- National
- 50 વર્ષીય મહિલાના 18 વર્ષના યુવક સાથે પ્રેમલગ્નથી બિહારના ભાગલપુરમાં ચકચાર, પુત્રી-જમાઈએ પોલીસમાં ફર...
50 વર્ષીય મહિલાના 18 વર્ષના યુવક સાથે પ્રેમલગ્નથી બિહારના ભાગલપુરમાં ચકચાર, પુત્રી-જમાઈએ પોલીસમાં ફરિયાદ કરી
એક 50 વર્ષીય મહિલા પોતાના કરતાં ઘણા નાની ઉંમરના, 18 વર્ષના યુવક સાથે પ્રેમલગ્ન કરી તેની સાથે રહે છે. મહિલા તાજેતરમાં કન્હાઈ કુમાર નામના યુવક સાથે લગ્ન કરીને તેની સાથે રહેવા લાગી છે. મહિલાની પુત્રી અને જમાઈએ પોલીસમાં અરજી આપી છે કે, ‘મમ્મી હવે આંખ ઊંચી કરીને પણ અમારી સામે જોઈ શકતી નથી. પરિવાર અને સમાજ સામે અમને શરમ લાગે છે.’
આ કિસ્સો ભાગલપુર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. મહિલાના ત્રણ પુત્રીઓ, એક પુત્ર અને પૌત્રો-પૌત્રીઓ હોવા છતાં પોતાના બાળકની ઉંમરના યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવાથી આખું ગામ ચોંકી ગયું છે.
મહિલ તેના પ્રેમી યુવક સાથે ભાગી ગઈ
મહિલા મૂળ બિહારમાં પોતાના પતિ અને પરિવાર સાથે રહેતી હતી. જ્યારે આ સંબંધની શરૂઆત થઈ ત્યારે કન્હાઈ કુમાર તેના નજીક રહેતો હતો અને તેના ઘરમાં આવતો જતો હતો. આ અવરજવર દરમિયાન બંને વચ્ચે લાગણી થઈ. બાદમાં કન્હાઈ સાથે મહિલા ઘરેથી ભાગી ગઈ હતી.
ઘણી શોધખોળ બાદ મહિલા કન્હાઈના ઘરે મળી આવી. આ અંગે ગામની પંચાયત પણ બોલાવવામાં આવી હતી, પરંતુ મહિલાએ તેમાં હાજરી આપવાનો ઈનકાર કર્યો હતો. તે હવે કન્હાઈ કુમાર સાથે પત્ની તરીકે પક્કીસરાય ગામમાં રહે છે.
પુત્રીની ફરિયાદ: “મારે મારી માતાને પાછી લાવવી છે”
મહિલાની પુત્રી અને જમાઈએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પુત્રીનું કહેવું છે, “મારા માટે મારી માતા હવે સામાજિક રીતે શરમજનક સ્થિતિમાં છે. એ પોતે નાની ઉંમરના યુવક સાથે ખુલ્લેઆમ રહે છે. જ્યારે અમે આગળ આવીએ, ત્યારે એની આંખ નીચે થઈ જાય છે.”
પુત્રીએ ફરિયાદમાં પોતાની માતાને પરિવાર સાથે પરત લાવવા માટે પોલીસને વિનંતી કરી છે.
મહિલાનું નિવેદન: "હું પ્રેમ કરું છું અને ખુશ છું"
મહિલાએ પોતાના નિર્ણય અંગે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નથી. તેણીનો દાવો છે કે તેણે કન્હાઈ સાથે પ્રેમલગ્ન કર્યા છે અને હવે તેને જ જીવનસાથી માને છે. “હું પ્રેમમાં છું અને મારા જીવન સાથે ખુશ છું,” એમ તેણી ખુલ્લેઆમ કહી રહી છે.
સમાજમાં ચર્ચાનો વિષય
આ અણધાર્યા પ્રેમલગ્નના સમાચાર ગામમાં જ નહીં, પરંતુ આખા બિહારમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગામના લોકોએ આ સંબંધને સામાજિક ધોરણોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
અત્યારે પોલીસ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને બંને પક્ષોની વાત સાંભળી આગળનો નિર્ણય લેવાશે.

