- National
- સૉફ્ટવેર એન્જિનિયર પતિએ પત્નીને 4 ગોળી ધરબી દીધી, સરેન્ડર કરીને કારણ પણ જણાવ્યું
સૉફ્ટવેર એન્જિનિયર પતિએ પત્નીને 4 ગોળી ધરબી દીધી, સરેન્ડર કરીને કારણ પણ જણાવ્યું
બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે સાંજે, 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેનાથી અલગ રહેતી પત્નીને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેનો જીવ જતો રહ્યો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એન્જિનિયરે પાછળથી નજીકના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું.
અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતા ભુવનેશ્વરી (ઉં.વ.39), યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બસવેશ્વરનગર શાખામાં આસિસ્ટન્ટ મેનેજર હતી. તે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી બાલામુરુગને સાંજે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે માગડી રોડ નજીક તેને રોકી. પોલીસે જણાવ્યું હતું કે તેણે પિસ્તોલથી નજીકથી 4 ગોળી મારી દીધી. ત્યારબાદ તેને શાનબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
https://twitter.com/karnatakaportf/status/2003515498072539644?s=20
આ બંનેના લગ્ન 2011માં થયા હતા અને તેમના બે બાળકો પણ હતા. આ દંપતી વચ્ચે અણબનાવને કારણે છેલ્લા 18 મહિનાથી અલગ રહેતા હતા. પોલીસે જણાવ્યું હતું કે આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. ભુવનેશ્વરી 6 મહિના અગાઉ વ્હાઇટફિલ્ડથી રાજાજીનગર શિફ્ટ થઈ ગઈ હતી, જેથી તે તેનાથી દૂર રહી શકે. જોકે, બાલામુરુગને તેની જાણકારી મેળવી લીધી અને તેના પર નજર રાખવા માટે 4 મહિના પહેલા કેપી અગ્રહારા પોલીસ હદ હેઠળ આવતા ચોલુરપાલ્યામાં જતો રહ્યો.
બંને વચ્ચે મતભેદ હતો અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો જેના કારણે તેઓ એક વર્ષથી વધુ સમયથી અલગ રહેતા હતા. મહિલા રાજાજીનગરમાં બાળકો સાથે રહેતી હતી. આરોપીને તેની પત્ની પર શંકા હતી જેના કારણે તેઓ ઝઘડા થતા હતા. આ ઝઘડાઓ વચ્ચે પત્નીએ લગભગ એક અઠવાડિયા પહેલા પતિને છૂટાછેડાની નોટિસ મોકલી હતી અને કેસ પેન્ડિંગ હતો. આ નોટિસથી ગુસ્સે થઈને, પતિએ તેની પત્ની કામ પરથી પરત ફરે તેની રાહ જોઈ અને તે પરત આવતાની સાથે જ તેણે તેના પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળી વાગ્યા બાદ લોકો તેની પત્નીને હોસ્પિટલ લઈ ગયા, જોકે, રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. હત્યા બાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું.
પશ્ચિમ વિભાગના DCP એસ. ગિરીશના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ એક ખાનગી IT ફર્મમાં કામ કરતો હતો પરંતુ છેલ્લા 4 વર્ષથી બેરોજગાર હતો. આરોપી અને પીડિતા બંને તમિલનાડુના સેલમ જિલ્લાના રહેવાસી છે. હુમલા બાદ, બાલામુરુગન મગડી રોડ પોલીસ સ્ટેશન ગયો, પોતાનો ગુનો કબૂલ કર્યો અને પોલીસને હથિયાર સોંપી દીધું. પોલીસે BNS એક્ટની કલમ 103 હેઠળ કેસ નોંધી લીધો છે અને વધુ તપાસ કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવશે, જેથી હત્યામાં ઉપયોગ કરાયેલું હથિયાર, તેની કાયદેસરતા અને ઘટના સાથે જોડાયેલા અન્ય પહેલુંઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

