- Health
- હાર્ટ ઍૅટેકના વધી રહેલા બનાવોને કોરોના સાથે શું સંબંધ? ICMR સંશોધન કરી રહ્યું છે
હાર્ટ ઍૅટેકના વધી રહેલા બનાવોને કોરોના સાથે શું સંબંધ? ICMR સંશોધન કરી રહ્યું છે
છેલ્લાં કેટલાંક મહિનાઓથી ક્રિકેટના મેદાન પર કે લગ્નમાં નાચતા નાચતા અથવા યોગા કરતી વખતે હાર્ટએટેકને કારણે યુવાનોના મોતની ઘટના ચિંતાજનક હદે વધી રહી છે, આખરે સરકારે આ વાત પર ધ્યાન આપ્યું છે ખરું, લોકોના મનમાં પણ સવાલો ઉઠ્યા હતા કે અચાનક હાર્ટએટેકના વધી રહેલી ઘટનાને ક્યાંક કોરાના સાથે તો સંબંધ નથી? કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, આ વિશે Indian Council of Medical Research (ICMR) સ્ટડી કરી રહી છે અને 2 મહિનામાં રિપોર્ટ સોંપશે.

સમાચાર એજન્સીના એક રિપોર્ટ મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે, ICMR હાર્ટએટેકથી થનારા મોતને કોવિડ સાથે સંબંધનુ આકલન કરવા માટે અભ્યાસ કરી રહી છે. તેના પરિણામ 2 મહિનામાં આવી જશે. મનસુખ માંડવિયા એક ચેનલ દ્રારા આયોજિત સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે માન્યું ક કોરોના પછી હાર્ટએટેકની ઘટનામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે આ વિશે ચર્ચા થઇ છે અને ICMR સંશોધન કરી રહ્યું છે.

માંડવિયાએ કહ્યું કે, અમારી પાસે વેક્સીનેશના આંકડા છે. તેમણે કહ્યું કે ICMR છેલ્લા 3-4 મહિનાથી અભ્યાસ કરી રહ્યું છે. રિપોર્ટ 6 મહિનામાં આવવાનો હતો. હવે આ અભ્યાસનો રિપોર્ટ આગામી બે મહિનામાં આવવાની આશા છે. તેમણે એમ પણ કહ્યું કે AIIMS દિલ્હી દ્વારા હાર્ટ એટેકથી થયેલા મૃત્યુના ડેટાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
માંડવિયાએ કહ્યું કે કોરોના વેક્સીનનું ઉત્પાદન માત્ર ભારતની જરૂરિયાતો પૂરી કરવા માટે જ નહીં પરંતુ નિકાસ માટે પણ વધારવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતને વિનાશક અસરનો સામનો કરવો પડશે. પરંતુ આજે વિશ્વભરમાં શ્રેષ્ઠ વેક્સીન અભિયાન અને કોરોના મેનેજમેન્ટ માટે ભારતની પ્રશંસા થઈ રહી છે. બિલ ગેટ્સે પણ ભારતના વખાણ કર્યા છે.

ઇન્ડિયન હાર્ટ એસોસિયેશનના કહેવા મુજબ અગાઉના વર્ષોમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 50 ટકા અને 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 25 ટકા હાર્ટ એટેકનું જોખમ જોવા મળ્યું છે. મતલબ કે યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે અને મહિલાઓવી સરખામણી પુરુષો વધારે હાર્ટ એટેકનો શિકાર થઇ રહ્યા છે.
બ્લડ પ્રેશર, સુગર, સ્ટ્રેસ, સ્થૂળતા અને અનિયમિત જીવનશૈલીને હૃદયરોગના મુખ્ય કારણો તરીકે જોવામાં આવે છે. ઘણા નિષ્ણાતો માને છે કે કોવિડ મહામારી પછી શરીરમાં લોહીના ગંઠાવાનું પ્રમાણ ઝડપથી વધી ગયું છે, અને અભ્યાસ એ પણ ચાલી રહ્યો છે કે શું હૃદયની આ વધતી બીમારીઓ પાછળ કોઈ કોરોના કનેક્શન છે?

