- Lifestyle
- અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી
અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી
ડાયટિંગ કરનારા અને સંતુલિત આહાર ખનારા લોકો પોતાના દરેક કોળિયાને લઈને ધ્યાન રાખે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેટલું સુગર છે? દરેક વસ્તુને માપીને ખાવાનો પ્રયાસ રહે છે. જે લોકો ડાયેટ નથી કરતાં તેઓ પણ સારું ખાવાનો પ્રયાસ કરે છે, પછી ભલે તે શાકભાજી હોય, ફળો હોય કે અનાજ હોય. તાજેતરમાં, તમારી પ્લેટમાં રાખવામાં આવતા ઈંડા અને અન્ય વસ્તુઓને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવ્યા છે, જેમાં તેમની સલામતી અંગે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. આવા જ દાવા અમૂલ દહીંને લઈને પણ કરવામાં આવ્યા હતા, અને કંપનીએ હવે સ્પષ્ટતા આપી છે. શું દાવા હતા? અને કંપની શું કહ્યું છે? ચાલો જાણીએ.
ટ્રસ્ટિફાઇડ નામની યુટ્યુબ ચેનલ પર દાવો કરવામાં આવ્યો હતો કે અમૂલ મસ્તી દહીંના પાઉચવાળા વેરિયન્ટ ક્વાલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગયા. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઉચ દહીંમાં પ્રતિ 100 ગ્રામ 4.95 ગ્રામ પ્રોટીન હોવાનું જાણવા મળ્યું, જ્યારે લેબલ પર 4 ગ્રામનો ક્લેમ કરવામાં આવ્યો હતો. તે જ પેકેટમાં 3.51 ગ્રામ ચરબી હોવાનું જાણવા મળ્યું. જ્યારે લેબલમાં 3.1 ગ્રામ જ ક્લેમ કરવામાં આવ્યો હતો, સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાઉચ વેરિઅન્ટ, કપ વેરિઅન્ટ કરતા ઓછું હાઈજેનિક હોય છે. આ વીડિયોએ લોકોમાં ખૂબ મૂંઝવણ અને ચિંતા પેદા કરી દીધી હતી, કારણ કે અમૂલ જેવી વિશ્વસનીય બ્રાન્ડ સામે આવા આરોપો સામાન્ય નથી. તેના જવાબમાં, અમૂલે તરત જ સોશિયલ મીડિયા પર સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી.
કંપનીએ આ વીડિયોને ખોટી માહિતી ગણાવતા કહ્યું કે અમૂલ મસ્તી દહીં તમામ FSSAI નિયમો અને કંપનીના ઇન્ટરનલ ક્વાલિટી સ્ટાન્ડર્ડ પૂર્ણ કરે છે. અમૂલે સ્પષ્ટતા કરી કે આ ઉત્પાદન ISO પ્રમાણિત ડેરી પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે અને બજારમાં રજૂ કરતા પહેલા 50થી વધુ સખત ક્વાલિટી ટેસ્ટમાંથી પસાર થાય છે. કંપનીએ બંને પ્રકાર (પાઉચ અને કપ) બાબતે જણાવ્યું કે, બંનેમાં પ્રોસેસિંગ અને હાઇજિન સ્ટેપ્સ સમાન હોય છે. પેકેજિંગમાં તફાવત માત્ર ગ્રાહકની સુવિધા માટે છે અને ગુણવત્તામાં કોઈ તફાવત નથી.
અમુલે એમ પણ કહ્યું કે દહીં એક લાઈવ પ્રોડક્ટ છે જેમાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે. એટલે તેના પેકેજિંગ પરની સૂચનાઓ અનુસાર હેન્ડલ કરવું જોઈએ. કંપનીને શંકા છે કે નમૂનાને ટેસ્ટિંગ અગાઉ અયોગ્ય રીતે સંગ્રહિત અથવા હેન્ડલ કરવામાં આવ્યો હતો, જેના પરિણામો પર અસર પડી શકે છે.
અમૂલે આ વીડિયોને લોકોમાં બિનજરૂરી ભય ફેલાવવાનું માધ્યમ ગણાવ્યું અને ગ્રાહકોને આવી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી. કંપનીએ ભાર મૂક્યો હતો કે અમૂલના બધા ઉત્પાદનો ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો અનુસાર બનાવવામાં આવે છે, અને ગ્રાહકો પૂરા ભરોસા સાથે તેનો ઉપયોગ કરી શકે છે.

