- National
- 'પોપટ પણ જંગલી પ્રાણી છે', બોમ્બે હાઈકોર્ટનો રસપ્રદ ચૂકાદો, સરકારને કેમ આપ્યો ઠપકો?
'પોપટ પણ જંગલી પ્રાણી છે', બોમ્બે હાઈકોર્ટનો રસપ્રદ ચૂકાદો, સરકારને કેમ આપ્યો ઠપકો?
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું છે કે પોપટ પણ 'જંગલી પ્રાણીઓ'ની શ્રેણીમાં આવે છે, અને જો તેઓ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે, તો સરકારે વળતર આપવું પડશે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ખેડૂતને તેના દાડમના છોડને થયેલા નુકસાન માટે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ વર્ધા જિલ્લાના હિંગી ગામના 70 વર્ષીય ખેડૂત મહાદેવ ડેકાટેનો છે. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે મે 2016માં, નજીકના વન્યજીવન અભયારણ્યમાંથી આવેલા જંગલી પોપટોએ તેમના દાડમના બગીચાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે આ નુકસાન માટે વળતર માંગ્યું હતું.
ખેડૂતના જણાવ્યા મુજબ, તેના દાડમના લગભગ 200 છોડોને અસર થઈ હતી. કોર્ટે સરકારને પ્રતિ છોડ 200 રૂપિયાના દરે કુલ 40,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, હાલના સરકારી આદેશો મુજબ, હાથી અને બાઇસન જેવા જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન માટે જ વળતર આપી શકાય છે. પરંતુ, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે કહ્યું હતું કે જો વળતર ફક્ત અમુક પસંદગીના પ્રાણીઓ દ્વારા થયેલા નુકસાન માટે જ આપવામાં આવે અને અન્યને અવગણવામાં આવે, તો તે સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ હશે. કોર્ટે આને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાવ્યું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ, પોપટ અમે ઘણી સંબંધિત પ્રજાતિઓને સંરક્ષિત વન્યજીવન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. એટલે, તેઓ રાજ્યની મિલકત માનવામાં આવે છે. જ્યારે કાયદો નાગરિકો પાસેથી વન્યજીવનનું રક્ષણ કરવાની અપેક્ષા રાખે છે, તો એ પણ જરૂરી છે કે સરકાર આવા પ્રાણીઓ દ્વારા થતા કોઈપણ નુકસાન માટે તેમને વળતર આપે.

હાઈકોર્ટે શું કહ્યું?
કોર્ટે કડક ચેતવણી આપી હતી કે જો ખેડૂતોને વળતર નહીં મળે, તો તેઓ તેમના પાકને બચાવવા માટે પગલાં લઈ શકે છે, જેથી વન્યજીવનને નુકસાન પહોંચી શકે છે. આનાથી કાયદાનો હેતુ જ ખતમ થઇ જશે. મહાદેવ ડેકાટેએ દાવો કર્યો હતો કે તેમને આશરે ₹20 લાખનું નુકસાન થયું છે. વન વિભાગ અને કૃષિ વિભાગ બંનેના અધિકારીઓએ પણ તેમના નિરીક્ષણ દરમિયાન સ્વીકાર્યું હતું કે લગભગ 50 ટકા ફળ પક્ષીઓ દ્વારા ખરાબ કરવામાં આવ્યા હતા. આ ચૂકાદો ખેડૂતો અને વન્યજીવન સંરક્ષણ બંને માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

