- National
- PM મોદીના UK પ્રવાસથી ભારતમાં વ્હિસ્કી અને કાર સસ્તી મળશે
PM મોદીના UK પ્રવાસથી ભારતમાં વ્હિસ્કી અને કાર સસ્તી મળશે
PM નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે બ્રિટન જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, PM નરેન્દ્ર મોદી ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરશે. કરાર હેઠળ, ભારત બ્રિટિશ વ્હિસ્કી, કાર અને કેટલીક ખાદ્ય ચીજો પર ટેરિફ ઘટાડશે. જ્યારે બ્રિટન ભારતીય કપડાં અને ઇલેક્ટ્રિક વાહનોની આયાતને ટેરિફ ફ્રી કરશે. 2014માં PM બન્યા પછી PM નરેન્દ્ર મોદીની બ્રિટનની આ ચોથી મુલાકાત છે.
23 અને 24 જુલાઈના રોજ આ બે દિવસીય મુલાકાતમાં, PM નરેન્દ્ર મોદી બ્રિટિશ PM કીર સ્ટારમર સાથે વેપાર, ઊર્જા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ મુક્ત વેપાર કરાર (FTA) પર છેલ્લા ત્રણ વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ પછી, બંને દેશો મે 2025માં એક કરાર પર પહોંચ્યા. બ્રિટન અને ભારતની સંસદમાંથી આ કરારને મંજૂરી મળ્યા પછી, તે કદાચ એક વર્ષની અંદર અમલમાં આવશે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ મંગળવાર, 22 જુલાઈના રોજ મીડિયાને જણાવ્યું હતું કે, આ એક મહત્વપૂર્ણ કરાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી બ્રિટન અને માલદીવની ચાર દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા કરારની કાયદેસર રીતે તપાસ કરી લેવામાં આવી છે. કરાર પર ઔપચારિક હસ્તાક્ષર માટે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ PM નરેન્દ્ર મોદી સાથે રહેશે.
https://twitter.com/MEAIndia/status/1947576250832187581
અહીં તમને જણાવી દઈએ કે, 2023-24માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 55 અબજ US ડૉલરને પાર કરી ગયો હતો. બ્રિટન ભારતનું છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર છે. બ્રિટને અત્યાર સુધીમાં ભારતમાં 36 અબજ US ડૉલરનું રોકાણ કર્યું છે.
જ્યારે બ્રિટનમાં કાર્યરત લગભગ 1,000 ભારતીય કંપનીઓ લગભગ એક લાખ લોકોને રોજગારી આપે છે. બ્રિટનમાં ભારતીય રોકાણ લગભગ 20 અબજ US ડૉલરનું છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદી 25-26 જુલાઈએ બ્રિટનથી માલદીવ જશે. અહીં તેઓ માલદીવના સ્વતંત્રતા દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ દરમિયાન, PM નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત, તેઓ માલદીવમાં અનેક ભારત સમર્થિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
PM નરેન્દ્ર મોદીની માલદીવ મુલાકાતને તાજેતરના વર્ષોમાં તણાવપૂર્ણ સંબંધોને સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. મોહમ્મદ મુઇઝ્ઝુને વ્યાપકપણે ચીન તરફી તરીકે વર્ણવવામાં આવે છે. નવેમ્બર 2023માં તેમના પદ સંભાળ્યા પછી ભારત-માલદીવ સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

