- National
- આસામ સરકારનો મોટો નિર્ણય, આ લોકો માટે નવા આધાર કાર્ડ નહીં બને
આસામ સરકારનો મોટો નિર્ણય, આ લોકો માટે નવા આધાર કાર્ડ નહીં બને
21 ઓગસ્ટે આસામ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવે પુખ્ત વયના (18 વર્ષથી ઉપરના) લોકોને નવા આધાર કાર્ડ આપવામાં નહીં આવે. કેબિનેટ બેઠક પછી મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ નિર્ણયની જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું કે આ પગલું રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મુજબ, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરતા લોકો આધાર કાર્ડ મેળવીને પોતાને ભારતીય નાગરિક તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રવાહ રોકવા માટે સરકારે આ કડક નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
શું મળશે આધાર કાર્ડ?
સીએમ શર્માએ સ્પષ્ટ કર્યું કે હવે સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે નવા આધાર કાર્ડ જારી નહીં થાય. માત્ર દુર્લભ અને ખાસ કેસોમાં જ જિલ્લા પોલીસ અને વિદેશી ન્યાયાધિકરણની ભલામણ બાદ આધાર કાર્ડ આપવામાં આવશે.
1 ઓક્ટોબરથી લાગુ થશે નિયમ
આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. જોકે, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ચાના બગીચામાં કામ કરતા લોકોને એક વર્ષની વધારાની છૂટ આપવામાં આવી છે.
એક વર્ષની છૂટ બાદ પણ તક
જો કોઈ કારણસર આ વર્ગના લોકો એક વર્ષની અંદર આધાર કાર્ડ મેળવવામાં પાછળ રહી જાય, તો તેઓ જિલ્લા કલેક્ટર (DC) પાસે અરજી કરી શકશે. ત્યારબાદ કલેક્ટર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને વિદેશી ન્યાયાધિકરણ સાથે ચર્ચા કર્યા પછી અત્યંત ખાસ પરિસ્થિતિમાં આધાર કાર્ડ જારી કરવાનો નિર્ણય લઈ શકશે.

