- Lifestyle
- ભારતની 90 ટકા સ્ત્રીઓમાં વિટામિન Dની ઉણપ! સ્ટડી પરથી નીકળ્યા તારણો
ભારતની 90 ટકા સ્ત્રીઓમાં વિટામિન Dની ઉણપ! સ્ટડી પરથી નીકળ્યા તારણો
ભારત દેશની અંદર જરૂર પૂરતો સૂર્ય પ્રકાશ મળી રહે છે, એટલે કે દેશવાસીઓને જરૂરી તડકો મળી રહે છે, છતાં પણ આ દેશની વસ્તીમાં, ખાસ કરીને સ્ત્રીઓમાં વિટામિન Dની ઉણપ સૌથી વધારે જોવા મળે છે. કરવામાં આવેલા ઘણા અભ્યાસો અનુસાર, દેશમાં લગભગ 80થી 90 ટકા સ્ત્રીઓ વિટામિન Dની ઉણપથી પીડાય રહી છે. આના મુખ્ય કારણોમાં સૂર્યના તડકામાં ઓછું નીકળવું, આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરવા અને ખાવામાં વિટામિન Dથી ભરપૂર વસ્તુઓનો અભાવ છે.
જ્યારે શરીરમાં વિટામિન Dનું સ્તર 20 ng/mLથી નીચે આવે છે, ત્યારે તેને ઉણપ માનવામાં આવે છે. 12 ng/mLથી નીચેનું સ્તર ગંભીર માનવામાં આવે છે અને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. 30 ng/mL કે તેથી વધુનું સ્તર સ્વસ્થ માનવામાં આવે છે.

પીઠ, કમર, હિપ્સ, પગ અથવા છાતીની પાંસળીઓમાં ઊંડો દુખાવો થવો વિટામિન Dની ઉણપનો સંકેત હોઈ શકે છે. આની ઉણપથી હાડકાં નબળા અને નરમ બનાવ લાગે છે, જેને ઓસ્ટિઓમલેશિયા કહેવાય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હાડકાં તૂટવાનું જોખમ વધારે રહેતું હોય છે. ઘણીવાર વધતી ઉંમરને આ દુખાવાનું કારણ માની લેવામાં આવે છે, પરંતુ તેનું વાસ્તવિક કારણ કેલ્શિયમ અને વિટામિન Dનો અભાવ હોય છે.

વિટામિન D મગજમાં ખુશ રહેવાના હોર્મોન સેરોટોનિનને સંતુલિત કરે છે. આ હોર્મોન ન હોવાને કારણે ચીડિયાપણું, ઉદાસી, ચિંતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી તરફ દોરી શકે છે. આ સાથે અનિદ્રા અથવા વારંવાર ઊંઘમાંથી ઉઠી જવું પણ સામાન્ય સમસ્યાઓ છે. તડકામાં ઓછું નીકળવું, રાત્રિ શિફ્ટમાં કામ કરવું અને પ્રદૂષણ આ સમસ્યાને વધુ વધારી દે છે.

વારંવાર શરદી, ઉધરસ, અથવા ફ્લૂ, અને બીમારીમાંથી સ્વસ્થ થવામાં વાર લાગવી વગેરે શરીરમાં નબળી રોગપ્રતિકારક શક્તિ હોવાનો સંકેત છે. ઘા પણ જલ્દીથી સારો થતો નથી. વિટામિન Dની ઉણપ ધરાવતી સ્ત્રીઓના બાળકોમાં પણ હાડકા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
વધુ પડતા વાળ ખરવા, કારણ વગર વજન વધવું, વધુ પડતો પરસેવો થવો અથવા બ્લડ પ્રેશરમાં વધારો થવો, દાંતમાં સડો થવો અથવા પેઢામાંથી લોહી નીકળવું, હાથ અને પગમાં ઝણઝણાટી, ત્વચા પીળી પડી જવી અથવા ભૂખ ઓછી લાગવી, એ બધા લક્ષણો વિટામિન Dની ઉણપ તરફ નિર્દેશ કરે છે અને તેને અવગણવા જોઈએ નહીં.

સૌપ્રથમ, તમારા શરીરમાં વિટામિન Dનું સ્તર નક્કી કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો. તમારા ડૉક્ટરની ભલામણ મુજબ વિટામિન D સપ્લિમેન્ટ લો. તમારા હાથ અને ચહેરો ખુલ્લા રાખીને દરરોજ 10 થી 30 મિનિટ સુધી બપોરે તડકામાં બેસો. આ ઉપરાંત, તમારા ખાવામાં ઈંડા, માછલી, ફોર્ટિફાઇડ દૂધ, દહીં અને પનીરનો સમાવેશ કરો.

