- Gujarat
- ગોંડલનો ભરવાડ પરિવાર વિખાયો, માતા-પિતાએ જ પોતાના દીકરાનો જીવ લઇ લીધો, માએ એસિડ પીવડાવ્યું અને બાપે.....
ગોંડલનો ભરવાડ પરિવાર વિખાયો, માતા-પિતાએ જ પોતાના દીકરાનો જીવ લઇ લીધો, માએ એસિડ પીવડાવ્યું અને બાપે...
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 23 વર્ષીય યુવાનનું રહસ્યમય મોત થયું હતું. શરૂઆતમાં આને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રનો જીવ લઇ લીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે પીડિત યુવકની પત્નીની ફરિયાદને આધારે તેના સાસુ-સસરાની ધરપકડ કરી છે. હત્યારા માતા-પિતાએ પહેલા એવું જણાવ્યું હતું કે પુત્ર દારૂડિયો હતો અને ઘરમાં સતત થતા ઝઘડાઓથી કંટાળીને માતા-પિતાએ આ ભયાનક ઘટનાને અંજામ આપી હતી, જો કે વાસ્તવિકતા અલગ જ સામે આવી છે.
પોલીસ તપાસ મુજબ, જીવ ગુમાવનાર યુવાન રામને તેના પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે વારંવાર વિવાદ થતો હતો. 30 જૂનના રોજ પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતા માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળેટૂંપો આપી તેનો જીવ લઇ લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટનાને આપઘાતનો રંગ આપવા માટે આરોપી પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ થઈ જાય તે માટે કેટલાક રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ મારફતે ભલામણો પણ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટતા આરોપીઓ કાયદાની પકડમાંથી બચી શક્યા નહોતા.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મૂજબ મૃતક યુવક રામ ભણવામાં હોશિયાર હતો અને ખેડબ્રહ્માની એક કોલેજમાંથી એગ્રીકલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. રામનું લક્ષ્ય સરકારી નોકરી મેળવવાનું હતું અને તેની તૈયારી કરતો હતો. પરંતુ પિતા બાબુભાઈને આ મંજૂર નહોતું અને રામને પોતાની ચાની દુકાન પર બેસાડવા માગતો હતો. પિતા-પુત્ર વચ્ચેના આ મતભેદના કારણે અવાર-નવાર ઝઘડા થતા હતા. આખરે 30 જૂને માતા-પિતાએ મળી રામની હત્યા કરી અને પહેલા આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. જો કે એમાં સફળ ન થતા એવી વાત એવી ફેલાવી કે રામ દારૂ પીતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હતો.

આ સમગ્ર મામલે મૃતકની ચાર મહિના પહેલાં જ પરણેલી પત્ની બંશીબેન બાંભવાએ પોતાના સાસુ-સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 124 અને 54 હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. પુત્રનો જીવ લઇ લેનાર માતા કેમેરા સામે રડી પડી હતી.
ગુંદાળા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાના જ માતા-પિતાએ પુત્રનો જીવ લઇ લેવાની ઘટના સામે આવતા સમાજમાં પણ ભારે ચકચાર મચી છે.

