- National
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત માટે કેટલા મત જરૂરી? NDA-INDIA અને અન્યમાં કેટલા સાંસદ; જાણો વિગત
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત માટે કેટલા મત જરૂરી? NDA-INDIA અને અન્યમાં કેટલા સાંસદ; જાણો વિગત
દેશમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ કારણે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ચૂંટણી થઈ રહી છે. સત્તાધારી ગઠબંધન NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તો વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો આખરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ક્યારે થશે? આ ચૂંટણી જીતવા માટે કેટલા મત જરૂરી છે? NDA અને વિપક્ષી ગઠબંધન પાસે કેટલા સાંસદ છે? ચાલો જાણીએ આ બધા સવાલોના જવાબો.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે છે?
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ થશે. NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન અને INDIA બ્લોકના ઉમેદવાર પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો થશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું- 07 ઑગસ્ટ, 2025 (ગુરુવાર)
નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ- 21 ઑગસ્ટ, 2025 (ગુરુવાર)
નોમિનેશનની ચકાસણીની તારીખ- 22 ઑગસ્ટ, 2025 (શુક્રવાર)
નોમિનેશન પરત ખેંચવાની છેલ્લી તારીખ- 25 ઑગસ્ટ, 2025 (સોમવાર)
મતદાન કયા દિવસે થશે- 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)
મતદાનનો સમય- સવારે 10.00 થી સાંજે 05.00 વાગ્યા સુધી.
મતગણતરી કયા દિવસે થશે- 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)
લોકસભાનું ગણિત
લોકસભામાં કુલ 542 સાંસદો છે.
સરકાર સાથે: 293 સાંસદો છે.
વિપક્ષ પાસે છે: 249 સાંસદો.
નોન-NDA અને નોન-INDIA બ્લોકના 15 સાંસદો છે.
રાજ્યસભાનું ગણિત
રાજ્યસભામાં કુલ 240 સાંસદો છે.
સરકાર સાથે: 134 સાંસદો છે.
વિપક્ષ સાથે: 106 સાંસદો છે.
નોન-NDA અને નોન-INDIA બ્લોકના 30 સાંસદો છે.
બહુમતી માટે કેટલા મતોની જરૂર છે?
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતી માટે 392 સાંસદોની જરૂરિયાત પડશે. માહિતી અનુસાર, સરકારના પક્ષમાં 427 સાંસદોનું સમર્થન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન આજે ઉમેદવારી નોંધાવશે. તો, વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી 21 ઑગસ્ટે ઉમેદવારી નોંધાવશે.

