાં નવી ઊર્જા પુરવાર થશે.
25.jpg)
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ ખૂબ મહત્વનું છે, કારણ કે વિદેશથી વેપારીઓ અહીં સતત મુલાકાત લેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એવિએશન મિનિસ્ટ્રીને રાજકોટ-દુબઈની ફ્લાઇટ વહેલી તકે શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કનેક્ટિવિટી પણ મળી શકે.

