- National
- દરોડા પડ્યા તો એન્જિનિયરે સળગાવી દીધા 20 લાખ રૂપિયા, ઘરે જપ્ત થઈ મોટી સંપત્તિ
દરોડા પડ્યા તો એન્જિનિયરે સળગાવી દીધા 20 લાખ રૂપિયા, ઘરે જપ્ત થઈ મોટી સંપત્તિ
શુક્રવારે બિહાર પોલીસે ગ્રામીણ નિર્માણ વિભાગના એક અધિક્ષક ઇજનેરની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી અને તેના આવાસ પરથી 40 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બળી ગયેલી નોટો પણ શામેલ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રોકડ રકમ શૌચાલય, પાણીની ટાંકી અને રસોડાના કચરાના આઉટલેટ પાઇપમાં છુપાવવામાં આવી હતી. આર્થિક ગુના એકમ (EOU)ની ટીમે આવકથી વધુ સંપત્તિના કેસમાં પટનાના અગમકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુબની ગ્રામીણ બાંધકામ વિભાગમાં અધિક્ષક ઇજનેર પદ પર તૈનાત વિનોદ કુમાર રાયના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન 40 લાખ રોકડા, લગભગ 20 લાખ અડધી બળી ગયેલી 500 રૂપિયાની નોટો જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ટીમે કરોડોના જમીન દસ્તાવેજો, લાખોના સોના-ચાંદીના ઘરેણાં જપ્ત કર્યા હતા. સાથે જ, આવી ડઝનો ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત દોઢ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે ટીમ દરોડા પાડવા ગઈ ત્યારે એન્જિનિયરની પત્નીએ કલાકો સુધી ટીમને દરોડા પાડતા રોકી રાખી હતી. એવામાં ટીમ રાત્રે 1:30-5:00 વાગ્યા સુધી વિનોદ કુમાર રાયના ઘરની બહાર ગેટ ખુલવાની રાહ જોતી રહી. જોકે, આ દરમિયાન સમય જોઈને એન્જિનિયરની પત્ની બાથરૂમમાં 500 રૂપિયાની લાખો નોટો સળગાવતી રહી. સાથે જ રાખને શૌચાલયમાં ફ્લશ કરતી રહી.
બાદમાં બચેલી 40 લાખ રૂપિયાની નોટો પોલિથિનમાં નાખીને છત પર જઈને પાણીની ટાંકીમાં નાખી દીધી. શુક્રવારે સવારે EOU ટીમ ઘરમાં પ્રવેશતા જ અવાચક રહી ગઈ. તો, સવારે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને બોલાવીને શૌચાલયમાંથી બળી ગયેલી નોટો બહાર કઢાવવામાં આવી. EOUની ટીમે બળી ગયેલી નોટોની તપાસ માટે FSL ટીમને બોલાવી. ત્યારબાદ જ્યારે છત પર તપાસ કરી, તો તેમને પાણીની ટાંકીમાંથી પોલિથિનમાં બાંધેલા 40 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જ્યારે સઘન તપાસ કરવામાં આવી, તો જમીન અને બેન્ક ડિપોઝિટના ઘણા દસ્તાવેજો મળી આવ્યા.
દોઢ-દોઢ લાખની રૂપિયાની કિંમતની ઘણી મોંઘી ઘડિયાળો મળી આવી. સાથે જ 6.5 લાખ રૂપિયાની એક ઘડિયાળ પણ મળી આવી હતી. આ ઉપરાંત, 20 લાખ રૂપિયાના ઘરેણાં, 3 નવા iPhone પણ મળી આવ્યા હતા. તો એન્જિનિયરની પત્ની પણ બીમાર પડી ગઈ. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવવામાં આવી.

