- Sports
- હાર્દિક બહાર થયો ત્યારે રમવા રાજી થયો રોહિત શર્મા? મુંબઈ ઇન્ડિયન્સમાં 'મહાભારત'
હાર્દિક બહાર થયો ત્યારે રમવા રાજી થયો રોહિત શર્મા? મુંબઈ ઇન્ડિયન્સમાં 'મહાભારત'
પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. એવું લાગે છે કે ડ્રેસિંગ રૂમની લડાઈઓ હવે મેદાન પર ખુલ્લેઆમ આવી ગઈ છે. જ્યારથી હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, ત્યારથી એવું લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સ જીતવાનું પણ ભૂલી ગઇ છે. ચેમ્પિયન બનવાની વાત તો દૂર, ટીમ હાલમાં ફક્ત પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે સંઘર્ષ કરી રહી છે. ટીમે ગઈકાલે રાત્રે લખનૌ સુપર જાયન્ટ્સ સામે વિજય મેળવ્યો હોવા છતા હવે નિષ્ણાતો અને ફેન્સ વચ્ચે ઘણા પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
4 મેની રાત્રે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવી હતી, જેનાથી નોકઆઉટમાં સ્થાન મેળવવાની તેમની પાતળી આશા જીવંત રહી છે. જો કે, આ જીત કરતા વધારે ચર્ચા હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની થઈ રહી છે. આ મેચમાં હાર્દિક પંડ્યા ન રમ્યો તો અનફિટ હોવાનું જણાવાયું હતું તે રોહિત શર્માની અચાનક પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી થઇ ગઇ. રોહિત શર્માએ ફક્ત 44 બોલમાં 84 રન બનાવ્યા, જેમાં તેણે 6 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા.
સોશિયલ મીડિયા પર હવે એવી અટકળો ચાલી રહી છે કે રોહિત શર્માએ જાણી જોઈને અત્યાર સુધી પ્લેઇંગ ઇલેવનમાંથી પોતાને બહાર રાખ્યો હતો અને જેવું જ હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવે ટીમનું નેતૃત્વ સંભાળ્યું, હિટમેન રમવા માટે તૈયાર થઈ ગયો. બીજો એક તર્ક એ પણ છે કે રોહિત શર્મા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમવા માંગતો નથી. તે સૂર્યાના નેતૃત્વ હેઠળ રમવામાં વધુ સહજ અનુભવે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ પર 6 વિકેટથી મળેલા વિજય બાદ ઓપનર રાયન રિકેલ્ટને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સંબોધતા મેચમાંથી હાર્દિક પંડ્યાની ગેરહાજરી વિશે વાત કરી. રિકેલ્ટને કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે તેને પાછા ફરવામાં કેટલો સમય લાગશે. મને આજે બપોરે જ ખબર પડી કે તેને કમરમાં દુ:ખાવો છે. મને ઈજાની ગંભીરતા કે તીવ્રતા વિશે ખબર નથી. મને ખબર નથી કે તે કેવું અનુભવી રહ્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે આ અઠવાડિયાના અંતમાં રાયપુરમાં યોજાનારી અમારી આગામી મેચ માટે ટીમ સાથે પાછો ફરશે.’ આ અગાઉ, મુંબઈના કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ બાદ ખુલાસો કર્યો હતો કે હાર્દિક ઇજાગ્રસ્ત છે.
મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે નિકોલસ પૂરન (21 બોલમાં 63 રન), મિશેલ માર્શ (25 બોલમાં 44 રન) અને હિંમત સિંહ (31 બોલમાં અણનમ 40 રન)ની ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટ ગુમાવીને કુલ 228 રન બનાવ્યા. જવાબમાં, રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ જોડીએ 100 રનની ભાગીદારી કરી. આ વિજય સાથે, મુંબઈ 10 મેચમાં ત્રણ જીતથી 6 પોઈન્ટ પર પહોંચી ગઇ છે અને પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને રહ્યું છે. સતત છઠ્ઠી હાર બાદ, સુપર જાયન્ટ્સ ટીમ 9 મેચમાં ચાર પોઈન્ટ સાથે 10મા અને અંતિમ સ્થાને છે.

